- ટ્રેન્ટ બોલ્ટે પાકિસ્તાનની વધારી ચિંતા
- ન્યૂઝીલેન્ડની હાર-જીત પર નિર્ભર છે પાકિસ્તાની ટીમનું ભવિષ્ય
- ન્યૂઝીલેન્ડ હારશે તો પાકિસ્તાન માટે આગળનો રસ્તો અઘરો
ન્યૂઝીલેન્ડનો બોલર ટ્રેન્ટ બોલ્ટ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ માટે મુશ્કેલી બન્યો છે. આજે બોલ્ટે શ્રીલંકા સામે કરો યા મરો મેચમાં પોતાની ટીમ ન્યૂઝીલેન્ડને શાનદાર શરૂઆત અપાવી છે. બોલ્ટે શરૂઆતની ઓવરોમાં જ શ્રીલંકાના ત્રણ બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. શ્રીલંકા સામે બોલ્ટની ઘાતક બોલિંગના કારણે શ્રીલંકાના ખેલાડીઓ કરતાં પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ વધુ ટેન્શનનો સામનો કરી રહ્યો છે.
બોલ્ટ બાબર માટે સમસ્યા બન્યો
જો આજે ન્યૂઝીલેન્ડની ટીમ શ્રીલંકાને મોટા અંતરથી હરાવશે તો તેનું સેમીફાઈનલમાં પહોંચવું લગભગ નિશ્ચિત થઈ જશે. જો ન્યૂઝીલેન્ડનું સેમીફાઈનલમાં જવું નિશ્ચિત થઈ જશે તો પાકિસ્તાનનું સેમીફાઈનલમાંથી બહાર થવું નિશ્ચિત થઈ જશે. અત્યારે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન બંને ટીમનાા પોઈન્ટ ટેબલમાં 8-8 પોઈન્ટ છે, પરંતુ ન્યૂઝીલેન્ડની નેટ રનરેટ પાકિસ્તાન કરતા સારી છે. આવી સ્થિતિમાં જો ન્યૂઝીલેન્ડની ટીમ આજની મેચમાં શ્રીલંકાને મોટા અંતરથી હરાવશે તો તેની ટીમના 10 પોઈન્ટ થઈ જશે અને નેટ રનરેટની દૃષ્ટિએ પણ ન્યૂઝીલેન્ડ પાકિસ્તાન કરતા ઘણું આગળ નીકળી જશે.
…તો પાકિસ્તાનનું સેમીફાઈનલમાં પહોંચવું મુશ્કેલ બનશે
આવી સ્થિતિમાં જો પાકિસ્તાન તેની છેલ્લી લીગ મેચમાં ઇંગ્લેન્ડને હરાવશે તો પણ તેના માટે સેમીફાઇનલમાં પહોંચવું ખૂબ મુશ્કેલ બનશે. ઇંગ્લેન્ડ સામેની છેલ્લી લીગ મેચ જીત્યા બાદ પાકિસ્તાનના ન્યૂઝીલેન્ડની બરાબરીના 10 પોઈન્ટ થઈ જશે, પરંતુ નેટ રનરેટની દૃષ્ટિએ પાકિસ્તાન ઘણું પાછળ રહી જશે. જેથી ન્યૂઝીલેન્ડ સેમીફાઈનલમાં પહોંચી જશે. સાથે જો ન્યૂઝીલેન્ડ આજની મેચ સારા માર્જિનથી જીતે છે અને તે પછી પણ પાકિસ્તાને સેમીફાઇનલમાં જગ્યા બનાવવી છે, તો તેને તેની છેલ્લી લીગ મેચમાં ઇંગ્લેન્ડ સામે મોટા અંતરથી મેચ જીતવી પડશે. જો કે, જો ન્યૂઝીલેન્ડની ટીમ જો શ્રીલંકા સામેની આજની મેચ હારી જશે તો પાકિસ્તાન માટે કામ સરળ બની જશે.


