- અમદાવાદીઓ જોશમાં
- ભારતીય ટીમને કરી રહ્યા છે સપોર્ટ
- સોસાયટીઓના ગ્રાઉન્ડમાં લાગ્યા સ્ક્રીન્સ
આજે આખી દુનિયા, ભારત અને ગુજરાતના દરેક ક્રિકેટ પ્રેમીની નજર અમદાવાદ પર છે. કેમ કે અમદાવાદમાં ક્રિકેટના વર્લ્ડ કપ ચેમ્પિયનનો આજે ફેંસલો થવાનો છે. વર્લ્ડકપ ટાઈટલ જીતવા માટે ક્રિકેટની 2 મહાશક્તિઓ ભારત અને ઓસ્ટ્રેલિયા આજે આમનેસામને છે અને તેમના વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખરાખરીનો જંગ ખેલાઈ રહ્યો છે.
અમદાવાદની વિવિધ સોસાયટીઓમાં પણ ક્રિકેટને લઈને હાઈ ફીવર જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં સોસાયટીઓમાં એકસાથે મેચ જોવા માટે શહેરીજનો દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું છે. અહીં મોટા સ્ક્રીન ગોઠવી અથવા પ્રોજેક્ટર દ્વારા મેચનું લાઈવ પ્રસારણ નિહાળવામાં આવી રહ્યું છે. તેમજ વિરાટ કોહલી અને કે એલ રાહુલના દરેક સારા શોટ પર ઈન્ડિયા ઈન્ડિયાની બૂમો પડી રહી છે. ખાસ તો જ્યારે વિરાટે ફિફ્ટી પૂરી કરી ત્યારે આ દર્શકો અનોખી રીતે ઝૂમી ઉઠ્યા હતા.
અમદાવાદના આંબાવાડી વિસ્તારના આઝાદ એપો.માં પણ લોકોએ સોસાયટીજનો સાથે મળીને મેચ નિહાળી રહ્યા હોય તેવા દૃશ્યો કેમેરા પર અંકિત થયા હતા. ખાસ કરીને સાથે રહીને ઘરે બનાવેલ વિવિધ નાસ્તા અને સારી હાઈ મ્યુઝિક વાળી સાઉન્ડ સિસ્ટમના કોમ્બિનેશનથી અમદાવાદના વિવિધ વિસ્તારોમાં સોસાયટીઓમાં લોકો એકસાથે એકઠા મળીને નાસ્તાની જ્યાફતની સાથે મેચની મજા માણી રહ્યા છે. આજે રવિવાર અને રજાનો દિવસ હોવાથી મોટાભાગે તમામ સામાન્ય જનતા રિલેક્સના મૂડમાં છે તેથી આ વર્લ્ડકપની ફાઈનલનો તેઓ લુત્ફ ઉઠાવી રહ્યા છે.
ખાસ કરીને આવો જ નજારો અમદાવાદના અનેક વિસ્તારોની વિવિધ સોસાયટીઓમાં જોવા મળી રહ્યો છે. ભારતીય ટીમને સપોર્ટ કરવા માટે અમદાવાદીઓ પોતાના તમામ કામકાજ એકબાજુ મૂકીને આ મેચને લાઈવ જોઈ રહ્યા છે અને ટીમ ઈન્ડિયા આ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને વિશ્વકપ જીતે તેવી પ્રાર્થના ભગવાનને કરી રહ્યા છે.


