એ સમયે શ્રામણ ભગવાન મહાવીર પ્રભુ દક્ષિણ ભારતમાં વિચરતા હતા. ભગવાન જ્યાં પણ જાય આપણા અંતરના કચરાને ઉલેચીને બહાર કાઢવા માટે જ ઉપદેશ આપતા અને નિઃસ્પૃહ ભાવે અપાતા ઉપદેશને ગ્રહણ કરવાવાળા પણ એમને મળતા. વિહાર કરતાં કરતાં ભગવાન દશાર્ણપુર નામના નગરમાં જવાના હતા. ત્યાંનો રાજા દશાર્ણભદ્ર ભગવાનનો પરમ ઉપાસક હતો. એ રોજ ભાવના ભાવતો કે મારા ભગવાન ક્યારે મારા ગામમાં પધારે! એમનું ભવ્ય સ્વાગત હું ક્યારે કરીશ? મારા રાજ્યમાં મારા પરમાત્માનો મહિમા કરીશ. આવા આવા તો કેટલા બધા મનોરથો સેવેલા.
એને સમાચાર મળ્યા `ભગવાન મારા નગરમાં આવતી કાલે આવે છે’ બસ આટલી વાત સાંભળતાં જ એના અંતરના આનંદનો કોઈ પાર નહીં. તરત જ એણે પોતાના મંત્રી, સેનાપતિ કોષાધ્યક્ષ વગેરેની એક તાકીદની મીટિંગ બોલાવી. બધાની સમક્ષ પોતાની વાત મૂકી દીધી. આવતી કાલે મારા ભગવાન અહીં પધારી રહ્યા છે. એમનું ઉત્કૃષ્ટ સ્વાગત આપણે કરવાનું છે. બધાએ પોતપોતાના સુઝાવ આપ્યા અને પછી ફાઇનલ કરવામાં આવ્યું કે આપણા રાજાની તમામ સંપત્તિ પરમાત્માની ભક્તિમાં રજૂ કરવી.
એને પોતાની પાંચસો રાણીઓ હતી. અઢાર હજાર હાથીઓ હતા. ચોરાશી લાખ ઘોડાઓ હતા. એ સિવાય પણ ઘણી બધી સામગ્રીઓ હતી. એ બધી જ બહાર કઢાવો અને અનિલવેગ નામનો મહાકાય હાથી હતો. એની શોભા અજોડ હતી. રાજ્યનો એ પ્રમુખ હાથી હતો. એના ઉપર અંબાડી સોનાની હતી. હાથીને સરસ મજાનો શણગારેલો છે. મંત્રીઓ, સેનાપતિ મંડલેશ્વરો વગેરે બધાને લઈને ભગવાનની સામે સામૈયું લઈને જાય છે. સામૈયું કેટલું લાંબું જાણે કે એક યોજન સુધી માનવ મહેરામણ ઊમટેલો છે. જ્યાં પણ નજર પહોંચે ત્યાં દરેક દિશામાં માનવ મહેરામણ ઊમટેલો દેખાય છે અને સૌથી આગળ રાજા દશાર્ણભદ્ર હાથી ઉપર બેસીને શોભી રહ્યો છે. બાજુમાં પોતાની પટરાણીને બેસાડેલી છે. બાજુમાં બીજા એક હાથી ઉપર મહામંત્રી બિરાજમાન છે.
રાજાએ પાછળ નજર કરી. મહામંત્રીને ઇશારો કર્યો, જુઓ તો ખરા માણસોની ભીડ કેટલી છે. આટલી સંખ્યા અને આટલી અદ્ભુત સાધનસામગ્રીઓ સાથે ભગવાનનું સામૈયું ક્યાં થયું હશે! પોતાની તમામ ભૌતિક સામગ્રી ભગવાનના સ્વાગતમાં મૂકી દીધી છે. ત્યાં સુધી તો બરાબર પણ એને હવે વિચાર આવે છે, મારા ભગવાનનું આવું સ્વાગત કોણે કર્યું હશે. જોકે, મારા સાંભળવામાં આવ્યું નથી. મારા ભગવાનનું મેં કેવું સરસ સ્વાગત કર્યું!?
એને પોતાની જાતની પ્રશંસા કરવાનું મન થયું. શાસ્ત્રો આપણને એવું કહે છે કે સારાં કામો કરો તો ઘણું સારું છે, પણ એવા સમયે તમારે અભિમાન કરવાની ક્યાં જરૂર છે. આ એણે અભિમાન કર્યું. દેવરાજ સૌધર્મેન્દ્ર પણ એ દિવસે ભગવાનનાં દર્શન કરવા આવેલો. એણે દશાર્ણભદ્ર રાજાના ઠાઠમાઠથી ભગવાનના સ્વાગતનાં દર્શન કર્યાં. એને પણ બહુ સારું લાગ્યું, પણ જ્યારે એમણે રાજાને જોયા ત્યારે એમના ચહેરા ઉપર ગર્વની રેખાઓ જોઈ!
સૌધર્મેન્દ્રએ વિચાર કર્યો. ભગવાનનું સ્વાગત કરે એ સારી વાત, છે પણ ગર્વપૂર્વક કરતો હોય તો એના ગર્વને તો ઠેકાણે લાવવો પડે. હવે આ તો દેવ હતો. સામાન્ય રીતે મનુષ્ય કરતાં દેવની સમૃદ્ધિ અઢળક હોય છે. સામાન્યમાં સામાન્ય દેવ હોય તો પણ ગમે એટલા સમૃદ્ધિશાળી માણસ કરતાં એની પાસે સંપત્તિ વધારે હોય ત્યારે આ તો દેવોનો પણ રાજા એટલે એની પાસે તો સત્તા પણ વધારે અને સંપત્તિ પણ વધારે. તો હવે એનો ઉપયોગ શા માટે ન કરવો. એ તો પાછો આકાશમાં ઊભો પણ રહી શકે અને ઊઠી પણ શકે. દેવોની શક્તિની કોઈ મર્યાદા ન હોય. સૌધર્મેન્દ્રે પોતાના દેવોને આજ્ઞા કરી આજે તો આપણે ભગવાનની સામે આપણી દૈવી સંપત્તિ પ્રકાશિત કરવી છે. જાવ તમે બધા કામે લાગી જાવ અને અત્યારથી કામ ચાલુ કરી દો.
દેવોના રાજા સૌધર્મેન્દ્રનો આદેશ થયો એટલે બધા દેવો પોતાની વિશિષ્ટ સંપત્તિ લઈને આવી ગયા. ઈન્દ્ર પણ પોતાના ઐરાવત હાથી ઉપર શોભી રહ્યા છે. ઐરાવત હાથીને સાત સૂંઢ છે. ચૌદ દાંત છે અને એ દાંત ઉપર વિવિધ રચનાઓ અભિરામ દૃશ્ય દેખાઈ રહ્યાં છે. લોકોની નજર આકાશમાં રહેલા વિશિષ્ટ દૃશ્ય ઉપરથી કોઈ પોતાની નજર પાછી ખેંચી શકતું નથી.
બધાના મનમાં એક જ પ્રશ્ન છે, અત્યારે આજે દેખાય છે તે સ્વપ્ન કે સત્ય? જીવનમાં ક્યારેય આપણે કલ્પના માત્ર પણ કરી શકીએ નહીં એવું દૃશ્ય આજે જોવા મળ્યું છે અને તે પણ આ એક વૈરાગીના કારણે. આવું અદ્ભુત દૃશ્ય! આના માટે કેવા શબ્દો વપરાય! ત્યાં ઉપસ્થિત દરેક મનની આ સમસ્યા હતી.
દશાર્ણભદ્ર રાજાએ પણ આ દૃશ્ય જોયું. એની આંખો પણ આવાં દૃશ્યોથી ટેવાયેલી તો ન જ હતી, પણ એની કલ્પનાશક્તિ સતેજ હતી. આ જે દેખાય છે એ માનવીય તો નથી જ, તો શું હોઈ શકે? નક્કી દૈવી જ હોઈ શકે. એના આત્માએ એને સમજણની દિશા આપી, પણ આવું શા માટે બની શકે? દશાર્ણભદ્રની ગડમથલ ચાલુ જ હતી એ સમયે આકાશમાં ઐરાવત હાથી ઉપર બિરાજમાન દેવરાજ ઇન્દ્રનો સગર્વ હાસ્યવાળો ચહેરો એના જોવામાં આવ્યો. એ ચહેરો જાણે કહેતો હતો કે, તને એમ લાગે છે ભગવાનનું સ્વાગત મેં કર્યું. અરે માનવ મગતરું! તારી તાકાત શું? તારી ગમે તેટલી સંપત્તિ હોય તો પણ દેવની સંપત્તિ આગળ કિંમત કેટલી?
તો વાત એમ છે? કંઈ વાંધો નહીં. સંપત્તિની વાત તારા મગજમાં આવી? આવવા દે. આજે તો હવે સંપત્તિનો પણ ફેંસલો કરી લઈએ. સાચી સંપત્તિ કહેવાય કોને? દશાર્ણભદ્ર એના મનમાં જ કંઈ વિચારોથી ગાંઠવાળી.
એ બધા ત્યાંથી ભગવાનના સમવસરણમાં ગયા. શું એમની શોભા છે. ભગવાનની પાસે એમનું કહી શકાય એવું કશું નથી અને છતાં એ બેઠા છે એ સિંહાસન સોનાનું છે. ઉપર નજર કરી તો મોટું વિશાળ અશોકવૃક્ષ એની નીચે ભગવાન બિરાજમાન છે, પણ કેવા સરસ શોભે છે. તપના કારણે કાયા કૃશ થઈ છે, પણ છતાં એમના શરીર ઉપર એમના ચહેરા ઉપર કેવું સરસ તેજ ચમકે છે! ભગવાનને જોવામાં આંખ ધરાતી નથી. મન ભરાતું નથી.
ભગવાના મુખમાંથી શબ્દો બહાર આવવા લાગ્યા. ઉપસ્થિત દરેક વ્યક્તિ ઉત્સુકતાથી સાંભળી રહી છે. આપણને મળેલી સંપત્તિ વિશે પણ વિચાર કરવો જોઈએ. આપણી સંપત્તિ પણ એ જાતની હોય છે કે એક આંતર સંપત્તિ અને એક બાહ્ય સંપત્તિ. બાહ્ય સંપત્તિને કોઈ પણ માણસ જોઈ શકે, એને તમે કોઈને આપી પણ શકો અને કોઈની પાસેથી લઈ પણ શકો. અરે! એ તો ચોરાય પણ ખરી અને સાચવવા માટે સતત ચિંતા કરવી પડે. એની સુરક્ષા માટે ક્યારેક આપણા પ્રાણ પણ હોડમાં મૂકવા પડે અને છતાં એ સચવાય જ એવો પણ કોઈ નિયમ નહીં.
એની સામે આંતર સંપત્તિને કોઈ ચોરી ન શકે. તમે કોઈને આપી ન શકો અને કોઈ લઈ ન શકે. આ સંપત્તિ મેળવવા માટે તમારે આંતરિક પ્રવૃત્તિ કરવી પડે. આંતરિક વિકાસ માટેની માનસિક તૈયારીઓ કરવી પડે. આ સંપત્તિ તમારા આત્મિક વિકાસનું મહત્ત્વનું કામ કરે છે. બાહ્ય સંપત્તિની કિંમત હોય, પણ મૂલ્ય ન હોય, જ્યારે આંતરિક સંપત્તિનું મૂલ્ય વધારે હોય અને ચલણી નાણાંમાં ગોઠવી ન શકાય. આવી સંપત્તિ લેવા બહાર કે બજારમાં જવાની જરૂર નહીં, એના માટે આપણે આંખો બંધ કરીને ભીતરમાં નજર નોંધવી પડે. દેવતાઓ, મનુષ્ય અને પશુઓ પણ ભગવાનની દેશના સાંભળી રહ્યા છે.
દેવરાજ ઈન્દ્ર પણ પોતાના બધા દેવો સાથે બેસીને ભગવાનની વાણી સાંભળે છે. મારે આત્મિક સંપત્તિ એકઠી કરવા પ્રયત્ન કરવો જ પણ કેવી રીતે કરવો?
આ બાજુ દશાર્ણભદ્રને પણ પોતાના મનમાં વિચાર આવે છે. બીજા તો કોઈ ન જોઈ શકે, પણ એને વ્યક્તિ પોતે જોઈ શકે અને ભગવાન સ્વયં જોઈ શકે છે, પણ એમને એ વિષયમાં રસ ન હોય, એમને તો જનકલ્યાણ સિવાયની કોઈ પણ પ્રવૃત્તિ કરવાની જરૂર જ ક્યાં છે.
આંતરિક સંપત્તિ લાવવા માટે માત્ર અંતરાત્માને તૈયાર કરવો જરૂરી હોય છે અને અંતરાત્મા તૈયાર થાય તો આંતરિક સંપત્તિ સામેથી આવતી હોય છે.
ભગવાન આ રીતની વાત કરી રહ્યા છે એ જ સમયે પેલો દશાર્ણભદ્ર ઊભો થયો અને ભગવાનને વિનંતી કરે છે, પ્રભુ આંતરિક સંપત્તિ મેળવવાના ઉપાયો શું?
ભગવાને કહ્યું, આંતરિક સંપત્તિ મેળવવાનો શ્રેષ્ઠ ઉપાય છે, સંયમ જીવન. સંયમ જીવનનો સ્વીકાર કરીને આત્મવિકાસમાં આગળ વધી શકાય છે.
તરત જ એણે ભગવાનને વિનંતી કરી, પ્રભો! મને સંયમ જીવનના સ્વીકારની પ્રતિજ્ઞા આપો.
ઇન્દ્રની સામે એક નજર નોંધી અને તરત જ પાછી લઈ લીધી. સંયમ જીવનનો સ્વીકાર માત્ર મનુષ્ય જ કરી શકે, દેવો માટે એ શક્ય જ નથી.
ભગવાને દશાર્ણભદ્રને દીક્ષા આપી શ્રામણ વેષમાં દશાર્ણભદ્ર શોભી રહ્યા છે. ભગવાનની દેશના પૂર્ણ થઈ. દેવરાજ સૌધર્મેન્દ્ર દશાર્ણભદ્રને વંદન કરે છે. ચરણ સ્પર્શ કરીને એ કહે છે, બાહ્ય સંપત્તિમાં ભલે હું આગળ હોઈશ, પણ આંતરિક સંપત્તિમાં હું આપને પાછળ કરી ન શકું.
દશાર્ણભદ્ર મુનિ કહે છે, આંતરિક સંપત્તિને ઉજાગર કરવામાં આપનો મને સહકાર મળ્યો એટલે જ હું આટલે સુધી પહોંચી શક્યો.
વંદન દશાર્ણભદ્ર મુનિને.
આપણે આ રીતે આપણી આંતરિક સંપત્તિ મેળવવા માટે પ્રયત્નશીલ બનીએ એવી આશા.