શ્રેયસ ઐય્યર ફરી એકવાર દુબઈના મેદાન પર ટીમ ઈન્ડિયા માટે તારણહાર સાબિત થયો. ન્યુઝીલેન્ડ સામે રમાઈ રહેલી મેચમાં શ્રેયસે મુશ્કેલ પરિસ્થિતિઓમાં શાનદાર બેટિંગ કરી અને જોરદાર અડધી સદી ફટકારી. અડધી સદી ફટકારવા છતાં, ઐયરે અનિચ્છાએ પોતાના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાવ્યો.
કેપ્ટન અને વાઈસ-કેપ્ટન સસ્તામાં પેવેલિયન પરત ફર્યા બાદ ક્રીઝ પર આવેલા ઐયરે ટીમ ઈન્ડિયાની લથડતી ઈનિંગ્સને ખૂબ સારી રીતે સંભાળી અને અક્ષર પટેલ સાથે 98 રનની ભાગીદારી કરી.
ઐયરના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ
શ્રેયસ ઐયરે ન્યુઝીલેન્ડ સામે પોતાની અડધી સદી પૂર્ણ કરવા માટે કુલ 75 બોલ રમ્યા. 50 ઓવરના ફોર્મેટમાં ઐયરના બેટમાંથી આ સૌથી ધીમી અડધી સદી છે. વર્ષ 2022ની શરૂઆતમાં શ્રેયસે વેસ્ટ ઈન્ડિઝ સામે રમતી વખતે 74 બોલમાં અડધી સદી ફટકારી હતી. શ્રેયસ જ્યારે મેદાન પર આવ્યો ત્યારે ભારતીય ટીમે ફક્ત 22 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. જ્યારે વિરાટ કોહલી પણ પેવેલિયન પાછો ફર્યો ત્યારે શ્રેયસ ઐયરનો સ્કોર 8 રન જ હતો.
30 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવ્યા બાદ ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. આ પરિસ્થિતિમાં, ઐયરે બાજી સંભાળી અને અક્ષર પટેલ સાથે મળીને ચોથી વિકેટ માટે 98 રનની ભાગીદારી કરી. અક્ષર 61 બોલમાં 42 રન બનાવીને આઉટ થયો. શ્રેયસ ઐયર 98 બોલમાં 79 રન બનાવીને આઉટ થયો.
ગિલ-રોહિત અને કોહલી ફ્લોપ
ન્યુઝીલેન્ડ સામે ટોસ હારીને પહેલા બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી ન હતી. શરૂઆતની બંને મેચમાં શાનદાર ફોર્મમાં દેખાતો શુભમન ગિલ માત્ર 2 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો. કેપ્ટન રોહિત શર્મા ફરી એકવાર પોતાના પ્રદર્શનથી નિરાશ થયા અને 15 રન બનાવીને આઉટ થયો. પાકિસ્તાન સામે સદી ફટકારનાર કિંગ કોહલી કંઈ ખાસ કરી શક્યો નહીં અને 11 રન બનાવીને મેટ હેનરીનો શિકાર બન્યો. પોઈન્ટ પર ફિલ્ડિંગ કરતી વખતે, ગ્લેન ફિલિપ્સે કોહલીનો શાનદાર કેચ પકડ્યો.


