- ઈરાન સમર્થિત હુતી બળવાખોરોએ રાતા સમુદ્રમાં તરખાટ મચાવ્યો છે
- અમેરિકા, બ્રિટનના વળતા હુમલા વચ્ચે હુતી બળવાખોરો બેફામ
- અમેરિકા તરફથી આને લઈ કોઈ નિવેદન સામે નથી આવ્યું
ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ દરમ્યાન રાતા સમુદ્રમાં યમન અને ઈરાન સમર્થિત હુતી બળવાખોર સતત અમેરિકા અને તેના સમર્થક જહાજોને ટાર્ગેટ કરી રહ્યા છે. ક્યારેક તેઓ કારોબારી જહાજોને નિશાન બનાવે છે. તો ક્યારેક અમેરિકી જંગી જહાજો પર પણ હુમલા કરતા હોય છે. એકવાર ફરી રાતા સમુદ્રમાં હુતી વિદ્રોહીઓએ અમેરિકી જંગી જહાજો પર હુમલો કર્યો છે.
મળતી માહિતી અનુસાર, હુતી બળવાખોરોએ એક ઝૂંબેશ ચલાવી અને તેઓએ રાતા સમુદ્રમાં બે અમેરિકી યુદ્ધ જહાજોને ટાર્ગેટ કર્યા હતા. સૈન્ય પ્રવક્તાએ આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી જાણકારી અનુસાર, હુતી બળવાખોરોનું કહેવું છે કે તેઓએ રાતા સમુદ્રમાં અમેરિકાના બે યુદ્ધ જહાજો પર મિસાઈલો અને ડ્રોન હુમલા કર્યા છે. જો કે અત્યાર સુધી અમેરિકા તરફથી આને લઈ કોઈ નિવેદન સામે નથી આવ્યું.
અમેરિકા અને બ્રિટન પણ હુતીઓના ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યા છે
આ અગાઉ અમેરિકા અને બ્રિટને સંયુક્ત રીતે હુતી બળવાખોરોના ઠેકાણાઓને ઘણીવાર નિશાન બનાવ્યા છે. કેટલાક દિવસો અગાઉ અમેરિકા અને બ્રિટને યમનમાં હુતી વિદ્વોહીના 18 ઠેકાણા પર હુમલા કર્યા હતા. ઈરાન સમર્થિત સ્થાનિક લડવૈયાઓ રાતા સમુદ્ર અને એડનની ખાડીમાં જહાજો પર તાજેતરમાં વધતા હુમલાના વળતા જવાબમાં આ હુમલા કર્યા હતા.
હુતીઓના હુમલામાં માલવાહક જહાજમાં આગ
હુતી બળવાખોરોએ આ અગાઉ એક મિસાઈલ હુમલો કર્યો હતો. જેના લીધે એક માલવાહક જહાજમાં આગ લાગી હતી. ત્યારબાદ અમેરિકા અને બ્રિટનના લડાકુ વિમાનોએ મિસાઈલ, રોકેટ લોંચર, ડ્રોન અને એર સિક્યોરિટી સિસ્ટમને નિશાન બનાવતા આઠ સ્થળો પર હુમલો કર્યો હતો. અમેરિકા અને બ્રિટનની સેનાએ 12 જાન્યુઆરી બાદ ઘણીવાર હુતી બળવાખોરો વિરુદ્ધ સંયુક્ત અભિયાન ચલાવ્યા છે.


