- જૂનાગઢ પોલીસ ડ્રાઈવર આપઘાત : રેન્જ આઈજી હાઈકોર્ટમાં હાજર રહ્યાં
- કેસમાં સંડોવાયેલા પોલીસ કર્મીઓને બચાવવાનો પ્રયાસ થતો હોવાની ટીકા
- પોલીસે તેના તરફ્ની તપાસ કામગીરી પૂરી કરી દીધી છે
પોલીસ તંત્રમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતાં પિતા પર કથિત પોલીસ અત્યાચાર અને રહસ્યમય સંજોગોમાં તેમના મોત અને ત્યાર બાદ જૂનાગઢ પોલીસ દ્વારા કોઇ જ કાર્યવાહી નહી કરવાના પ્રકરણમાં જૂનાગઢ રેન્જ નીલેશ જાજડીયા ડીઆઇજી પ્રોગ્રેસ રિપોર્ટ સાથે ગુજરાત હાઇકોર્ટ રૂબરૂ હાજર રહ્યા હતા. જૂનાગઢ રેન્જ ડીઆઇજીએ પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરી હાઇકોર્ટને જણાવાયું કે, આ કેસની તપાસમાં પોલીસે કલમ 306ના ગુનામાં નીચલી કોર્ટમાં સમરી રિપોર્ટ ફઇલ કર્યો છે, જયારે 323 અને 114માં નોન કોગ્નિઝેબલ ઓફ્ેન્સ લાગુ પડતો હોઇ તે મુજબની કાર્યવાહી નીચલી કોર્ટમાં કરાઇ છે. હાઈકોર્ટે પોલીસના તપાસના રિપોર્ટ પરત્વે ભારોભાર અસંતોષ વ્યકત કર્યો હતો અને પોલીસ ડ્રાઇવરના પુત્રની ન્યાયિક તપાસ માટે દાદ માંગતી મૂળ રિટ અરજી પુર્નજીવિત કરતો હુકમ કર્યો હતો.
ગત સુનાવણીમાં હાઈકોર્ટે જૂનાગઢ રેન્જ ડીઆઇજીનો ઉધડો લેતાં વેધક સવાલો કર્યા હતા કે, તમે કોર્ટની પરમિશન લીધા વિના કે અદાલતને જાણ કર્યા વિના કેસની તપાસ કેવી રીતે ટ્રાન્સફર કરી શકો? છ મહિના બાદ પણ તપાસમાં કોઇ નક્કર પ્રગતિ થયેલી જણાતી નથી તો તમે કરો છો શું? આ કેસમાં પીએસઆઇ, મહિલા ડીવાયએસપી સંડોવાયેલા છે, તેથી તમે તેઓને બચાવવાના હીન પ્રયાસો કરી રહ્યા છો? હાઇકોર્ટે બહુ ગંભીર નારાજગી સાથે અત્યારસુધીની તપાસનો પ્રગતિ અહેવાલ રજૂ કરવા જૂનાગઢ રેન્જ ડીઆઇજીને ફરમાન કર્યું હતું. જેને પગલે જૂનાગઢ રેન્જ ડીઆઇજીએ અદાલત સમક્ષ હાજર થઇ આ કેસનો પ્રગતિ અહેવાલ રજૂ કર્યો હતો અને જણાવ્યું હતું કે, પોલીસે આ કેસ સંદર્ભે જરૂરી તપાસ હાથ ધરી જૂનાગઢની સ્થાનિક કોર્ટમાં સમરી રિપોર્ટ રજૂ કરવા સહિતની પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે. હવે ટ્રાયલ કોર્ટ તેની રીતે આગળની કાર્યવાહી કરશે. પોલીસે તેના તરફ્ની તપાસ કામગીરી પૂરી કરી દીધી છે.


