ખાનગી સર્વેયરો અને સરકારી અધિકારીઓની મિલીભગત
આખે આખા સર્વેના ખરાબા ગૂમ થઇ જાય છે : ‘આલીયા’ની ટોપી ‘માલીયા’ માથે
રાજકોટની જમીન માપણી કચેરી (ડીએલઆર)માં કરોડો રૂપિયાની જમીનના કૌભાંડ થતાં હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. ખાસ કરીને આ કચેરીના સર્વેયર રાવલીયા અને સી.સી.મહેતાએ તમામ મર્યાદાઓ ઓળંગી દીધી છે. જમીનમાં દબાણ અંગે કોઇ ફરિયાદી આ કચેરીમાં જાય છે ત્યારે તે આરોપી હોય તેવો તેની સાથે વર્તાવ આ બંને સર્વેયરો કરે છે. એટલું જ નહીં સત્તાવાર નકશાઓ બનાવવામાં પણ કૌભાંડકારો સાથે મેળાપીપણું કરતા હોવાના આક્ષેપ થાય છે.
‘અગ્ર ગુજરાત’ સમક્ષ જમીન કૌભાંડનો ભોગ બનેલા કેટલાક જમીન માલિકો તેમના દસ્તાવેજો સાથે રૂબરૂ મુલાકાતે આવ્યા હતાં. જેમાં કેટલાક રેવન્યુ નિષ્ણાંતોનો પણ સમાવેશ થાય છે. તેમના જણાવ્યા મુજબ સમગ્ર કૌભાંડ મુખ્ય નકશાને સમય પ્રમાણે ફેરફાર કરીને કરવામાં આવે છે. દબાણ કરી લેનારા લોકોનો નવા નકશામાં સમાવેશ કરી લેવાય છે અને જે પ્લોટ માલિકો જાગૃત ન હોય તેમની જમીન અદ્રશ્ય થઇ જાય છે.
આ માટે પોતાના ઉપર કોઇ જવાબદારી ન આવે એટલે લેન્ડગ્રેબીંગ કરનારા માફિયા તત્વોને પ્રાઇવેટ સર્વેયરો પાસે સર્વે કરાવાય છે. આ સર્વેને રાવલીયા અને સી.સી.મહેતા ડીએલઆરના સહી સિક્કા કરી આપે છે. આગળ જતાં કોઇ કાનૂની ગૂંચ આવે તો સમગ્ર દસ્તાવેજો ફોર્જ છે તેવું કહી હાથ ઊંચા કરી શકાય તેવી પણ તેમાં શંકા જઇ શકે છે. માઉન્ટ વિલેને અડીને આવેલા સર્વેમાં થયેલા દબાણમાં માઉન્ટ વિલે બાજુની ખરાબાની આખી જગ્યા અદ્રશ્ય થઇ ગઇ છે.
જાણકારોના જણાવ્યા મુજબ રાજકોટમાં કોઇપણ જગ્યાએ કોઇપણ જમીનના આખા સર્વે નંબરની ચતુર્દિશા એક સરખી રહેતી નથી. સમયે સમયે ચતુર્દિશા બદલાઇ છે. વાસ્તવમાં કોઇપણ પ્લોટ બિનખેતી થઇ ગયા હોય અને ચતુર્દિશા નક્કી થઇ ગઇ હોય પછી તેમાં ફેરફારને અવકાશ રહેતો નથી. પરંતુ નકશા બતાવી અને રેવન્યુ કાયદાના અજાણ લોકોને ખોટા નકશા રજૂ કરી પ્લોટ પડાવી લેવાય છે.
કયાં અધિકારી ૨૦૦ કરોડની જમીનનો વહિવટ કરી ગયા
રાજકોટમાં થોડા વર્ષો પહેલા મહત્વની પોસ્ટ પર રહી ચુકેલા અને હાલ ગાંધીનગરમાં જેમના સિક્કા પડે છે તેવા એક અધિકારી સામે રાજકોટના ખૂબ મોટા જમીન કૌભાંડની આંગળી ચિંધાઇ છે. આ અધિકારીએ રૂડા સર્વેમાં આવતા જમીનના ટીપીની હેરાફેરીમાં મહત્વનો રોલ ભજવી ૨૦૦ કરોડની જમીનમાં મોટો વહિવટ કરી લીધાની જાણકાર લોબીમાં ચર્ચા થાય છે. આ અધિકારી સરકારના ફાયર ફાઇટર જેવા છે. જયારે-જયારે રાજકોટનો કોઇ મામલો આવે છે ત્યારે આ અધિકારી પ્રગટ થાય છે. સરકારને મદદરૂપ થાય છે અને સાથે સાથે ખૂબ જ સિફતપૂર્વક રાજકોટના વહિવટ પતાવવામાં પણ તેમની નિપૂર્ણતા હોવાનું જાણકારોમાં ચર્ચાય છે.
કિશોર કોટેચાને તત્કાલીન પો.કમિશનર મોહન ઝાએ તેમની જગ્યા બતાવી દીધી હતી
રાજકોટમાં ન્યારી ડેમ પાસેના સર્વે નં.૯3/૧માં અંદાજે એકાદ કરોડની કિંમતના પ્લોટનું ગ્રેબીંગ થયું છે. આ અંગે કલેકટર કચેરીમાં વિમલ ગઢીયા નામના આ પ્લોટના જમીન માલિકે જિલ્લા કલેકટર કચેરીને લેખીત ફરિયાદ કરી કિશોર કોટેચા તેમના ભાગીદાર મેહુલ નથવાણી સામે લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ કરી છે. કિશોર કોટેચા અગાઉ પણ અનેક વિવાદમાં સપડાઇ ગયા છે. ભૂતકાળમાં તત્કાલીન પોલીસ કમિશનર મોહન ઝા સમક્ષ બિલ્ડર સંગઠનની મદદ લઇ અને રજુઆત કરવા ગયા હતાં. પરંતુ કિશોર કોટેચાનો કાચો ચિઠ્ઠો મોહન ઝા પાસે હોવાથી તેમણે કિશોર કોટેચાને તે સમયે પણ તેમની જગ્યા બતાવી દીધી હતી. કિશોર કોટેચાના પિતાશ્રી ડાયાભાઇ કોટેચા ખ્યાતનામ બિલ્ડર હતાં અને તેમનું પણ વિવાદાસ્પદ જમીન પ્રકરણમાં હત્યા થઇ હતી. આ બાબત પણ વર્તમાન કલેકટર પ્રભવ જોશી પાસે ફરિયાદી દ્વારા મૂકવામાં આવી છે. આમ રાજકોટમાં હવે સામાન્ય નાગરિકોની જમીન સલામત રહી નથી. સરકારી અધિકારીઓ અને ભૂમાફિયાઓની સાંઠગાંઠથી શાંતિપ્રિય લોકોની જમીન હડપ થઇ જવાની દહેશત રહે છે.
‘અગ્ર ગુજરાત’ ભૂમાફિયાઓના કૌભાંડ ઉજાગર કરશે
‘અગ્ર ગુજરાત’માં ડીએલઆર કચેરીના સર્વેયર સી.સી.મહેતા અને રાવલીયા સહિતના ટોચના અધિકારીઓના કૌભાંડ અંગે અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ ન માત્ર રાજકોટ શહેર પરંતુ સમગ્ર રાજકોટ જિલ્લામાંથી કૌભાંડોના હાડપીંજર લઇ પીડિત જમીનદારો આવી રહ્યા છે. અત્યાર સુધીમાં અંદાજે ચાર થી પાંચ જમીનદારો અને ગ્રામજનો ‘અગ્ર ગુજરાત’ કાર્યાલયમાં તેમના દસ્તાવેજો લઇ સરકારમાં કઇ રીતે ખોટુ થયું છે તેના પુરાવાઓ આપી રહ્યા છે. કેટલાક કિસ્સામાં તો સરકારી કુવાઓ અને તળાવો અદ્રશ્ય થઇ ગયા હોવાના અને આ જમીન વેચાઇ ગયા હોવાના પણ દસ્તાવેજી પુરાવાઓ અને ફરિયાદો છે. ‘અગ્ર ગુજરાત’ આવા પીડિતોને પુરાવાઓ સાથે વાંચા આપશે. ભૂમાફીયાઓ સામેની લડતમાં ‘અગ્ર ગુજરાત’ લોક અવાજ બનશે. આ માટે પીડિતોને ‘અગ્ર ગુજરાત’ કાર્યાલયનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવે છે.


