- સર્વેક્ષણ માટે જરૂરી સુવિધાઓ અને મશીનો માલદીવ પોતાના સ્તરે મેળવશે
- પોતાના જળવિસ્તારમાં 24 કલાક સર્વેલન્સ સિસ્ટમ સ્થાપિત કરશે માલદીવ
- ચીન સાથે મફત સૈન્ય સહાયતા કરાર બાદ મુઈજ્જુ સરકારનો મોટો નિર્ણય
માલદીવની રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ સરકાર ભારત સાથે હાઇડ્રોગ્રાફિક સર્વે કરવાના કરારને રિન્યૂ નહી કરે. રાષ્ટ્રપતિ મુઈજ્જુએ પોતે આ અંગે જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે તેમની સરકાર ભારત સાથે કરારને રિન્યૂ કરવાનો વિચાર નથી કરી રહી. તેમણે સ્પષ્ટ કર્યું છે કે સર્વેક્ષણ માટે જરૂરી સુવિધાઓ અને મશીનો મેળવવા માટેની તેમની કોઈ જ યોજના નથી. મુઈજ્જુએ એમ પણ જાહેરાત કરી કે તેમનો દેશ માલદીવના જળવિસ્તારમાં 24 કલાક સર્વેલન્સ સિસ્ટમ સ્થાપિત કરવાનું કામ શરૂ કરી ચૂક્યો છે. આ મહિને શરૂ થયેલા આ કામનો હેતુ માલદીવના વિશેષ આર્થિક ક્ષેત્ર (EEZ) પર નિયંત્રણ સુનિશ્ચિત કરી શકાય.
રાષ્ટ્રપતિ મુઈજ્જુએ ભારત સમર્થિત સર્વેક્ષણ કરાવવાનો કર્યો ઇનકાર
ઉલ્લેખનીય છે કે, ચીન માલદીવ સાથે મજબૂત દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મફત સૈન્ય સહાયતા માટે માલદીવ સાથે તાજેતરમાં જ ચીને સંરક્ષણ સહયોગ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તેના થોડાક જ દિવસો બાદ માલદીવે ભારત સાથેના કરાર રિન્યુ ન કરવાની જાહેરાત કરી છે. મુઈજ્જુએ પોતે જણાવ્યું છે કે તેમની સરકાર ભારત સમર્થિત હાઇડ્રોગ્રાફિક સર્વેની દિશામાં તેમની સરકાર આગળ નહી વધે.
જળવિસ્તારમાં પોતે જ સર્વે કરશે માલદીવ સરકાર
અહેવાલો મુજબ, માલદીવનું રક્ષા મંત્રાલય હાઇડ્રોગ્રાફિક સર્વે કરવા માટે જરૂરી મશીન અને સુવિધાઓ પોતાની રીતે પોતાના સ્તરે મેળવવાનો પ્રયાસ કરી રહી છે. માલદીવના સ્થાનિક મીડિયાના અહેવાલોમાં રાષ્ટ્રપતિ મુઈજ્જુને ટાંકીને નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. આ અહેવાલો મુજબ, રાષ્ટ્રપતિ મુઈજ્જુએ કહ્યું છે કે માલદીવને પોતાની જળ સીમામાં પોતે જ સર્વે કરવાની અનુમતિ મળી જશે. ત્યારબાદ, સરકાર દરિયાની અંદરની વિશેષતાઓ અંગે તમામ માહિતી મેળવી શકશે. જાણકારી મેળવ્યા બાદ ચાર્ટ તૈયાર કરવામાં આવશે.
ભારત માલદીવ સંબંધોમાં નવેમ્બર 2023થી ખટરાગ
મહત્વનું છે કે મુઈજ્જુની તાજેતરની જાહેરાતને ચીનના રિસર્ચ જહાજની ગતિવિધિઓ સાથે પણ જોડવામાં આવી રહી છે. આનું કારણ એ છે કે હાઇડ્રોગ્રાફિક સર્વેને લઈને મુઈજ્જુનું નિવેદન ચીની જહાજના માલેની આસપાસ લગભગ એક સપ્તાહ સુહિ અને માલદીવના વિશેષ આર્થિક ક્ષેત્ર (EEZ)ની બહાર એક મહિનાથી વધુ સમય વિતાવ્યાના ગણતરીના દિવસો બાદ આવ્યું છે.
જણાવી દઈએ કે ચીનના સમર્થક મુઈજ્જુએ ગત વર્ષે સત્તા સંભાળી હતી. ત્યારથી ભારત-માલદીવના સંબંધોમાં તણાવ ઊભો થયો છે. નવેમ્બર 2023 માં શપથ લીધાના કલાકો બાદ, મુઈજ્જુએ માલદીવની સાર્વભૌમત્વ સુનિશ્ચિત કરવાની પ્રતિજ્ઞા લીધી. તેણે ભારતને તેના તમામ સૈનિકો પાછા બોલાવવા માંગ કરી હતી.


