- વર્લ્ડકપ 2023ની લીગ મેચ થઈ પૂર્ણ
- આવતીકાલથી સેમીફાઈનલ મેચ શરૂ થશે
- સેમીફાઈનલમાં ભારતને મળ્યા પનોતી અંપાયર્સ
આવતીકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સેમીફાઈનલની પ્રથમ મેચ રમવામાં આવશે, આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમવામાં આવશે. ભારતીય ટીમ છેલ્લા બે વનડે વર્લ્ડકપમાં સેમીફાઇનલથી આગળ વધી શકી નથી. છેલ્લી વનડે વર્લ્ડકપની સેમીફાઇનલ મેચમાં પણ ભારતનો સામનો ન્યૂઝીલેન્ડ સામે થયો હતો અને ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે આ વખતે પણ સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થવા જઈ રહ્યો છે. જે ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય છે, પરંતુ તેનાથી પણ મોટી ચિંતા આ મેચના બે ફિલ્ડ અમ્પાયરોની છે. જે સૌથી દુર્ભાગ્યશાળી અંપાયર્સમાં સામેલ છે
પ્રથમ સેમીફાઇનલના અંપાયર્સ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થનારી સેમીફાઈનલ મેચમાં રોડ ટકર અને રિચર્ડ ઈલિંગવર્થ ફિલ્ડ અમ્પાયર તરીકે રહેશે, જ્યારે જોએલ વિલ્સન ત્રીજા અને એડ્રિયન હોલ્ડસ્ટોક ચોથા અંપાયરની ભૂમિકા ભજવશે, જ્યારે એન્ડી પાયક્રોફ્ટ આ મેચના મેચ રેફરી હશે. આ મેચના બંને ફિલ્ડ અંપાયર ભારત માટે અનલકી સાબિત થયા છે. 2019 વર્લ્ડકપમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી સેમીફાઈનલ મેચમાં પણ રિચર્ડ ઈલિંગવર્થ ફિલ્ડ અમ્પાયર હતા અને ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. રોડ ટકર તે મેચના ત્રીજા અંપાયર હતા, જેમણે મહેન્દ્ર સિંહ ધોનીને રનઆઉટ જાહેર કર્યો હતો અને તે જ મેચ ધોનીની આંતરરાષ્ટ્રીય કરિયરની છેલ્લી મેચ પણ સાબિત થઈ હતી.
ભારત માટે આ અંપાયર પનોતી
આ ઉપરાંત રિચર્ડ ઇલિંગવર્થ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઇનલ મેચમાં પણ ફિલ્ડ અંપાયર હતા અને તે મેચમાં પણ ભારતને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે, વર્તમાન વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં રિચર્ડ ઇલિંગવર્થ પણ ફિલ્ડ અંપાયર હતા, પરંતુ તે મેચમાં ભારતે પાકિસ્તાનને કારમી હાર આપી હતી. આવી સ્થિતિમાં ભારતીય ટીમ આ વખતે સેમીફાઇનલ મેચમાં કેવું પ્રદર્શન કરશે તે જોવું રહ્યું.
બીજી સેમીફાઇનલ મેચના અંપાયર્સ
આ વર્લ્ડકપની બીજી સેમીફાઇનલ મેચ સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 16 નવેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમવામાં આવશે. આ મેચમાં કેટલબ્રો અને ભારતના નીતિન મેનન ફિલ્ડ અંપાયર હશે, જ્યારે ક્રિસ ગફાની ત્રીજા અને માઈકલ ગફ ચોથા અમ્પાયરની ભૂમિકા ભજવશે. આ મેચમાં પૂર્વ ભારતીય ક્રિકેટર જવાગલ શ્રીનાથ મેચ રેફરીની ભૂમિકા ભજવશે.


