વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ 11 જૂનથી સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. સાઉથ આફ્રિકાએ લંડનના લોર્ડ્સમાં રમાયેલી મેચ 5 વિકેટથી જીતીને ઈતિહાસ રચ્યો. 27 વર્ષ પછી સાઉથ આફ્રિકાએ ICC ટાઈટલ જીત્યું.
આ પહેલા 1998માં સાઉથ આફ્રિકા ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. એડન માર્કરામ સાઉથ આફ્રિકા માટે સૌથી સફળ બેટ્સમેન હતો. તેને ઓસ્ટ્રેલિયાના બોલરોને ખૂબ હેરાન કર્યા. પરંતુ હવે 27 વર્ષ પછી સાઉથ આફ્રિકાએ તેના ICC ટ્રોફીના દુષ્કાળનો અંત લાવીને ધૂમ મચાવી દીધી છે.
ઓસ્ટ્રેલિયાએ બનાવ્યા હતા 212 રન
પહેલી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાએ 56.4 ઓવરમાં 212 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવ સ્મિથ અને બ્યુ વેબસ્ટરે અડધી સદી ફટકારી હતી. સ્ટીવ સ્મિથે 112 બોલમાં 66 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ સિવાય વેબસ્ટરે 92 બોલમાં 72 રન બનાવ્યા હતા.
સાઉથ આફ્રિકાએ પહેલી ઈનિંગમાં 57.1 ઓવરમાં 138 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં 74 રનની લીડ મેળવી હતી. આ પછી પણ ટીમને હારનો સામનો કરવો પડ્યો.
સાઉથ આફ્રિકાએ પોતાની પકડ કરી મજબૂત
પહેલી ઈનિંગમાં લીડ લીધા બાદ ઓસ્ટ્રેલિયા બીજા ઈનિંગમાં સારી બેટિંગ કરી શક્યું નહીં. ઓસ્ટ્રેલિયાએ માત્ર 73 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ મિચેલ સ્ટાર્કે 58 રન અને એલેક્સ કેરીએ 43 રનની શાનદાર ઈનિંગ રમીને ઓસ્ટ્રેલિયાનો સ્કોર 65 ઓવરમાં 207 રન સુધી પહોંચાડ્યો અને સાઉથ આફ્રિકાને જીત માટે 282 રનનો ટાર્ગેટ આપ્યો.
ટાર્ગેટનો પીછો કરતી વખતે સાઉથ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી. રિયાન રિકેલ્ટન 8 બોલમાં 6 રન બનાવીને આઉટ થયો. પરંતુ એડન માર્કરામે એક છેડેથી ટીમને મજબૂત રીતે સંભાળી. ત્રીજા દિવસની રમત પૂરી થાય તે પહેલાં તેને સદી ફટકારી. એડન માર્કરામને ટેમ્બા બાવુમાનો પણ સાથ મળ્યો. તેને અડધી સદીની ઈનિંગ પણ રમી. પરંતુ ચોથા દિવસે તે જલ્દી આઉટ થઈ ગયો. બીજા ઈનિંગમાં, બાવુમાના બેટે 134 બોલમાં 66 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી. જ્યારે એડન માર્કરામે 207 બોલમાં 136 રનની શાનદાર સદીની ઈનિંગ રમી.