- પરિણામ જાહેર થવામાં વિલંબના વિરોધમાં PTIના કાર્યકરોના દેખાવો
- અમને નબળા પાડવા કોઈ કસર ન છોડાઈ, મતદારોએ અમારો સાથ આપ્યો : ઇમરાન
- પાક.ના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે પોતાના ટેકેદારોને સંબોધન કરતા વિજયી હોવાનો દાવો કર્યો હતો.
પાકિસ્તાનમાં સંસદીય ચૂંટણી માટે ગુરુવારે મતદાન સંપન્ન થયા બાદ સાંજથી જ મતગણતરી શરૂ થઇ ચૂકી હતી. ઇમરાન ખાનનું સમર્થન ધરાવતા ઉમેદવારો સૌથી વધુ 90 બેઠકો પર આગળ છે. નવાઝ શરીફનો પક્ષ પીએમએલ-એન 62 અને બિલાવલ ભુટ્ટોની પીપીપી 50 બેઠક પર આગળ છે. જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના પક્ષ પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઇ)એ જીતના દાવા સાથે ચૂંટણી પરિણામોમાં ગેરરીતિ કરાવી પરિણામ જાહેર કરવામાં વિલંબનો આક્ષેપ કર્યો હતો. ઇમરાને જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે અમને નબળા પાડવા માટે કોઇ જ કસર છોડવામાં નથી આવી. આમ છતાં મતદારોએ અમારો સાથ આપ્યો. હું વારંવાર કહું છું કે જેનો સમય આવે છે તેને દુનિયાની કોઇ જ તાકાત હરાવી શકતી નથી.
ચૂંટણી પરિણામ જાહેર થવામાં વિલંબના વિરોધમાં પાકિસ્તાનના 19 શહેરોમાં પીટીઆઇના કાર્યકરોએ વિરોધપ્રદર્શનો કર્યા હતા, જેમાં એક મોત થયાના અહેવાલ છે. બીજી તરફ નવાઝ શરીફના પક્ષે પણ જીતનો દાવો કર્યો હતો. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં કુલ 336 બેઠકો છે. તેમાંથી 265 બેઠકો પર ચૂંટણી થઇ. એક બેઠક પર ચૂંટણી મોકૂફ રખાઇ હતી. બાકીની બેઠકો રિઝર્વ છે. બહુમતી માટે જરૂરી બેઠકોનો આંકડો 134 છે. મુખ્યત્વે પીએમએલ-એન, પીટીઆઇ અને પીપીપી વચ્ચે મુકાબલો છે. નોંધનીય છે કે 71 વર્ષીય ઇમરાન ખાનને ચૂંટણી લડતા અટકાવાયા હતા. તેમના પક્ષના ચૂંટણી ચિહન ક્રિકેટ બેટનો ઉપયોગ કરવાની મંજૂરી ન મળ્યા બાદ મોટી સંખ્યામાં પીટીઆઇ ઉમેદવારો અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે.
નવાઝ શરીફ, બિલાવલ ભુટ્ટો હરીફ ઉમેદવારથી પાછળ
નવાઝ શરીફ લાહોરની એનએ-130 બેઠક પરથી પણ પીટીઆઇનું સમર્થન ધરાવતા અપક્ષ ઉમેદવાર ડૉ. યાસ્મીન રાશિદથી પાછળ ચાલી રહ્યા હતા. સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ નવાઝ શરીફ મનસેહરા બેઠક પરથી હારી ગયા છે. તેમને અપક્ષ ઉમેદવાર શહજાદા ગસ્તાસાપે હરાવ્યા. તેને 74,713 મત મળ્યા હતા. શરીફને 63,054 મત મળ્યા હતા. પીપીપીના વડા બિલાવલ ભુટ્ટો ઝરદારી પણ લાહોરની એનએ-127 બેઠક પરથી પાછળ ચાલી રહ્યા હતા. જોકે નવાઝ શરીફના નાના ભાઇ, પૂર્વ વડાપ્રધાન શહબાજ શરીફ લાહોરની એનએ-123 બેઠક પરથી જીતી ગયા છે.


