દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લોર્ડ્સ ખાતે યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ પહેલા, ICC એ ઈનામી રકમની જાહેરાત કરી છે, જેમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે.
WTC 2023-25 ફાઈનલ માટે કુલ ઈનામની રકમ 5.76 મિલિયન યુએસ ડોલર છે, જે અગાઉના બે સિઝન કરતા બમણાથી વધુ છે.
ચેમ્પિયન ટીમને હવે 3.6 મિલિયન યુએસ ડોલર (રૂ. 30.78 કરોડ) ની ઈનામી રકમ મળશે, જે 2021 અને 2023 બંનેમાં આપવામાં આવેલી 1.6 મિલિયન યુએસ ડોલરથી વધુ છે, જ્યારે રનર્સ-અપ ટીમને 800,000 થી વધુ 2.16 મિલિયન યુએસ ડોલર(રૂ. 18.46 કરોડ) મળશે.
11 જૂનથી શરૂ થશે WTC ફાઈનલ
દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે WTC ફાઈનલ મેચ 11 જૂનથી 15 જૂન દરમિયાન રમાશે. ICC એ મેચ માટે ઉત્સાહ વધારવા માટે એક પ્રમોશનલ વીડિયો પણ શેર કર્યો છે, જેમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમા, ઝડપી બોલર કાગીસો રબાડા, સ્ટાર બેટ્સમેન એડન માર્કરામ, ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ અને ઓપનર ટ્રેવિસ હેડ સિવાય ભૂતપૂર્વ ક્રિકેટરો શોન પોલોક, ડેલ સ્ટેન, મેથ્યુ હેડન, મેલ જોન્સ, નાસિર હુસૈન, શોએબ અખ્તર અને રવિ શાસ્ત્રીનો સમાવેશ થાય છે.
WTC પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહી પ્રોટીઝ ટીમ
દક્ષિણ આફ્રિકાની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ના પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહી અને લોર્ડ્સમાં યોજાનારી ફાઈનલમાં જગ્યા બનાવનારી પ્રથમ ટીમ બની. તેને પાકિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે સિરીઝ જીતીને અને ભારત સામેની ઘરઆંગણે સિરીઝ ડ્રો કરીને આ સિદ્ધિ મેળવી. બીજી તરફ, ઓસ્ટ્રેલિયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારત સામે 3-1થી જીત મેળવીને ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. તેમના મજબૂત અભિયાનમાં પાકિસ્તાનને તેમના ઘરઆંગણે 3-0થી હરાવવું અને ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા સામે સિરીઝ જીતવાનો સમાવેશ થાય છે.


