- હ્યુમેને પોતાનું પ્રથમ હાર્ડવેર પિન AI Pin લોન્ચ કર્યું છે, જેને કપડાંમાં ચિપકાવી શકાય છે
- આ ડિવાઇસની કિંમત 699 ડોલર એટલે કે લગભગ 58,294 રૂપિયા નક્કી કરવામાં આવી છે
- સ્માર્ટફોન કંપનીઓ પણ હવે પોતાના ડિવાઇસમાં એઆઈ ફીચર્સ પ્રસ્તુત
પાછલા કેટલાક મહિનામાં એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે સમગ્ર ટેક્નોલોજીમાં પોતાનો દબદબો ઊભો કરી દીધો છે. લગભગ દરેક ટેક કંપનીઓ આ રેસમાં ભાગ લેવા માટે સતત પ્રયાસો કરી રહી છે. આ ઉપરાંત સ્માર્ટફોન કંપનીઓ પણ હવે પોતાના
ડિવાઇસમાં એઆઈ ફીચર્સને પ્રસ્તુત કરી રહી છે. હ્યુમેને પોતાની પ્રથમ હાર્ડવેર પિન એઆઈ પિન લોન્ચ કરી છે, જેને કપડાંમાં ચિપકાવી શકાય છે. પરંતુ મોટા સમાચાર એ છે કે હવે એક એવું ડિવાઇસ પ્રસ્તુત કરાયું છે કે જે સ્માર્ટફોનને જ રિપ્લેસ કરી શકે છે. એપલના એક ભૂતપૂર્વ કર્મચારી ઇમરાન ચૌધરી અને બેથની બોંગિયોર્નોએ એક એવા ડિવાઇસને પ્રસ્તુત કર્યું છે જેને તમારા કપડા પર પિનની માફક લગાવી શકાય છે. અમેરિકાના કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કો સ્થિત હ્યુમેન એક સ્ટાર્ટઅપ કંપની છે જેણે OpenAIના GPT-4 તથા Microsoftના AI પર આધારિત એક મોડલ તૈયાર કર્યું છે. કંપનીએ દાવો કર્યો છે કે ભવિષ્યમાં તેના ગેજેટ્સ મોબાઇલને રિલ્પેસ કરી દેશે.
ડિવાઇસ હાલમાં અમેરિકા પૂરતું સીમિત
કંપનીના જણાવ્યા અનુસાર AI Pin માં કોઈપણ ચિપ્સ કે સ્ક્રીન નથી. યૂઝર્સ હાથની મૂવમેન્ટ, લેઝર પ્રોજેક્ટર, સ્લાઇડ બટન અને વોઇસના માધ્યમથી તેની સાથે વાત કરી શકે છે. મેકર્સનું કહેવું છે કે આ એક સ્ટેન્ડઅલોન ડિવાઇસ છે જેનં સોફ્ટવેર એઆઈથી બનાવવામાં આવ્યું છે. આ એઆઈ પીનને તમે એક્લિપ્સ, લૂનર અને ઇક્વિનોક્સ કલર ઓપ્શનમાં ખરીદી શકો છો. ડિવાઇસની કિંમત અમેરિકન ચલણમાં 699 ડોલર છે એટલે કે અંદાજે રૂ. 58,212 છે અને તેને માસિક 25 ડોલર એટલે કે રૂ. 2,085ના સભ્યપદ સાથે આવે છે. સબસ્ક્રિપ્શન લેવાથી તમને કોન્ટેક્ટ અને ડેટા કવરેજ મળશે. જો કે હાલમાં આ ડિવાઇસ ફક્ત અમેરિકા પૂરતું જ સીમિત છે.
આ ડિવાઇસ કેવી રીતે કામ કરે છે?
આ ડિવાઇસને તમે તમારા શર્ટ કે જેકેટમાં પહેરી શકો છો. તેમાં 13 એમપીનો કેમેરો આપવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે તેમાં ટૂંક સમયમાં જ વીડિયો રેકોર્ડ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવશે. આ AI-Pin વર્ચ્યુઅલ આસિસ્ટન્ટની સાથે આવે છે જે OpenAI તથા માઇક્રોસોફ્ટના ટેક પર આધારિત છે. તેમાં બ્લૂ ટૂથનું ફીચર પણ આપવામાં આવ્યું છે જેના લીધે તમે તેને ઇયરબડ્ઝની સાથે સરળતાથી કનેક્ટ કરી શકો છો. અત્રે નોંધનીય છે કે આ ડિવાઇસમાં કોઈ પણ એપ્લિકેશન નથી. હ્યુમેનનું ઓએસ એઆઈ અનુભવો પર ચાલે છે, કે જે ડિવાઇસ અને ક્લાઉડ પર છે. નિર્માતાઓ અનુસાર ઓએસ યૂઝર્સની જરૂરિયાતોને સમજે છે અને કાર્ય કરવા માટે યોગ્ય એઆઈ પસંદ કરે છે. એટલે કે તે એઆઈની મદદ લઈને પોતાના તમામ કામો કરે છે. તેમાં એક પ્રોજેક્ટર પણ છે જેને તમારી હથેળી પર પ્રોજેક્ટ કરીને તમે કોઈપણ ચીજ જોઈ શકો છો.