ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથના ODI ફોર્મેટમાંથી નિવૃત્તિ બાદ હવે બીજા એક ખેલાડીએ આ ફોર્મેટને અલવિદા કહી દીધું છે. 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી ખરાબ રીતે બહાર થયેલા બાંગ્લાદેશના અનુભવી ખેલાડી મુશફિકુર રહીમે હવે ODI ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. મુશફિકુર રહીમ 2025ની ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં બાંગ્લાદેશ ટીમનો પણ ભાગ હતો.
મુશફિકુર રહીમે કરી ઈમોશનલ પોસ્ટ
મુશફિકુર રહીમે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે હું આજે ODI ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી રહ્યો છું. દરેક વસ્તુ માટે અલહમદુલિલ્લાહ. ભલે આપણી સિદ્ધિઓ વૈશ્વિક સ્તરે મર્યાદિત હોય, એક વાત ચોક્કસ છે. જ્યારે પણ હું મારા દેશ માટે મેદાનમાં ઉતર્યો, ત્યારે મેં સમર્પણ અને પ્રામાણિકતા સાથે 100% થી વધુ આપ્યું.
છેલ્લા કેટલાક અઠવાડિયા મારા માટે ખૂબ જ પડકારજનક રહ્યા છે અને મને સમજાયું છે કે આ મારું ભાગ્ય છે. અલ્લાહ કુરાનમાં કહે છે કે, તે જેને ઈચ્છે છે તેને સન્માન આપે છે અને જેને ઈચ્છે છે તેને અપમાનિત કરે છે. સર્વશક્તિમાન અલ્લાહ આપણને માફ કરે અને બધાને સદ્ભાવના આપે. અંતે, હું મારા પરિવાર, મિત્રો અને મારા ફેન્સનો હૃદયપૂર્વક આભાર માનું છું જેમના માટે હું છેલ્લા 19 વર્ષથી ક્રિકેટ રમી રહ્યો છું.
આવું રહ્યું મુશફિકુર રહીમનું કરિયર
મુશફિકુર રહીમે 6 ઓગસ્ટ 2006 ના રોજ ઝિમ્બાબ્વે સામે પોતાની ODI ડેબ્યૂ કર્યું હતું. તેને પોતાની કારકિર્દીમાં 274 ODI મેચ રમી હતી. આ સમયગાળા દરમિયાન, તેને 256 ઈનિંગ્સમાં 36.42 ની એવરેજ અને 79.70 ના સ્ટ્રાઈક રેટથી 7795 રન બનાવ્યા. આ સમયગાળા દરમિયાન, રહીમે 49 અર્ધશતક અને 9 સદી ફટકારી. વનડેમાં તેનો બેસ્ટ સ્કોર ૧૪૪ રન છે. પોતાની વનડે કારકિર્દીમાં, વિકેટકીપર રહીમે 243 કેચ અને 56 સ્ટમ્પિંગ કર્યા.
હાલમાં રમાઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં બાંગ્લાદેશનું પ્રદર્શન બહુ સારું ન હતું અને ટીમ ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ. બાંગ્લાદેશનો સામનો તેની પહેલી મેચમાં ભારત સામે થયો હતો. ભારતે આ મેચ 6 વિકેટથી જીતી લીધી. મેચમાં મુશફિકુર રહીમ ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. ન્યુઝીલેન્ડ સામેની બીજી મેચમાં મુશફિકુર રહીમનું બેટ સારું પ્રદર્શન કરી શક્યું ન હતું અને તેને ફક્ત 2 રન બનાવ્યા હતા. પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.


