શહેરના તમામ જળાશયોમાં ન જવા મ્યુનિ. કમિશનરે ફરમાવ્યો પ્રતિબંધ
રાજકોટમાં હજુ જોઇએ તેવો વરસાદ પડતો નથી. આજી-૧ ડેમમાં પણ મામુલી એવી નવા નીરની આવક થઇ છે. આમછતા લોકોની સુરક્ષાને ધ્યાને લઇને આજી ડેમ તથા તેની આજુબાજુના પ્રતિબંધિત વિસ્તારમાં તેમજ ન્યારી-૧ ડેમ સહિતના જળાશયોમાં કોઇપણ વ્યક્તિ દ્વારા અવરજવર ન કરવા તેમજ જાહેર જનતાએ પાણીમાં નહાવા કે કોઇપણ જાતની પ્રવૃતી માટે ન ઉતરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રતિબંધ ફરમાવવામા આવ્યો છે. કપડા ધોવા, ન્હાવા કે વાહન ધોવા કોઇ પકડાશે તો તેની સામે કાયદેસરના પગલાં લેવામા આવશે તેવી ચેતવણી આપવામા આવી છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિંચાઇ વિભાગ હસ્તકના આજી-૧ જળાશયમાંથી રાજકોટ શહેરની જનતા માટે પીવાના હેતુથી દૈનિક પાણીનો ઉપાડ કરવામાં આવે છે. આજી-૧ જળાશયની હાલની સપાટી ૨૧.૨૯ ફૂટ છે. આ ડેમ પ્રતિબંધિત વિસ્તાર હોવાથી ડેમના સંપુર્ણ વિસ્તારમાં માછીમારી કરવી, વાહનો ધોવા તેમજ નાહવા પર મનાઇ છે તેમજ આ પ્રકારની પ્રવૃતીને લીધે દુર્ઘટના થવાની પણ શકયતા રહેલી છે. તેમજ આગામી સમયમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામા આવેલ હોય, ડેમના સ્ત્રાવક્ષેત્રમાં આ પ્રકારની પ્રવૃતીને લીધે જાનહાનીની શકયતા રહેલી છે. જેથી લોકોની સુરક્ષાને ધ્યાને લઇને આજી ડેમ તથા તેની આજુબાજુના પ્રતિબંધિત વિસ્તારમાં કોઇપણ વ્યક્તિ દ્વારા અવરજવર ન કરવા તેમજ જાહેર જનતાએ પાણીમાં નહાવા કે કોઇપણ જાતની પ્રવૃતી માટે ન ઉતરવા આથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાકીદ કરવામાં આવે છે.