ભારત અને પાકિસ્તાન વચ્ચેના મહાન મુકાબલા પર આખી દુનિયાની નજર રહેલી છે. મેચ પહેલા ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ દુબઈ પહોંચી ગયો છે. બુમરાહ ઈજાને કારણે આ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે પરંતુ તે આ હાઈ વોલ્ટેજ મેચ જોવા માટે દુબઈ પહોંચી ગયો છે.
આ મેચમાં ફેન્સ બુમરાહને સ્ટેડિયમમાં જોઈ શકશે પરંતુ તે પાકિસ્તાન સામે રમી શકશે નહીં. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન બોર્ડર ગાવસ્કર સિરીઝની છેલ્લી મેચમાં તેને પીઠમાં ઈજા થઈ હતી, ત્યારબાદ તે ક્રિકેટથી દૂર છે.
જસપ્રીત બુમરાહ બન્યો દર્શક
જસપ્રીત બુમરાહ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં દર્શક તરીકે હાજરી આપશે. આ માટે તે દુબઈ પહોંચી ગયો છે. છેલ્લી ઘડીએ, ટીમ મેનેજમેન્ટે તેને ટીમમાંથી બહાર કરી દીધો. મુખ્ય પસંદગીકાર અજિત અગરકર બુમરાહને લઈને કોઈ જોખમ લેવા માંગતા ન હતા, જેના કારણે તેને આ ટુર્નામેન્ટમાંથી બાકાત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો.
ટીમ ઈન્ડિયાને બુમરાહની સાલશે ખોટ
જસપ્રીત બુમરાહ ટુર્નામેન્ટમાંથી બહાર થયા પછી તેની અસર ટીમ ઈન્ડિયા પર ચોક્કસપણે જોવા મળશે. છેલ્લા કેટલાક વર્ષોમાં, બુમરાહ ટીમ ઈન્ડિયા માટે સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેને ICC ટુર્નામેન્ટમાં ભારત માટે 43 મેચ રમી છે જેમાં તેને 68 વિકેટ લીધી છે. બુમરાહે તાજેતરમાં યોજાયેલી T20 વર્લ્ડકપ જીતવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને ટૂર્નામેન્ટમાં 15 વિકેટ લીધી હતી.
બુમરાહને મળ્યા ચાર એવોર્ડ
દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પહેલા પીઠની ઈજાના કારણે ભારતીય ટીમમાંથી બહાર રહેલા ભારતના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહનું સન્માન કરવામાં આવ્યું. આ દરમિયાન તેમની પત્ની સંજના ગણેશન પણ તેમની સાથે હાજર રહી. બુમરાહને ICC પ્રમુખ જય શાહ તરફથી ક્રિકેટર ઓફ ધ યર, 2024 માટે T20 ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ્સ તેમજ ICC ની ટેસ્ટ અને T20 ટીમોનો ભાગ બનવા માટેની કેપ્સ પ્રાપ્ત થઈ.


