- સુપ્રીમ કોર્ટની બે જજની બેન્ચે સુનાવણી હાથ ધરી
- વકીલોને ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ ગણવા મુદ્દે સુનાવણી થઈ
- જસ્ટિસ બેલા એમ. ત્રિવેદી અને જસ્ટિસ પંકજ મિથલની બેન્ચે આ મામલે સુનાવણી હાથ ધરી હતી
મેડિકલ ટ્રીટમેન્ટમાં બેદરકારી બદલ જો ડૉક્ટર્સ સામે કેસ થઇ શકે તો ખરાબ સર્વિસ બદલ વકીલો સામે કેમ નહીં? તેવો સવાલ સુપ્રીમ કોર્ટે ગુરુવારે આ મામલે કેટલીક અરજીઓ મામલે સુનાવણી શરૂ કરતી વેળાએ કર્યો હતો. કાનૂની પ્રતિનિધિત્વ સંબંધિત બાબતો ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 1986 હેઠળ આવરી લેવાઇ છે કે કેમ તેને લગતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ. આ દરમિયાન કોર્ટે કહ્યું કે જો નબળી સેવા બદલ ડૉક્ટર્સ સામે ગ્રાહક અદાલતમાં કાર્યવાહી થઇ શકતી હોય તો વકીલો સામે કાર્યવાહી કેમ ના થઇ શકે?
જસ્ટિસ બેલા એમ. ત્રિવેદી અને જસ્ટિસ પંકજ મિથલની બેન્ચે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. બેન્ચે કહ્યું કે કોઇ ડૉક્ટર દર્દીની સારવારમાં કરે છે તેમ વકીલોએ તેમની કુશળતા અને જ્ઞાનને કેસના તથ્યો પર લાગુ કરવું પડશે. 2007માં નેશનલ કન્ઝયુમર કમિશન દ્વારા આપવામાં આવેલા મંતવ્યો સામે સવાલ ઉઠાવતી અરજીઓ પર વિચારણા કરતી વખતે કોર્ટે આ વાત કહી. નેશનલ કન્ઝયુમર કમિશને 2007ના તેના ચુકાદામાં ઠેરવ્યું હતું કે વકીલો ગ્રાહક સુરક્ષા કાયદાના દાયરામાં આવે છે. સેવામાં ઉણપ માટે તેમને ગ્રાહક વતી ગ્રાહક અદાલતમાં પણ ખેંચી શકાય છે. વકીલો દ્વારા પૂરી પાડવામાં આવતી કાનૂની સેવાઓ 1986ના કાયદાની કલમ 2(1)(o)ના દાયરામાં આવશે. આ કલમ ‘સેવા’ને વ્યાખ્યાયિત કરે છે, જે તેમને કાયદા હેઠળ જવાબદાર બનાવે છે. જોકે, નેશનલ કન્ઝયુમર કમિશનના આ આદેશ પર એપ્રિલ, 2009માં સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી હતી. હવે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે એમાં કોઇ વિવાદ નથી કે વકીલ સેવા પૂરી પાડે છે. તેઓ ફી લે છે. આ વ્યક્તિગત સર્વિસનો કોન્ટ્રાક્ટ નથી.


