ભારત ચેમ્પિયન્સ ટ્રોફીનો વિજેતા બની, પરંતુ ટીમના એક ખેલાડીની જેટલી પ્રશંસા થવી જોઈતી હતી તેટલી થઈ નથી. તમને જણાવી દઈએ કે આ વાત શ્રેયસ ઐયરની છે, જેને ચેમ્પિયન્સ ટ્રોફીમાં કુલ 243 રન બનાવ્યા હતા.
શ્રેયસ ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ હતો. ગળામાં મેડલ પહેરીને વ્હાઈટ કોટ મેળવવાનું સન્માન મેળવનાર શ્રેયસ ઐયરે પોતાના શાનદાર પ્રદર્શન પર મૌન તોડ્યું છે.
મીડિયા સાથે વાત કરતાં શ્રેયસ ઐયરે ટીમ ઈન્ડિયામાં ચોથા નંબર પર બેટિંગ કરવા વિશે વાત કરી. નંબર-4 ઘણા સમયથી ભારતીય ટીમ માટે સમસ્યાઓ ઉભી કરી રહ્યો છે. આ ક્રમ કોઈપણ ટીમ માટે મહત્વપૂર્ણ છે કારણ કે અહીં બેટિંગ કરનાર બેટ્સમેન ટોપ-ઓર્ડરની નિષ્ફળતા છુપાવી શકે છે અને નીચલા ક્રમમાં આવતા બેટ્સમેન પરનું દબાણ પણ ઘટાડી શકે છે.
તમે મને જ્યાં પણ મોકલશો, હું તે કરીશ…
શ્રેયસ ઐયરે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાના જોરદાર પ્રદર્શન વિશે કહ્યું કે “હું પૂરા ઉત્સાહ સાથે મેદાનમાં પ્રવેશ કરું છું અને મારા મનમાં બીજું કંઈ ચાલતું નથી. મને પૂરો વિશ્વાસ છે કે મને આપવામાં આવેલી જવાબદારી હું નિભાવીશ. ગમે તે પરિસ્થિતિમાં મને મોકલો અને હું તે કરીશ. આ માનસિકતા મારા માટે અસરકારક રહી છે. અસ્વીકાર અને નિષ્ફળતાનો સામનો કર્યા પછી, મારામાં આત્મવિશ્વાસ ઉત્પન્ન થાય છે. નિષ્ફળતા તમને ઘણું શીખવે છે.”
શ્રેયસે ટેસ્ટ કારકિર્દી વિશે પણ કરી વાત
શ્રેયસ ઐયરે પોતાની છેલ્લી ટેસ્ટ ફેબ્રુઆરી 2024માં ઈંગ્લેન્ડ સામે રમી હતી. ટેસ્ટ ટીમમાં પોતાની વાપસી અંગે તેને કહ્યું કે “મેં ઘરેલુ ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ હું હમણાં કંઈ કહી શકતો નથી. હું હમણાં તેના વિશે વધુ વિચારવા માંગતો નથી, કારણ કે હું જેટલું વધુ વિચારીશ, તેટલો જ હું તણાવમાં આવીશ. મને વર્તમાનમાં જીવવાની મજા આવે છે.”


