રાજયમાં ઝડપભેર પ્રસરી રહેલા ચાંદીપુરાના રોગચાળાએ રાજકોટમાં પણ હવે તેનું ખતરનાક સ્વરૂપ દેખાડયું છે. છેલ્લા ૧૦ દિવસમાં રાજકોટમાં ચાંદીપુરાના શંકાસ્પદ વાયરસથી પાંચ બાળકોના મોત થતાં તંત્રએ દોડધામ શરૂ કરી છે. પરંતુ આ રોગથી બચવા માટે તકેદારીના પગલા લેવામાં આવે તો આ રોગ ચેપી ન હોવાથી તકેદારીથી તેને મહદ અંશે અટકાવી શકાય છે. નીચે મુજબની સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે.
ચાંદીપુરાના લક્ષણો
- તાવ ઉતર ચઢ કરવો
- ક્યારેક અચાનક હેવી તાવ આવી જવો
- તાવ મગજમાં ચડી જવો
- ઝાડા-ઉલ્ટી થવા
- બકવાસ ઉપડવો
- કોમા જેવી સ્થિતિમાં આવી જવુ
.સાવચેતી માટે શું કરવુ?
- ઘરમાં એઠવાડ ન રાખવો.
- ગાર-લીપણવાળા મકાનમાં લીંમડાનો ધુમાડો કર્યા રાખવો.
- સેન્ડ ફ્લાય પ્રજાતિની માખી દિવસે જ ડંખ મારે છે. દિવસ દરમિયાન બાળકોને આખુ શરીર ઢંકાય તેવા કપડા પહેરાવવા
- તાવ-ઝાડા-ઉલ્ટી-મગજમાં તાવ ચડી જવો કે પછી કોમાની જેમ સુનમુખ અવસ્થાના લક્ષણ દેખાય એટલે ઘરગથ્થુ ઉપચાર કરવાનું જોખમ ટાળી સીધા જ હોસ્પિટલે પહોંચી જવુ
ગારા-લીપણવાળા મકાનમાં રહેતા હોય તેના ઉપર વધુ જોખમ
સેન્ડ ફ્લાઇ પ્રજાતિની માખી મોટાભાગે ગારા-લીપણવાળા મકાનમાં જ બ્રીડીંગ કરે છે. આ અલગ પ્રકારની માખી છે અને ઝેરી હોય છે. ગારા-લીપણવાળા મકાનમાં રહેતા હોય તેવા પરિવારને માખી ડંખ મારે છે અને તેનાથી ચાંદીપુરા વાયરસના ઝપટે ચડી જાય છે. બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે. એટલા ચાંદીપુરા વાયરસ બાળકોમાં ખુબ ઝડપથી શરીરમાં ફેલાઇ જાય છે.
લેબ રિપોર્ટમાં હજુ વાયબ્રન્ટ ગુજરાત પૂના પર આધારીત
ગુજરાતમાં નથી થઇ શકતો ચાંદીપુરાનો રિપોર્ટ : દર્દીના મૃત્યુ થાય ત્યારબાદ પુનાથી રિપોર્ટ મળતો હોવાની ફરિયાદ
દેશભરમાં ગુજરાતને વિકાસનું એક મોડલરૂપ રાજ્યની હવા ફેલાવવામા આવી છે. આ હવાનો પરપોટો આમતો કોરોના કાળમાં જ ફૂટી ગયો હતો. સરકાર તમામ મોરચે નપાણી સાબિત થઇ ગઇ હતી. હાલ જ્યારે ચાંદીપુરા વાયરસ અજગરીભરડો લેતો જાય છે ત્યારે પણ તબીબી માળખાને લઇને વાયબ્રન્ટની વાતો હવામાં રહી છે. ગુજરાતનુ મેડીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઇ હદે પાછળ છે તેનો વધુ એક દાખલો છે. ચાંદીપુરા વાયરસની ઝપટે ચડ્યા હોય તેવા દર્દીને શંકાસ્પદ કેસમાં મુકી તેના સેમ્પલ છેક પુના મોકલવામા આવે છે. ગુજરાતમાં હાલ આ વાયરસના તબીબી પરિક્ષણની કોઇ વ્યવસ્થા નથી. પુનામાં દેશ આખામાંથી સેમ્પલ આવે છે. સેમ્પલના રિપોર્ટ અઠવાડિયે-દસ દિવસે છેક આવે છે. અમુક કિસ્સામાં તો બાળ દર્દીના મોત થયા પછી રિપોર્ટ આવ્યા હોવાનો પણ દાખલો છે. રાજકોટમાં જે પાંચ બાળ દર્દીના મોત થયા છે તેના રિપોર્ટ પણ હજુ સુધી પુનાથી આવ્યા નથી.
“સિવિલ હોસ્પિટલ આગોતરી તમામ પ્રકારની તૈયારીથી સજ્જ છે”
‘અગ્ર ગુજરાત’ સાથે RMO હર્ષદ દુસરા સાથે થયેલી વાતચીત
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જે પાંચ કેસ આવ્યા છે એ જિલ્લાના વિસ્તારોના છે. શહેરનો એકપણ કેસ નથી. આ પાંચેય કેસના લેબોરેટરી પરિક્ષણ રિપોર્ટ હજુ સુધી આવ્યા નથી. પણ એટલુ ચોક્કસપણે માની શકાય કે મૃતક બાળકોમાં ચાંદીપુરા જેવા જ લક્ષણો હતો. સિવિલ હોસ્પિટલમાં હાલ ૭ વોર્ડનો આઇસોલેટેડ વોર્ડ ઉભો કરાયો છે. અને ૧૦૦ બેડનો આઇસોલેટેડ વિભાગ પણ તૈયાર જ છે. જેમા ઓક્સીજન, વેન્ટીલેટર અને ચાંદીપુરાની સારવાર માટેની તમામ દવા અને સંસાધનોનો પુરતો સ્ટોક છે.
“તમામ આરોગ્ય કેન્દ્રને સાબદુ કરાયુ, લક્ષણ દેખાય એવા કેસ સિવિલમાં રિફર થશે”
‘અગ્ર ગુજરાત’ સાથે મનપાના આરોગ્ય અધિકારી જયેશ વાંકાણી સાથે વાતચીત
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલા પાંચેય કેસ ભલે શહેરના ન હોય. પરંતુ શહેરના તમામ ૧૮ વોર્ડના આરોગ્ય કેન્દ્રના અધિકારીને એવી કડક તાકીદ કરવામા આવી છે કે કેન્દ્રમાં આવતા બાળદર્દી સહિતના જે કોઇ પેશન્ટ આવે અને તેમા ચાંદીપુરા વાયરસના લક્ષણ હોય તો તેને સીધા જ સિવિલ હોસ્પિટલે જાણ કરી ત્યા રીફર કરવાની વ્યવસ્થા કરવામા આવે. એટલુ જ નહીં વોર્ડમાં દવા છંટકાવ સહિતની કામગીરી પણ સઘન બનાવવા માટે મેલેરિયા શાખાને સુચના આપવામા આવી છે.
રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી ક્યા-કેટલા કેસ-મોત
જિલ્લો – કેસ – મૃત્યુ
સાબરકાંઠા – ૪ – ૨
અરવલ્લી – ૪ – 3
મહિસાગર – ૧ – ૧
ખેડા – ૧ – ૦
મહેસાણા – ૨ – ૧
રાજકોટ – ૫ – ૫
સુરેન્દ્રનગર – ૧ – ૧
અમદાવાદ – ૪ – 3
ગાંધીનગર – ૧ – ૧
પંચમહાલ – ૪ – ૨
જામનગર – ૪ – ૦
મોરબી – 3 – ૨
જીએમસી – ૧ – ૧
કુલ – 3૫ – ૨૧
રાજ્યમાં સૌથી વધુ રાજકોટ જિલ્લામાં કેસ, મોત પણ સૌથી વધુ
રાજ્યના ૧3 જિલ્લામાં જીવલેણ અને ઘાતક ચાંદીપુરા વાયરસે અજગરભરડો લીધો છે. તેમાથી સૌથી વધુ રાજકોટ જિલ્લામાં છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા, મોરબી, જેતપુર, પડધરીના કુલ પાંચ બાળકો સિવિલ હોસ્પિટલમાં આવ્યા છે. આ પાંચેય બાળદર્દીના મોત થઇ ચુક્યા છે. એટલે રાજ્યમાં સૌથી વધુ મોત પણ રાજકોટ જિલ્લામાં છે.