રાજકોટની પ્રતિષ્ઠિત ગણાતી સમરસ હોસ્ટેલ (સરકારી કુમાર છાત્રાલય) ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં સપડાઈ છે. આ વખતે હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા ભોજનમાં મકોડા અને અન્ય જીવાત મળી આવતા વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સોશિયલ મીડિયા પર હોસ્ટેલના ભોજનનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટપણે પીરસાયેલી વાનગીઓમાં મરેલા મકોડા અને જીવડાં જોઈ શકાય છે. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે હોસ્ટેલમાં લાંબા સમયથી અત્યંત નબળી ગુણવત્તાનું ભોજન આપવામાં આવે છે, જે ખાવા લાયક હોતું નથી. વારંવાર રજૂઆત કરવા છતાં મેસના સંચાલકો કે વોર્ડન દ્વારા આ બાબતે કોઈ ગંભીરતા દાખવવામાં આવતી નથી.
હોસ્ટેલ તંત્રની ઘોર બેદરકારી
આ વીડિયો વાયરલ થતા જ હોસ્ટેલ તંત્રની ઘોર બેદરકારી ઉઘાડી પડી છે. વિદ્યાર્થીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેઓ દૂર-દૂરથી ભણવા માટે અહીં આવે છે, પરંતુ આરોગ્યપ્રદ ભોજન ન મળવાને કારણે તેમના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થયું છે. ભોજનમાં મકોડા અને જીવાત નીકળવી એ સ્વચ્છતાના અભાવ અને મેનેજમેન્ટની નિષ્ફળતા સૂચવે છે. રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ હવે આ મામલે ઉચ્ચ સ્તરે તપાસ કરવાની અને મેસના કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડક પગલાં લેવાની માગ કરી છે. જો આગામી દિવસોમાં ભોજનની ગુણવત્તામાં સુધારો નહીં થાય, તો વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
આ પણ વાંચો : Sabarkantha News : પ્રાંતિજના પોગલુ ગામે તસ્કરો ત્રાટક્યા, એક જ રાતમાં ત્રણ મંદિરોમાં તસ્કરી


