- ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઇ રહી છે મેચ
- ઈંગ્લેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો
- હારિસ રઉફે સૌથી વધુ વિકેટ લીધી હતી
આ વર્લ્ડ કપની 44મી મેચ ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ રહી છે. આ મેચ પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ બંને માટે છેલ્લી લીગ મેચ છે. આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 337 રન બનાવ્યા હતા. આ મેચ પહેલા પાકિસ્તાન સેમીફાઈનલમાં પહોંચવાની આશા લઈને આવ્યું હતું, પરંતુ ટોસ હાર્યા બાદ તેની આશા ખતમ થઈ ગઈ હતી.
સેમિફાઇનલમાં પહોંચવા માટે, પાકિસ્તાને પહેલા બેટિંગ કરતા ઓછામાં ઓછા 287 રનથી મેચ જીતવી હતી, જ્યારે બાદમાં બેટિંગ કરતા 2.5 ઓવરમાં 300 રનના લક્ષ્યનો પીછો કરવો પડ્યો હતો. આ મેચમાં પાકિસ્તાન માટે આ બંનેમાંથી કોઈ બની શકે નહીં, તેથી તેમની વર્લ્ડ કપની સફર પૂરી થઈ ગઈ છે, પરંતુ તેઓ તેમની છેલ્લી મેચમાં ઈંગ્લેન્ડને હરાવીને જીત સાથે તેમના વર્લ્ડ કપ અભિયાનનો અંત કરવા ઈચ્છશે. જો કે તેના માટે પણ પાકિસ્તાને ઈંગ્લેન્ડ દ્વારા આપવામાં આવેલા વિશાળ લક્ષ્યનો પીછો કરવો પડશે.
આ મેચમાં ઈંગ્લેન્ડ તરફથી ડેવિડ મલને 31 રન, જોની બેયરસ્ટો 59, જો રૂટ 60, બેન સ્ટોક્સ 84, જોસ બટલરે 27 અને હેરી બ્રુકે 30 રનની સારી ઇનિંગ રમી હતી. અંતમાં મોઈન અલી, ક્રિસ વોક્સ અને ડેવિડ વિલીએ અનુક્રમે 8, 4, 15 રન બનાવ્યા અને 50 ઓવરમાં 337 રન બનાવ્યા.
હારિસ રઉફે સૌથી વધુ વિકેટ લીધી હતી
બીજી તરફ પાકિસ્તાન તરફથી શાહીન શાહ આફ્રિદીએ 2, હારિસ રઉફે 3, મોહમ્મદ વસીમ જુનીયરે 2 અને ઈફ્તિખાર અહેમદે 1 વિકેટ લીધી હતી. આ સિવાય હરીશ રઉફે શાનદાર ફિલ્ડિંગ કરતા જોસ બટલરને રનઆઉટ કરીને પેવેલિયન જવા મજબૂર કર્યો હતો.
હવે જોવાનું એ રહે છે કે પાકિસ્તાન આ લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કરવામાં સફળ રહે છે કે નહીં. જો કે, છેલ્લી મેચમાં, પાકિસ્તાને ન્યૂઝીલેન્ડ સામે 401 રનનો પીછો કરીને શાનદાર શરૂઆત કરી હતી અને 26મી ઓવરમાં જ 200 રન પૂરા કરીને ડકવર્થ લુઈસ મેથડની મદદથી મેચ જીતી લીધી હતી. તે મેચમાં ફખર ઝમાને ઝડપી અને અણનમ સદી ફટકારી હતી અને બાબર આઝમે પણ સારી ઇનિંગ રમી હતી. હવે જોવાનું એ રહેશે કે આ પાકિસ્તાની બેટ્સમેનો આજની મેચમાં પણ આવું જ કારનામું કરી શકે છે કે નહીં.


