દક્ષિણ અમેરિકાનો દેશ પેરુ હાલમાં મોટા વાવાઝોડાની ઝપેટમાં છે. અધિકારીઓએ જણાવ્યું કે 13 ફૂટ ઉંચા મોજા પેરુના દરિયાકિનારા સાથે અથડાઈ રહ્યા છે. જેના કારણે શનિવારે ઘણા બંદરો બંધ કરી દેવામાં આવ્યા છે. નેશનલ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જણાવ્યું હતું કે પેરુએ તેના 121માંથી 91 બંદર 1 જાન્યુઆરી સુધી બંધ કરી દીધા છે.
માછીમારોને તેમની બોટને બહાર કાઢવા પર પ્રતિબંધ
રાજધાની લિમા નજીક પેરુના સૌથી મોટા બંદરોમાંના એક, કાલાઓએ ઘણા દરિયાકિનારા બંધ કર્યા અને પ્રવાસીઓ અને માછીમારોને તેમની બોટને બહાર કાઢવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. સત્તાવાળાઓ કહે છે કે દેશના મધ્ય અને ઉત્તરીય ભાગોમાં ઘણા દરિયાકિનારા બંધ કરી દેવામાં આવ્યા છે, જેથી કોઈ માનવીય નુકસાનના જોખમને ટાળી શકાય.
મત્સ્ય ઉદ્યોગના વેપારીઓને મોટું નુકસાન
વાવાઝોડાને કારણે ડઝનેક માછીમારી બોટને નુકસાન પહોંચ્યું હતું, જે બોટ ખતરનાક પરિસ્થિતિઓમાં ચલાવવામાં અસમર્થ રહી હતી. પેરુવિયન નૌકાદળના જણાવ્યા અનુસાર અમેરિકન કિનારે સમુદ્રની સપાટી પર ફૂંકાતા પવનોને કારણે આ મોજા આવે છે.
એક વ્યક્તિનું થયું મોત
મોજાના કારણે બીચ નજીકના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે. આ સિવાય એક્વાડોરમાં એક વ્યક્તિનું મોત પણ થયું છે. જોકે ઈમરજન્સી એજન્સીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે, સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ અસરગ્રસ્ત બીચને હાલમાં બંધ કરી દેવામાં આવ્યા છે.