- વાઘણ શરીરનો નાશ કરી શકશે, પણ મારા આત્માનો એ નાશ કરી શકશે નહીં
અયોધ્યા નગરીની આ વાત છે. ઘણા સમય પહેલાં ઘટેલી આ ઘટના છે. એ સમયે અયોધ્યા નગરીના રાજા કીર્તિધર હતા અને રાણીનું નામ સહદેવી હતું. એમનો એક પુત્ર હતો એનું નામ હતું સુકોશલ.
એમના એકના એક પુત્ર માટે માતાપિતા અપૂર્વ લાગણીના તંતુથી જોડાયેલાં હતાં. કીર્તિધર ભલે રાજા હતા છતાં એ રહેતા ત્યાગી વૈરાગીની જેમ. હજી સંસારનો ત્યાગ કરેલો નથી, પણ છતાંય એમના વર્તનથી ક્યાંય સંસારનું વળગણ કળાય નહીં.
એક વાર અયોધ્યા નગરીમાં એક જ્ઞાની ભગવંત પધાર્યા છે. એમનાં દર્શન-વંદન કરવા માટે આખા નગરના નાગરિકોને સાથે લઈને ગયા. આટલા બધા નાગરિકો સાથે આવેલા રાજાને જોઈને જ્ઞાની મુનિએ જ્ઞાનનું ભાથું આપવાનું ચાલુ કર્યું. ભાગ્યશાળી આત્માઓ, માનવનો દેહ મળ્યો છે. ઘર માટે, નગર માટે કે પરિવાર માટે ઘણું કર્યું હશે કરવું કે ના કરવું એની ચર્ચાનો કોઈ અર્થ રહેતો નથી, પણ તમે તમારા પોતાના માટે શું કરો છો? કંઈ કરો તો છોને?
જ્ઞાની મુનિએ ગંભીર વાત રમત કરતાં જ કહી દીધી. સમજવાવાળા સમજી પણ ગયા. કીર્તિધર રાજાની આંખ ખૂલી ગઈ છે. એમની વિચારધારા આગળ વધી રહી છે. મહાત્મા સાચું કહે છે, આપણે `ક્યારેય પણ આપણા માટે’ જીવીએ છીએ ખરા?
અરે, આપણા માટે આપણું કોઈ કામ કરવાનું હોય એવી વિચારણા પણ દેખાય નહીં. એમનું ચિંતન આગળ વધે છે. આપણું કહેવાય કોને? આપણે ખાઈએ-પહેરીએ એ કોના માટે? આપણા માટે જને? એમણે તો ગુરુજીને પૂછી લીધું, આપણા માટે ક્રિયા નથી કરતા એવું કેમ બોલો છો. ખાવાપીવાનું વગેરે કેટલું બધું આપણા માટેનું જ તો હોય છે?
મધુર સ્મિત કરતાં ગુરુ ભગવંત એમને જવાબ આપે છે. ભાગ્યશાળી! મારું એટલે શું એનો વિચાર તો કરો. તમે જે વાત કરો છો એ બધું શરીર માટે છે, આપણા માટેની ક્રિયા માટે તો ભીતર જવું પડે. આત્માનો પરિચય કરવો પડે. તો સાચી વાત સમજવામાં આવે.
આત્મા માટે શું કરીએ છીએ. એના સિવાયની બધી પ્રવૃત્તિ પર માટેની છે, સ્વ માટેની પ્રવૃત્તિ તો તમારે કરવી હોય તો આપણાં દર્શન-જ્ઞાન, ચારિત્ર્ય માટેનો પ્રયત્ન કરીએ એ જ છે.
કીર્તિધર રાજાના મગજમાં બધી વાત આવી જાય છે. એમણે નક્કી કરી લીધું, જગતના રાજા બનવામાં આપણને કંઈ મળવાનું નથી, પણ રાજવીપણું તો આપણા જ આત્માની જીતમાં છે અને આવા રાજા બનવા માટે એક જ પ્રવૃત્તિ કરવાની જરૂર રહેવાની. જ્ઞાની મુનિ પાસે રહેવાની. એમની પાસે રહીને સંયમની સાધના કરવા બીજા કોઈ પણ જાતના વિચાર કર્યા વગર એ તો ઊભા થઈ ગયા.
બધા જોઈ રહ્યા છે. આ શું થઈ રહ્યું છે. ઘેર જઈને પરિવારજનોની સાથે વાત કરે છે. હવે મારે મારો રસ્તો બદલવાનો છે. અત્યાર સુધી ઘણાંબધાં યુદ્ધો કર્યાં છે. બધામાં આપણે વિજેતા બન્યા છીએ, હવે નવા રાજ્યના રાજા બનવા માટે વર્તમાન રાજ્યનો ત્યાગ કરવો અનિવાર્ય આવશ્યક છે. તમારા બધાની મારે રજા લેવાની છે. તમે પ્રેમથી મને રજા આપો એવી મારી માંગણી છે.
રાજા કીર્તિધર હવે સ્પષ્ટ વાત કહી રહ્યા છે. હવે મારે સંસારનો ત્યાગ કરીને સંયમનો અંગીકાર કરીને મુનિની સેવામાં જવું છે. એકાએક આપને આવો શું વિચાર આવે છે? આવા વિશાળ રાજ્યને તો કંઈ છોડી દેવાતું હશે? કોઈએ કદાચ આપના આત્માને દુભાવ્યો હોય તો અમે આપને ક્ષમા પ્રદાન કરવા વિનંતી કરીએ છીએ, પણ આપની આમ અચાનક જ દીક્ષા લેવાની તત્પરતાને કેવી રીતે સંભાળી શકીએ? એટલે આપ શાંતિથી રાજ્યનું પરિપાલન કરો એ જ અમારી આપને અપીલ છે. મારે આવા નાના રાજ્યના રાજા બનવાની ઇચ્છા નથી. મારે તો મારા આત્મ સામ્રાજ્યના સ્વામી બનવું છે. મને અનુમતિ આપો.
કીર્તિધરની દલીલોની સામે સહદેવી અને સુકોશલની કોઈ વાત ચાલી નહીં. આખરે રાજા કીર્તિધર મુનિ કીર્તિધર બન્યા. એમણે દીક્ષા લીધી. દીક્ષા લઈને અધ્યયન કરીને જ્ઞાની બન્યા છે. ગુરુ મહારાજની આજ્ઞા લઈને એકલા વિહાર કરે છે. આમ તો સાધુ મહારાજ એકલા રહે નહીં, પણ વિશિષ્ટ શક્તિ અને લબ્ધિના સ્વામી હોય એવા મહાત્માઓ એકલા વિચરણ કરે.
આમ વિચરતાં વિચરતાં કીર્તિધર મુનિ અયોધ્યા નગરમાં આવ્યા છે. રાણી સહદેવીને સમાચાર મળ્યા કે નગરમાં કીર્તિધર મુનિ પધાર્યા છે. રાણી વિચાર કરે છે, આ મુનિ જો અહીં આવશે તો સુકોશલ એના પિતાના રંગે રંગાવાનો. જોકે, સુકોશલને તો એના પિતાની સાથે દીક્ષા લેવાની ઈચ્છા હતી, પણ આટલા મોટા રાજ્યને રેઢું મૂકીને દીક્ષા લેવી યોગ્ય નથી આવું સમજાવવાના કારણે એ સંસારમાં રહેલો, પણ હવે એને સંસારમાં રાખવો સહેલો નથી અને એ જો દીક્ષા લઈ લે તો મારું રાજમાતાનું પદ ટકી શકે નહીં. તો પછી હું તો સામાન્ય પ્રજાજનથી કોઈ વિશેષ રહું નહીં. આવું તો મારાથી કેવી રીતે ચલાવી લેવાય? આના માટે મારે કંઈક કરવું પડશે. આમ વિચારીને એણે કીર્તિધર મુનિને એરેસ્ટ કર્યા. એવા અજ્ઞાત સ્થળે એમને રાખી દીધા છે.
આ બાજુ રાજા સુકોશલને સમાચાર મળ્યા કે મુનિ આપણા રાજ્યમાં પધાર્યા હતા, પણ અત્યારે ક્યાં ગયા એ આપણને જાણ નથી.
સુકોશલ રાજા કહે છે, ગમે તેમ કરો, પણ એ મુનિની તપાસ કરો કે મુનિ ક્યાં ગયા? શા માટે ગયા? તપાસ કરતાં જાણવા મળ્યું કે આ મુનિને રાજમાતાની આજ્ઞાથી અદૃશ્ય કરવામાં આવ્યા છે અને એમને નજરકેદમાં રાખ્યા છે.
સુકોશલ રાજા આશ્ચર્યચકિત થઇ ગયા. રાજર્ષિ કીર્તિધરને અદૃશ્ય છુપાવી દેવાની શા માટે જરૂર પડી? અને એ પણ રાજમાતાને? શા માટે આવો માર્ગ એમણે લેવો પડ્યો? રાજમાતાને પૂછવું પડે.
સુકોશલ રાજા પોતાની માતાને મળ્યો અને પૂછ્યું: પિતા, મુનિ આપણા રાજ્યમાં પધાર્યા હતા એ વાત આપ જાણો છો?
રાજમાતાએ જવાબ ટાળવાના ઘણા પ્રયાસ કર્યા પણ સામે રાજા સ્વયં હતો. એણે પોતાની વાતને બરાબર પકડી રાખી. છેવટે એમણે વાતનો સ્વીકાર કર્યો. આ કામ મારે એટલા માટે કરવું પડ્યું કે તમે એમની પાસે દીક્ષા લઇને ચાલ્યા જાવ નહીં.
રાજર્ષિને આમંત્રણ આપીને બોલાવે છે. રાજ્ય પોતાના પુત્રને સોંપીને પોતે પિતા મુનિની પાસે દીક્ષા લઈ લે છે, પણ આ ઘટનાએ સહદેવીના દિલમાં આગ લગાડી છે. એ એવા વિચાર કરીને દુઃખી થાય છે કે મારા દીકરાએ મારી વાત કેમ માની નહીં. માણસને દુખી થવા માટે કારણો શોધવાની ક્યાં જરૂર હોય છે? એ તો આવાં કોઈ ને કોઇ કારણ શોધી કાઢતા હોય છે, પણ એના કારણે એનું ભવિષ્ય કેટલું કલુષિત બને છે એનો વિચાર કરવો એને ગમતો નથી. સહદેવી આવા વિચારોમાં મરીને વાઘણ તરીકે ઉત્પન્ન થાય છે.
ભયંકર જંગલમાં આમથી તેમ ભટક્યા કરે છે. એક વાર પિતા-પુત્ર મુનિ વિચરણ કરતા એ જ જંગલમાં આવે છે. જંગલમાં ધ્યાન કરી રહ્યાં છે. એક વૃક્ષની નીચે બંને મુનિઓ ધ્યાનમાં સ્થિર ઊભા છે. એ જ સમયે પેલી વાઘણ ત્યાં આવે છે.
વાઘણે સુકોશલ મુનિને જોયા. પૂર્વભવના સંસ્કાર ગુસ્સામાં જાગ્રત થાય છે. આ માણસે મારી વાત માની નહીં. હવે એમને ખતમ કરી નાખું. મનની ભૂમિકા કેવી વિચિત્ર હોય છે. પૂર્વના ભવમાં એના માટે રાગ હોત. એણે એની વાત માની નહીં પરિણામે ક્રોધના ભાવો જાગ્યા. આ ભવમાં એ ભાવોમાં વધારો થયો. ધ્યાનમાં ઊભેલા મુનિ ઉપર તરાપ મારી નખથી એના શરીરના ભાગને ફાડી નાખે છે. માણસ જેમ કપડું ફાડે એ રીતે એણે નિર્દયતાથી મુનિના શરીરને ફાડવા માંડ્યું.
મુનિ વિચાર કરે છે કર્મ ખપાવવાનો સુંદર અવસર મારા હાથમાં આવ્યો છે, તક મળી છે તો એને ગુમાવવાની ન હોય. વાઘણને દૂર કરવાની તો વાત જ નહીં, પણ એના પ્રત્યે કોઈ જાતનો દુર્ભાવ પણ લાવ્યા વગર એ વિચારે છે શરીર અને આત્મા અલગ છે. વાઘણ શરીરનો નાશ કરી શકશે, પણ મારા આત્માનો એ નાશ કરી શકશે નહીં. આત્મા અને શરીરના ભેદની વિચારણા આવી અવસ્થામાં પણ કરે છે અને એ જ સમયે એમને કેવલજ્ઞાન મળે છે. એ જ સમયે એમના આયુષ્યનો ક્ષય થાય છે, મોક્ષમાં જાય છે.
આ ઘટનાને નિહાળી રહેલા કીર્તિધર મુનિ પણ સંસારના સ્વરૂપનો વિચાર કરે છે. રાગ ક્યારે દ્વેષમાં પરિવર્તિત થાય છે અને એની પરાકાષ્ઠા કેવી હોય છે. આવા સંસારના સ્વરૂપનો વિચાર કરતાં કરતાં એમને પણ કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. આપણે હવે એવું કરીએ કે જેથી આપણા રાગદ્વેષ અટકે અને એના કારણે આપણી દુર્ગતિ ન થાય.