- જનરલ ટિકિટ ખરીદવા લોકો લાગ્યા લાઈનોમાં
- કલાકો સુધી ઊભા રહીને લઈ રહ્યા છે ટીકીટ
- યુપી, એમપી, રાજસ્થાન, મુંબઈ, દિલ્હીની ટ્રેનોમાં વધુ ભીડ
દિવાળીના પર્વને પગલે રેલવે સ્ટેશન પર લોકોની ભીડ જોવા મળી રહી છે. વતન જવા માટે લોકો રેલવે સ્ટેશન પહોંચ્યા છે. જનરલ ટિકિટ ખરીદવા લોકો લાઈનોમાં લાગ્યા છે. તેમજ કલાકો સુધી ટીકિટ માટે ઊભા રહીને લઈ રહ્યા છે. યુપી, એમપી,રાજસ્થાન,મુંબઈ, દિલ્હીની ટ્રેનોમાં વધુ ભીડ જોવા મળી શકે છે.
મુસાફરોની સુવિધા માટે અને તહેવારોની સીઝનમાં તેમની માંગને પહોંચી વળવા પશ્ચિમ રેલવેએ અમદાવાદ-પટના, સાબરમતી-દિલ્હી સરાય રોહિલ્લા અને ભાવનગર ટર્મિનસ-દિલ્હી સરાય રોહિલ્લા સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર કેટલીક વધુ તહેવાર વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે.
આ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોના સંચાલન સાથે 344 વધારાના કોચ ઉમેરવામાં આવ્યા છે, જેનો લાભ આશરે 25,000 મુસાફરોને ખાસ કરીને તહેવારોની સિઝનમાં થશે. પશ્ચિમ રેલ્વેએ અત્યાર સુધીમાં 360 ટ્રીપ્સ સાથે વિવિધ સ્થળો માટે 44 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો શરૂ કરી છે, જેનો લાભ આશરે 6.25 લાખ મુસાફરોને મળ્યો છે.
આ ઉપરાંત છઠ્ઠ પૂજા માટે અમદાવાદથી બિહાર માટે બે ટ્રેન દોડાવાશે. જેમાં સાબરમતી-દાનાપુર સ્પેશિયલ ટ્રેન 12, 19, 26 નવેમ્બરના રોજ સવારે 8.15ના ઉપડી બીજા દિવસે બપોરે 2.15ના દાનાપુર પહોંચશે. અમદાવાદ-સમસ્તીપુર સ્પેશિયલ ટ્રેન 9,16,23,30 નવેમ્બરના અમદાવાદથી બપોરે 3.30ના ઉપડીને બીજા દિવસે સવારે સમસ્તીપુર પહોંચશે.


