ગઈ કાલે રાજુલાના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય અંબરીશ ડેર એ ભાજપમાં જોડાઇને કેસરીયો ધારણ કર્યો હતો. ત્યારે રાજુલા શહેરમાં વિજય ચોક ખાતે ભાજપના સત્કાર સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા પધારેલા મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો. જેમા અંબરીશ ડેરના સમર્થકોએ સી.આર પાટીલનું તાલીઓના ગડગડાટ સાથે ભવ્ય સ્વાગત કર્યુ હતું. ત્યારબાદ અંબરીશ ડેર દ્વારા સી.આર પાટીલનુ મોમેન્ટો આપી સ્વાગત કરવામા આવ્યું હતું. તેમજ વિવિધ સમાજના આગેવાનોએ સી.આર પાટીલને પાઘડી પહેરાવી સન્માન કર્યું હતું.
આ કાર્યક્રમમાં અંબરીશ ડેર અને હીરા સોલંકી બન્ને દુધમાં સાકર ભળે તેમ એકસાથે એકમંચ પર જોવા મળ્યા હતાં. આ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ આગેવાનો પ્રવિણ બારૈયા, તાલુકા પંચાયત સદસ્ય અને વિરોધ પક્ષના નેતા જોરૂભાઇ મેંગળ,જગુ ધાખડા(પૂર્વ તાલુકા પં. ઉપપ્રમુખ), કોંગ્રેસના જિલ્લા પંચાયત સદસ્યો તથા તાલુકા પંચાયત સદસ્યો, નગરપાલિકાના સભ્યો વિવિધ ગામના સરપંચો અને ૯૮-વિધાનસભાના રાજુલા, જાફરાબાદ, ખાંભા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના કોંગ્રેસ કાર્યકર્તાઓએ ખેસ પહેરી ભાજપમાં જોડાયા હતાં. સાથોસાથ 4 હજારથી વધુ સંખ્યામાં અંબરીશ ડેરના સમર્થકો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ કાર્યક્રમ અંતે સી.આર પાટીલના પ્રવચન દરમિયાન જણાવ્યું કે, આ ધમધમતા તાપમાનમાં બેસેલા તમામા લોકોનો આભાર વ્યક્ત કર્યો તેમજ અંબરીશ ડેર માટે મેં રૂમાલ રાખ્યો હતો. “આખા ગુજરાતમાં ભાજપમા જોડાવા માટે મેં આમંત્રણ આપ્યું હોય તો માત્ર અંબરીશ ડેર છે.” ત્યારે અંબરીશ ડેર એ આખરે ઘર વાપસી કરી ભાજપમાં જોડાયા છે. અંબરીશ ડેર ભાજપમાં જોડાતા જ સમર્થકોમા ખૂબજ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો.
આગામી સમયમાં રાજુલામાં વિકાસનો વેગ વધે અને પ્રજાની સુખાકારીમાં વધારો થાય તેવા હેતુથી કામગીરીઓ કરાશે. સમ્રગ કાર્યક્રમનુ સંચાલન જીગ્નેશ કુંચાલા દ્વારા કરાયું હતું. આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ, અંબરીશ ડેર, હીરા સોલંકી, રધુ હુંબલ, જીતુ કાછડ, લોક સાહિત્યકાર માયાભાઇ આહીર, કૌશીક વેકરીયા, ભરત ડાંગર, ભરત સુતરીયા તેમજ ભાજપના આગેવાનો સહિત મોટી સંખ્યામા સમર્થકો ઉપસ્થિત રહ્યાં હતાં.


