શ્રીમદ ભગવદ્ગીતાના પંદરમા અધ્યાયને પુરુષોત્તમ યોગ કહેવામાં આવે છે. આ અધ્યાયનો પાઠ જ્ઞાન વૈરાગ્ય અને ભગવદ્ચિંતન વધારે છે. પોતાની પ્રભાવયુક્ત વિભૂતિઓનું વર્ણન કરીને વિષયનો ઉપસંહાર કરતા ભગવાન સર્વ રીતે જાણવા યોગ્ય તત્ત્વ પોતાને જ બતાવતાં ગીતા(15/15)માં કહે છે કે –
સર્વસ્ય ચાહં હૃદિ સન્નિવિષ્ટો મતઃ સ્મૃતિર્જ્ઞાનમપોહનં ચ
વેદૈશ્ચ સર્વેરહમેવ વેદ્યો વેદાન્તકૃત્દ્વેદવિદેવ ચાહમ્
હું જ સૌ પ્રાણીઓનાં હૃદયમાં સ્થિત છું અને મારાથી જ સ્મૃતિ-જ્ઞાન તેમજ અપોહન(સંશય વગેરે દોષોનો નાશ) થાય છે. બધા વેદો વડે હું જ જાણવા યોગ્ય છું. વેદોના તત્ત્વનો નિર્ણય કરવાવાળો અને વેદોને જાણનાર પણ હું જ છું. શરીર, મન, બુદ્ધિ વગેરે બધાં જ સ્થાનોમાં ભગવાન વિદ્યમાન છે. તેમ છતાં હૃદયમાં તેઓ વિશેષરૂપે વિદ્યમાન છે. હૃદય શરીરનું પ્રધાન અંગ છે. બધી જાતના ભાવો હૃદયમાં જ થાય છે. સમસ્ત કર્મોમાં ભાવ જ પ્રધાન હોય છે. ભાવની શુદ્ધિથી તમામ પદાર્થ ક્રિયા વગેરેની શુદ્ધિ થઇ જાય છે. પરમાત્મા સર્વવ્યાપી હોવા છતાં હૃદયમાં પ્રાપ્ત થાય છે. જડતા સાથે સંબંધ વિચ્છેદ થતાં સર્વત્ર વિદ્યમાન પરમાત્મા તત્ત્વ આપમેળે અનુભવમાં આવી જાય છે.
કોઇ બાબતની ભુલાયેલી જાણકારીનું પુનઃ પ્રાપ્ત થવું સ્મૃતિ કહેવાય છે. સ્મૃતિ અને ચિંતનમાં ફરક છે. નવી બાબતનું ચિંતન અને જૂની બાબતની સ્મૃતિ થાય છે. ચિંતન સંસારનું અને સ્મૃતિ પરમાત્માની થાય છે. પરમાત્માનો અંશ હોવા છતાં પણ જીવ ભૂલથી પરમાત્માથી વિમુખ થઇ જાય છે અને પોતાનો સંબંધ સંસાર સાથે માનવા લાગે છે. આ ભૂલનો નાશ થતાં હું સંસારનો નહીં, પરંતુ ભગવાનનો જ છું એવો અનુભવ થઇ જવો એ જ સ્મૃતિ છે.
વિષયોનું ચિંતન કરનાર મનુષ્યની તે વિષયમાં આસક્તિ જન્મે છે. આસક્તિથી કામના ઉત્પન્ન થાય છે. કામનામાં વિઘ્ન આવવાથી ક્રોધ જન્મે છે. ક્રોધથી મોહ(મૂઢતા) આવે છે. મૂઢતાથી સ્મૃતિ નષ્ટ થઇ જાય છે. સ્મૃતિ નષ્ટ થવાથી બુદ્ધિ અર્થાત્ વિવેક નાશ પામે છે. બુદ્ધિનો નાશ થવાથી મનુષ્યનું 5તન થાય છે. સદ્ગુરુના માધ્યમથી 5રમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ જ ભક્તિની શરૂઆત થાય છે.
સંશય ભ્રમ વિપરીત ભાવ તર્ક-વિતર્ક વગેરે દોષોના દૂર થવાનું નામ અપોહન છે. ભગવાન કહે છે કે આ દોષો પણ મારી કૃપાથી જ દૂર થાય છે. શાસ્ત્રોની વાતો સત્ય છે કે અસત્ય? ભગવાનને કોને જોયા છે? સંસાર જ સત્ય છે વગેરે સંશયો અને ભ્રમ ભગવાનની કૃપાથી જ દૂર થાય છે. સાંસારિક પદાર્થોમાં પોતાનું હિત જોવું, તેમની પ્રાપ્તિમાં સુખ દેખવું, પ્રતિક્ષણે નષ્ટ થવાવાળા સંસારની સત્તા દેખવી વગેરે વિપરીત ભાવો પણ ભગવાનની કૃપાથી જ દૂર થાય છે.
તમામ શાસ્ત્રોનું એકમાત્ર તાત્પર્ય પરમાત્માનું એકમાત્ર જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. જાણવા યોગ્ય એકમાત્ર પરમાત્મા જ છે. જેમને જાણી લીધા પછી કંઇ પણ જાણવાનું બાકી રહેતું નથી. તમામ પ્રાણી પદાર્થ પરમાત્માની સત્તાથી જ સત્તાવાન થઇ રહ્યા છે. પરમાત્માથી અલગ કોઇની પણ સ્વતંત્ર સત્તા નથી. ભગવાન કહે છે કે વેદ અનેક છે, પરંતુ તે બધા વેદોમાં જાણવા યોગ્ય હું એક જ છું અને એ બધાને જાણવાવાળો પણ હું છું એટલે કે સર્વ કાંઇ હું જ છું.