હત્યા પ્રયાસથી લઈને લૂંટ-અપહરણ સુધીના ગંભીર ગુનાઓથી શહેરમાં ફેલાવ્યો હતો દહેશતનો માહોલ; ચારની ધરપકડ, મુખ્ય સૂત્રધાર જેલમાં, એક ફરાર
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં વધી રહેલી સંગઠિત ગુનાખોરી પર કાબૂ મેળવવા પોલીસ તંત્ર દ્વારા સતત કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ જ દિશામાં શહેર પોલીસના ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને તેમની ટીમે વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરી ‘ઈભલા ગેંગ’ સામે ગુજસીટોક (ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ) એક્ટ હેઠળ ગુનો નોંધી ટોળકીના સાત શખ્સોને કાયદાની ઝપેટમાં લીધા છે.
આ ગેંગ વર્ષોથી રાજકોટ શહેરમાં ભયનું વાતાવરણ ઉભું કરી રહી હતી. હત્યાની કોશિશ, અપહરણ, ધમકી, લૂંટ, ધરફોડ ચોરી, સરકારી કર્મચારીઓની ફરજમાં રૂકાવટ અને દારૂ-જુગાર જેવા અનેક ગુનાઓમાં સંડોવણીને કારણે આ ગેંગ પોલીસ માટે માથાનો દુખાવો બની ગઈ હતી. પોલીસ તપાસ મુજબ, ઇબ્રાહીમ ઉર્ફે ઇભલો કરીમ કાથરોટીયા આ ગેંગનો મુખ્ય સૂત્રધાર છે. તેણે પોતાના ભાઈઓ અને નજીકના સાગરીતો સાથે મળીને વર્ષ 2016થી 2025 દરમ્યાન એક સંગઠિત ગેંગ ઉભી કરી હતી. આ ગેંગ શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવી પોતાની ધાક બેસાડવાનો પ્રયાસ કરતી હતી.
ગેંગના સભ્યો એકબીજાના સહકારથી અથવા તો સ્વતંત્ર રીતે પણ ગુનાઓ આચરતા હતા. પોલીસ રેકોર્ડ મુજબ, આ ગેંગ વિરુદ્ધ કુલ 89 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, જેમાંથી 27 ગંભીર પ્રકારના ગુનાઓ ગુજસીટોક એક્ટ હેઠળ આવરી લેવાય એવા છે.
ઈભલા ગેંગ દ્વારા કરવામાં આવતા ગુનાઓમાં પ્રાણઘાતક હથિયારો વડે હુમલા, હત્યાના પ્રયાસો, અપહરણ, લૂંટફાટ, ગેરકાયદેસર પ્રવેશ, જાહેર શાંતિ ભંગ કરવી, પોલીસ અને અન્ય સરકારી અધિકારીઓ પર હુમલા તેમજ દારૂ અને જુગારના કેસનો સમાવેશ થાય છે.
આ ગેંગના સભ્યો ખાસ કરીને જૂથ બનાવીને હુમલા કરતા, જેના કારણે સામાન્ય નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘણા લોકો ભયના કારણે ફરિયાદ કરવાની હિંમત પણ કરતા ન હતા, જે આ ગેંગ માટે અનુકૂળ પરિસ્થિતિ ઉભી કરતી હતી.
શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા અને એડીશનલ પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીકના માર્ગદર્શન હેઠળ આ ગેંગ વિરુદ્ધ માહિતી એકત્રિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ એસીપી ભરત બસીયા અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુપ્ત રીતે ગેંગના તમામ સભ્યોની માહિતી મેળવી હતી. ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર, સી.એચ. જાદવ અને પીએસઆઈ સી.બી. જાડેજા સહિતની ટીમે ગેંગના ગુનાખોરી ઇતિહાસ, સાગરીતો સાથેના સંબંધો અને તેમની કાર્યપદ્ધતિ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી હતી. આ તપાસના આધારે ગેંગ વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે અત્યંત કડક અને ગંભીર પ્રકારની કાયદાકીય કાર્યવાહી માનવામાં આવે છે.
પોલીસે આ મામલે સલીમ ઉર્ફે સલીયો કરીમભાઈ કાથરોટીયા, મહેબૂબ ઉર્ફે મેબલો કરીમ કાથરોટીયા, અશરફ કરીમ કાથરોટીયા અને લખન વિક્રમ કમેજડીયા સહિત ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ઉપરાંત, ગેંગનો મુખ્ય સૂત્રધાર ઇબ્રાહીમ ઉર્ફે ઇભલો હાલમાં રાજકોટ સેન્ટ્રલ જેલમાં હત્યાના પ્રયાસના ગુનામાં બંધ છે, જ્યારે જાવેદ ઉર્ફે જાવલો મોરબી જિલ્લા જેલમાં દારૂના ગુનામાં સજા ભોગવી રહ્યો છે. પોલીસ દ્વારા બંનેનો કસ્ટડી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરાશે.
હાલ એક આરોપી ફરાર છે, જેને પકડવા માટે અલગ-અલગ પોલીસ ટીમો બનાવવામાં આવી છે અને તેની શોધખોળ તેજ કરવામાં આવી છે.
પોલીસ માત્ર આરોપીઓને જ નહીં, પરંતુ તેમની ગેરકાયદેસર રીતે વસાવેલી મિલકતો પર પણ કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. એસીપી બી.જે. ચૌધરી અને તેમની ટીમ દ્વારા આ દિશામાં પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
આ પગલાં દ્વારા ગેંગના આર્થિક સ્ત્રોતોને પણ નાબૂદ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેથી તેઓ ભવિષ્યમાં ફરીથી ગુનાખોરી તરફ વળી ન શકે. પોલીસની આ કાર્યવાહીથી શહેરમાં એક સકારાત્મક સંદેશ ગયો છે કે, કોઈપણ ભોગે સંગઠિત ગુનાખોરીને સહન કરવામાં નહીં આવે. સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની લાગણી મજબૂત બની રહી છે. ઈભલા ગેંગ પર થયેલી આ કાર્યવાહી માત્ર એક ગેંગ વિરુદ્ધની કાર્યવાહી નથી, પરંતુ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. પોલીસના આ કડક વલણથી સ્પષ્ટ થાય છે કે રાજકોટમાં હવે સંગઠિત ગુનાખોરી માટે કોઈ સ્થાન નથી.
આગામી સમયમાં પણ આવી જ કાર્યવાહી ચાલુ રહેશે તેવી સંકેતો મળતા, ગુનેગારોમાં ભય અને સામાન્ય નાગરિકોમાં વિશ્વાસ વધતો દેખાઈ રહ્યો છે.
ગુનાખોરી સફાઈ અભિયાનમાં મોટી સફળતા
ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ શહેરમાં ગુનાખોરી ઘટાડવા માટે વિશેષ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત ટૂંકા ગાળામાં જ છ અલગ-અલગ ગેંગ સામે ગુજસીટોક એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
આ કાર્યવાહી હેઠળ કુલ 85 આરોપીઓને જેલમાં મોકલવામાં આવ્યા છે. જેમાં પેંડા ગેંગના 21, મુર્ગા ગેંગના 19, બાટલી ગેંગના 19, ઑડીયા ગેંગના 11, ચડ્ડી-બનિયાન ગેંગના 11 અને ઈભલા ગેંગના 7 આરોપીઓનો સમાવેશ થાય છે.


