- હિમાચલ પ્રદેશમાં ચાલી રહ્યું છે રાજકીય સંકટ
- સીએમ સુખુની રાજીનામની વહેતી થઇ હતી અટકળો
- કોંગ્રેસ પાર્ટી એક જૂથ છે- સીએમ સુખવિંદરસિંહ સુખુ
હિમાચલ પ્રદેશમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ રાજીનામુ આપ્યુ હોવાની અટકળો વહેતી થઇ હતી. પરંતુ આ મામલે ખુદ તેમણે સ્પષ્ટતા કરી છે. તેઓએ જણાવ્યું કે મે રાજીનામુ આપ્યુ નથી. રાજ્યમાં કોંગ્રેસની સરકાર પાંચ વર્ષ સુધી ચાલશે.
હું ગભરાઇ જનારો વ્યક્તિ નથી- સીએમ સુખવિંદરસિંહ સુખુ
તેઓએ પત્રકાર સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે હું ગભરાઇ જનારો વ્યક્તિ નથી. બજેટ માટેનું જે મતદાન થવાનું છે તેમાં અમે જ જીતીશું. ભાજપ મારા રાજીનામાની અફવા ફેલાવી રહી છે. તેઓ વિચારી રહ્યા હશે કે આમ કરવાથી કોંગ્રેસમાં ભાગદોડ મચી જશે પરંતુ કોંગ્રેસ પાર્ટી એક જૂથ છે. પાર્ટીમાં નાની મોટી ફરિયાદો છે તે પણ દૂર થઇ જશે.
અમે યોદ્ધા છીએ અમે જીતીશું- સીએમ સુખવિંદરસિંહ સુખુ
રાજીનામાના સમાચાર વચ્ચે તેમણે કહ્યું કે આ સામાન્ય માણસની સરકાર છે. ભાજપ જે રીતે વર્તે છે તે યોગ્ય નથી. અમારી સરકાર પાંચ વર્ષ ચાલશે. રાજ્યસભાની ચૂંટણી પછીની સ્થિતિ છતાં અમારી પાસે બહુમતી છે. BJPના કેટલાક ધારાસભ્યો પણ અમારા સંપર્કમાં છે. ભાજપ સારું નાટક કરી રહ્યું છે. સુખુએ કહ્યું કે રાજીનામાના સમાચાર કેવી રીતે આવ્યા તે તેમને સમજાતું નથી. તેમણે કહ્યું કે પૂર્વ સીએમ જયરામ ઠાકુરે કોંગ્રેસના ધારાસભ્યને કહ્યું કે જો મુખ્યમંત્રી રાજીનામું આપે છે તો તેમણે બહાર આવીને સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ. સુખુએ કહ્યું, ‘અમે યોદ્ધા છીએ, અમે યુદ્ધની જેમ લડીએ છીએ. અમે જીતીશું, મેં કોઈ રાજીનામું આપ્યું નથી. સરકાર પાંચ વર્ષ ચાલશે.


