– ભાવ લાંબો સમય જળવાશેે તો રિઝર્વ બેન્કે વ્યાજ દર વધારવાની ફરજ પડશે : મોર્ગન
– ક્રુડના ભાવમાં વધારા સામે ભારત એશિયા વિસ્તારમાં સૌથી વધુ જોખમ ધરાવતો દેશ
Updated: Nov 7th, 2023
મુંબઈ : ક્રુડ તેલના ભાવ પ્રતિ બેરલ ૧૧૦ ડોલર પર પહોંચી આ સપાટીએ લાંબા ગાળા સુધી ટકી રહેશે તો ભારતની આર્થિક સ્થિરતા જોખમમાં મુકાઈ શકે છે અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ ફરી વ્યાજ દર વધારવાની ફરજ પડી શકે છે, એમ મોર્ગન સ્ટેન્લીના એક રિપોર્ટમાં જણાવાયું હતું.
ભારત વિશ્વમાં ક્રુડ તેલનો ત્રીજો મોટો વપરાશકાર દેશ છે અને ક્રુડ તેલના ભાવમાં વધારા સામે એશિયા વિસ્તારમાં સૌથી વધુ જોખમ ધરાવતો દેશ છે.
ક્રુડ તેલના ભાવમાં પ્રતિ બેરલ ૧૦ ડોલરના વધારાથી ફુગાવામાં ૫૦ બેઝિસ પોઈન્ટ સુધીનો વધારો થાય છે અને ચાલુ ખાતાની ખાધમાં ૩૦ બેઝિસ પોઈન્ટ વધે છે.
ક્રુડ તેલનો પ્રતિ બેરલ ૧૧૦ ડોલરથી ઉપરનો ભાવ ભારતના અર્થતંત્રને અસ્થિર કરી શકે છે. ક્રુડ તેલના ઊંચા ભાવથી ઘરઆંગણે ઈંધણના ખર્ચમાં વધારો કરાવશે અને ફુગાવાજન્ય અસર ઊભી કરશે.
ભારતની ચાલુ ખાતાની ખાધ જે હાલમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટસના ૨.૫૦ ટકાની સાનુકૂળ સપાટીએ છે તેમાં વધારો જોવા મળવા સંભવ છે.
આવી સ્થિતિમાં બૃહદ્ સ્થિરતા માટેના નિર્દેશાંકો તાણ હેઠળ આવી શકે છે અને રૂપિયામાં ઘસારા તરફી દબાણ જોવા મળશે જેને પગલે રિઝર્વ બેન્કે વ્યાજ દરમાં વધારો કરવાનું ફરી શરૂ કરવું પડશે એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
છેલ્લી ચાર બેઠકથી રિઝર્વ બેન્કે રેપો રેટ યથાવત રાખ્યો છે.
ક્રુડ તેલનો પ્રતિ બેરલ ૯૫ ડોલરનો ભાવ ભારત માટે હાથ ધરી શકાય એમ છે. આવી સ્થિતિમાં રિઝર્વ બેન્ક વ્યાજ દરમાં કપાતને કદાચ ઢીલમાં મૂકી શકે છે, એમ પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
ક્રુડ તેલનો ભાવ હાલમાં પ્રતિ બેરલ ૮૫ ડોલર આસપાસ બોલાયા કરે છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ક્રુડના ભાવમાં વધારો થવા સાથે ઇંધણના ભાવ પણ ઝડપથી વધશે. જેના કારણે ફુગાવો જન્ય દબાણ ઉભુ થશે. મોંઘવારીમાં વધારો થશે. જેના પગલે ફુગાવો ઉચકાતા રિઝર્વ બેંકે નક્કી કરેલ ફુગાવાના લક્ષ્યાંક ઉપર પણ સીધી અસર જોવા મળશે. આમ પણ છેલ્લા કેટલાંક સમયથી વિવિધ ચીજ વસ્તુંના ભાવમાં વધારો થતા પ્રજા પરેશાન છે જ ત્યાં નવો બોજ વધશે તો પ્રજાની હાલત કફોડી બની જશે. આ ઉપરાંત આ પ્રતિકુળતાની શેર બજારો ઉપર પણ અસર જોવા મળશે. આમ ક્રુડના ભાવ ઉચકાવાથી અર્થતંત્રમાં વિવિધ ક્ષેત્રે પ્રતિકુળ અસર જોવા મળશે.