- રાજદ્વારી બાબતોમાં જયશંકરે અને સંવેદનશીલ બાબતોની ચર્ચાના મોરચે અજિત ડોભાલે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી
- વિદેશ મંત્રાલયે કતારના અમીરની સરાહના કરી
- સંપૂર્ણ શ્રેય નૌસેનાના પૂર્વ અધિકારી ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપી રહ્યા છે
કતારમાં કેદ રહેલા આઠ ભારતીય નાગરિકોમાંથી સાત હેમખેમ ભારત પાછા આવી ગયા છે, તેનું સંપૂર્ણ શ્રેય નૌસેનાના પૂર્વ અધિકારી ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે પીએમ મોદીની દખલ વગર તેમનું ભારત પાછા આવવું શક્ય નહોતું. હવે સમાચાર આવ્યા છે કે આ આખી પ્રક્રિયામાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડાભોલકર અને વિદેશમંત્રી એસ. જયશંકરની ખૂબ મોટી ભૂમિકા હતી. સમગ્ર મામલે રાજદ્વારી મોરચાને વિદેશમંત્રી એસ. જયશંકરે સંભાળ્યો હતો. બીજી તરફ, પીએમ મોદીની સલાહના આધારે સંવેદનશીલ ચર્ચાઓની કમાન અજિત ડોભાલે સંભાળી હતી. એટલું જ નહીં, સમાચાર તો એવા છે કે, ડોભાલે કતારના નેતૃત્વને ભારતનો પક્ષ સમજાવવા માટે ઘણી વાર દોહાના ગુપ્ત પ્રવાસો પણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બરમાં પીએમ મોદી કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ-થાનીને દુબઈમાં મળ્યા હતા. તેમની આ મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સંબંધો અને કતારમાં રહેતા ભારતીયોના ભલા અંગેની ચર્ચા થઈ હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પણ આ મુલાકાત વિશે જણાવેલું. કતારમાં 30 ઓગસ્ટ 2022એ આઠ ભારતીય નાગરિકોની જાસૂસીના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેમને મૃત્યુની સજાની સુનાવણી થઈ હતી. આ સજાને ભારતના પ્રયાસોએ આજીવન કેદમાં ફેરવી દીધી હતી.
વિદેશ મંત્રાલયે કતારના અમીરની સરાહના કરી
વિદેશ મંત્રાલય તરફથી બહાર પડાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત સરકાર કતારમાં કેદ કરાયેલા દાહરા ગ્લોબલ કંપનીમાં કામ કરતા આઠ ભારતીય નાગરિકોને છોડી મૂકવાની બાબતનું સ્વાગત કરે છે. આઠમાંથી સાત ભારત પાછા આવી ગયા છે. અમે આ નાગરિકોની મુક્તિ અને વતન-વાપસી માટે કતારના અમીરના નિર્ણયની સરાહના કરીએ છીએ.


