શાકંભરી નવરાત્રિ પર્વ
ચાર નવરાત્રિ ઉપરાંત એક વિશેષ નવરાત્રિ પર્વ પણ મનાવાય છે. જે શાકંભરી નવરાત્રિના નામથી પ્રચલિત છે. ખાસ કરીને પોષ મહીનાની સુદ પક્ષની અષ્ટમી તિથિથી પૂર્ણિમા સુધી શાકંભરી નવરાત્રિ પર્વ ઊજવાય છે. આ દિવસોમાં ધાર્મિક કર્મો કરવાનું વિધાન છે. વિશેષરૂપમાં માતા અન્નપૂર્ણાની અર્ચના કરવામાં આવે છે.
આપણને પ્રશ્ન એ થાય છે કે શાકંભરી દેવી કોણ છે? શા માટે શાકંભરી દેવીની ઉપાસના આરાધના કરવામાં આવે છે? તેના માટે જાણી માતાજીની કથા.
શાકંભરી માતાની પૌરાણિક કથા
માતા દુર્ગાના વિશેષ અવતારોમાં મા શાકંભરી એક છે. દુર્ગા, રક્તદંતિકા, ભીમા, ભ્રામરી, શતાક્ષી તથા શાકંભરી પ્રસિદ્ધ છે. પુરાણોમાં દેવી ભાગવત તથા દુર્ગા સપ્તસતી ગ્રંથમાં મા શાકંભરીની કથાનું વર્ણન જોવા મળે છે.
પૌરાણિક કથા અનુસાર એક સમયે જ્યારે પૃથ્વી ઉપર દુર્ગમ નામના અસુરનો આતંક ખૂબ ફેલાયેલો હતો ત્યારે લગભગ સો વર્ષ સુધી વરસાદ ન થવાથી અન્ન જળનો અભાવ પડ્યો. ચારે તરફ દુષ્કાળથી માનવ-પ્રાણી સહિતના તમામ જીવો ખૂબ પીડાવા લાગ્યા. લોકોના મૃત્યુ પણ થવાં લાગ્યાં. નિર્દોષોના જીવન ખતમ થવાં લાગ્યાં હતાં. આ દુર્ગમ દૈત્યએ બ્રહ્માજીના ચારેય વેદો ચોરી લઈ પૃથ્વી ઉપર ત્રાસ ગુજારવા લાગ્યો. આ સમયે જીવોની રક્ષા કરવા માટે આદ્યશક્તિએ શાકંભરી દેવીના રૂપમાં અવતાર લીધો. મા શાકંભરી ખૂબ રડવા લાગ્યા. અતિશય અને સતત રડવાથી અશ્રુધારા વહેવા લાગી. આ અશ્રુધારાથી સમગ્ર ધરતી ઉપર અશ્રૃના માધ્યમથી જળપ્રવાહ વહેવા લાગ્યો. જળપ્રવાહથી અનાજ, શાકભાજી વનસ્પતિ ઉગવા લાગી. પુન:સૃષ્ટિ યથાવત થવા લાગી. અંતમાં શાકંભરી દેવીએ દુર્ગમ દૈત્યનો વિનાશ કરી નાખ્યો
શાકંભરી નવરાત્રિ પૂજાવિધિ
પોષ માસની સુદ અષ્ટમી તિથિએ પ્રાત:કાળે સવારમાં વહેલાજાગી નિત્યકર્માદિથી પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવાં. ઘરના પૂજાસ્થાનમાં બાજઠ ઉપર આસન પાથરી તેના ઉપર માતા શાકંભરીની અષ્ટભૂજા કે ચતુર્ભુજ મૂર્તિ સ્થાપિત કરવી. શક્ય ન હોય તો તસવીર પણ પધરાવી શકાય. બાજઠ સ્થાપન ઉપર કુંભ અને શ્રીફળ સ્થાપન પણ કરી શકાય. આસપાસ પૂજાસ્થાનમાં ગંગાજળ સમુદ્રજળનો છંટકાવ કરીને આસપાસની ભૂમિ પવિત્ર બનાવવી. ત્યારબાદ માતા શાકંભરીની પંચોપચાર, ષોડ્શોપચાર કે રાજોપચાર પૂજન વિધિ કરવી. પૂજન વિધિમાં તાજાં અને ઉત્તમ ગુણવત્તાવાળાં ફળફળાદી, શાકભાજી, ઋતુ મુજબના ફળો વગેરે માતા શાકંભરીને અર્પણ કરવા. પરિવાર સહિત પૂજામાં બેસીને માની આરતી કરવી ત્યારબાદ મંત્ર પુષ્પાંજલી અર્પણ કરીને પરિવારની સુખાકારી માટે સહુએ બે હાથ જોડી માતા પાસે પ્રાર્થના કરવી. પછી આરતી તથા પ્રસાદ પરિવારજનોમાં વિતરણ કરવો અને સાથે બેસીને શાકંભરી કથાનું શ્રવણ કરવું. આ રીતે પૂર્ણિમા સુધી નવરાત્રિમાં દરરોજ પૂજા આરાધના કરવાનું વિધાન છે.
વિશેષ અનુષ્ઠાન
મા શાકંભરી એ આદ્યશક્તિ જગદંબાનું જ સ્વરૂપ છે. તેથી નવરાત્રિ દરમિયાન જે જે મંત્રોની ઉપાસના કરીએ છીએ એ તમામ મંત્રો દ્વારા મા શાકંભરીની આરાધના નવરાત્રિમાં કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. નવરાત્રિ દરમિયાન `ૐ ઐં હ્રીં ક્લીં ચામુંડાયૈ વિચ્ચૈ’ના મંત્રજાપ. દુર્ગા સપ્તસતિના 13 અધ્યાયનું નિત્ય પઠન, ઉપરાંત અર્ગલાસ્તોત્ર, સિદ્ધ કુંજીકા સ્તોત્ર, દુર્ગા અષ્ટોત્તરનામ સ્તોત્ર, દુર્ગા બત્રીસી નામ માળા, દુર્ગા રાત્રી સૂક્ત, દેવી સૂક્ત આ તમામ સ્તોત્રનું પઠન ખૂબ આનંદ, ઉત્સાહ અને ઊર્જા પ્રદાન કરે છે.
ૐ હ્રીં શ્રીં ક્લીં ભગવતી માહેશ્વરી અન્નપૂર્ણ સ્વાહા॥
ૐ હ્રીં શ્રીં ક્લીં ભગવતી અન્નપૂર્ણ નમ: ॥
ૐ સર્વબાધા વિનિર્મુક્તો ધનધાન્ય: સુતાન્વિત।
મનુષ્યો મત્પ્રસાઈન ભવિષ્યતિ ન સંશય:॥
ઉપર જણાવેલ કોઈપણ મંત્રના દશ હજાર, સવા લાખ મંત્ર જાપ કરીને તેનો દશાંશ હોમ. દશાંશ તર્પણ, દશાંશ માર્જન અને બ્રહ્મ ભોજન કરીને નિત્ય એક માળા જપવી. દશાંશ હોમ કરતી વેળાએ તલ, જવ, ચોખા, ઘી, મધ, બીલ્વપત્ર.સાકર, પંચમેવા, ઈલાયચી, સમિધ વગેરે સામગ્રીનો ઉપયોગ કરવાથી મા શાકંભરી અતિપ્રસન્ન થાય છે. શાકંભરી નવરાત્રિ દરમિયાન પૂજા-આરાધના-અનુષ્ઠાન કરવાથી ઘર પરિવારમાં ધન-ધાન્ય, ફળફળાદી, અનાજ, શાકભાજીની ઊણપ ક્યારે પણ રહેતી નથી. ઘર-પરિવાર ઉપર માતા અન્નપૂર્ણાની અવિરત કૃપા વરસતી રહે છે.
શાકંભરી દેવીની શક્તિપીઠ
ભગવતી દેવી શાકંભરીનું સૌથી પ્રાચીન મંદિર શિવાલિક પર્વતમાળાના જંગલોમાં મૌસમી નદીના તટ ઉપર છે. જેનું વર્ણન સ્કંદપુરાણ, માર્કંડેયપુરાણ, ભાગવત વગેરેમાં મળી આવે છે.
આ સ્થાન માતાની શક્તિપીઠ તરીકે પણ પ્રચલિત છે. કહેવાય છે કે માતા આ જગ્યામાં સ્વઘોષિત સ્વરૂપમાં પ્રગટ થયાં હતાં. જનમત અનુસાર આ સ્થાનનું પ્રથમ દર્શન એક ગોવાળીયાએ કર્યું હતું. તેની સમાધિ પણ અહીંયા જોવા મળે છે.
આ સિદ્ધ શક્તિપીઠ ઉત્તરભારતના ઉત્તરપ્રદેશ રાજ્યમાં સહરાનપુર જિલ્લામાં જસમૌર ગાવમાં આવેલું છે. આ ઉપરાંત રાજસ્થાનના સીકર જિલ્લામાં ઉદયપુર પાસે સકરાય માતાજીના નામથી પ્રસિદ્ધ છે. ત્રીજી શક્તિપીઠ રાજસ્થાનના સાંભર જિલ્લામાં શાકંભર નામથી પ્રસિદ્ધ છે.
શાકંભરી નવરાત્રિ દરમિયાન આ ત્રણેય શક્તિપીઠમાં યાત્રાળુઓની ભીડ જામેલી રહે છે.
શાકંભરી દેવીનું પૌરાણિક આખ્યાન તથા દંતકથા
મહાભારતના વનપર્વમાં કથા છે તે મુજબ દેવીએ શિવાલિક પહાડોમાં 100 વર્ષો સુધી આકરી તપસ્યા કરી. અંતરાલમાં માત્ર એકવાર શાકાહારી ભોજન કરતાં હતાં. માત્ર શાકભાજી ખાઈને તપ કર્યું હતું. આ કિર્તી સાંભળીને ભારતવર્ષના ઋષિમુનીઓ તેમનાં દર્શન કરવા પધાર્યા. દેવીએ ભારતવર્ષના તમામ ઋષિમુનીઓનું સ્વાગત શાકભાજીથી કર્યું એટલે પણ આ માતાજી શાકંભરી નામથી પ્રચલિત થયાં.
સ્કંદપુરાણમાં કથા છે તે અનુસાર યમુનાના પૂર્વ ભાગમાં સૂર્ય કુંડ છે ત્યાં વિષ્ણુ કુંડ અને બાણગંગાતીર્થ પણ છે. પૂર્વ કાળમાં શ્રીહરિ વિષ્ણુએ મહાદેવજી (રુદ્ર)ને પ્રસન્ન કરવા માટે આ જગ્યામાં તપ કર્યું હતું. આ ક્ષેત્રના દક્ષિણ ભાગમાં શાકંભરી દેવી બિરાજમાન છે. જે શ્રેષ્ઠ અને કામેશ્વરી પણ છે. આ જગ્યામાં મહાદેવજી શાકંશ્વર મહાદેવજી તરીકે બિરાજમાન છે અને તે પ્રત્યક્ષ સિદ્ધિદાયક પણ છે. 100 વર્ષના દુષ્કાળ અને યુદ્ધ દરમિયાન પોતાના અંગોથી જ શાકભાજી ઉત્પન્ન કરીને જીવોનું ભરણપોષણ કર્યું હતું. અહીં આ ક્ષેત્રમાં શાકંભરી દેવી પ્રત્યક્ષ સિદ્ધિદાત્રી છે. દર્શનમાત્રથી જન્મોજન્મના તમામ પાપ નાશ થઈ જાય છે.
એક અન્ય દંતકથા અનુસાર પાર્વતીજીએ શિવજીને પ્રસન્ન કરવા માટે કઠોર તપ કર્યું. તેને અન્ન અને જળનો ત્યાગ કરી દીધો હતો. જીવીત રહેવા માટે માત્ર શાકભાજી આરોગ્યા એટલે પણ શાકંભરી નામ વિખ્યાત થયું.