- બીજેપીએ 195 ઉમેદવારોની યાદી કરી જાહેર
- ભોપાલથી હાલના સાંસદ સાધ્વી પ્રજ્ઞાની ટિકિટ કપાઇ
- કહ્યું, મે પહેલા પણ ટિકિટ માંગી ન હતી, હવે પણ માંગી નથી રહી
ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ મધ્યપ્રદેશના ભોપાલના સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર સહિત 34 વર્તમાન સાંસદોની ટિકિટ કાપી નાંખી છે. તેઓ વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા છે. ત્યારે ટિકિટ કપાયા બાદ તેમની પ્રતિક્રિયા સામે આવી છે.
મે પહેલા પણ ટિકિટ માંગી ન હતી- પ્રજ્ઞા ઠાકુર
જ્યારે પ્રજ્ઞા ઠાકુરને પૂછવામાં આવ્યું કે પાર્ટીએ તેમને આગામી લોકસભા ચૂંટણી માટે ટિકિટ કેમ ન આપી? તેમણે કહ્યું, ‘આ સંગઠનનો નિર્ણય છે, ટિકિટ કેમ કાપવામાં આવી, કેવી રીતે કાપવામાં આવી તે વિશે કોઈએ વિચારવું જોઈએ નહીં. મેં અગાઉ ટિકિટ માંગી ન હતી અને હવે પણ માંગી નથી.
બે વર્તમાન સાંસદોની ટિકિટ કપાઇ
ભાજપે શનિવારે 195 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ વખતે આલોક શર્માને ભોપાલ સીટથી ટિકિટ આપવામાં આવી છે. પાર્ટીએ મધ્યપ્રદેશની 29માંથી 24 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. રાજ્યના બે વર્તમાન સાંસદો, ભોપાલથી પ્રજ્ઞા ઠાકુર અને ગુનાથી કેપી શર્માની ટિકિટ કાપવામાં આવી છે, જેના સ્થાને જ્યોતિરાદિત્ય સિંધિયા ચૂંટણી લડશે.
હું પ્રજ્ઞા ઠાકુરને માફ કરી શકીશ નહી- પીએમ મોદી
મહત્વનું છે કે પીએમ મોદી પ્રજ્ઞા ઠાકુરથી નારાજ હતા. તેમણે મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને ‘સાચા દેશભક્ત’ ગણાવ્યા હતા, જેના પર પીએમ મોદીએ કહ્યું હતું કે પ્રજ્ઞા ઠાકુરે ગોડસેના નિવેદન માટે માફી માંગી છે પરંતુ “મહાત્મા ગાંધીનું અપમાન કરવા બદલ હું પ્રજ્ઞા ઠાકુરને ક્યારેય માફ કરી શકીશ નહીં.
‘મોદીજીને મારા કેટલાક શબ્દો પસંદ ન આવ્યા’
ભાજપના વર્તમાન સાંસદ સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું કે મેં કેટલાક એવા શબ્દોનો ઉપયોગ કર્યો હશે જે મોદીજીને પસંદ ન આવ્યા હોય અને તેમણે કહ્યું હતું કે તેઓ મને માફ નહીં કરે, પરંતુ મેં તેના માટે પહેલેથી જ માફી માંગી લીધી હતી.


