- 15 જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ આયોવા રાજ્યમાં પ્રથમ કોકસ
- રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ફરી થઈ શકે છે ટ્રમ્પ-બાઈડેનની ટક્કર
- “હું રાષ્ટ્રપતિ હોત તો રશિયા યુક્રેન પર હુમલો કરવાની વિચારતું પણ નહિ”
અમેરિકામાં રિપબ્લિકન પાર્ટી તરફથી પ્રમુખપદની ઉમેદવારીની રેસમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 15 જાન્યુઆરીએ આયોવા રાજ્યમાં પ્રથમ કોકસ જીતી લીધું છે. આ જીતથી એ દાવાઓને વધુ બાલ મળ્યું છે જેમાં કહેવામાં આવતું હતું કે અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બાઈડન અને ટ્રમ્પની ફરી એકવાર ટક્કર થઈ શકે છે. પાર્ટીમાં તેમની પ્રથમ જીત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સમર્થકોને સંબોધિત કર્યા હતા. જેમાં તેમણે કહ્યું હતું કે દુનિયાને ફરીથી યોગ્ય બનાવવી પડશે, અસ્તવ્યસ્ત દુનિયાને સુધારવી પડશે. આ દરમિયાન ટ્રમ્પે રાજકીય વિચારધારાઓને સાથે આવવા વિનંતી કરી છે.
બાઈડેન અમેરિકાના ઈતિહાસના સૌથી ખરાબ રાષ્ટ્રપતિ: ટ્રમ્પ
સંબોધન દરમિયાન, તેમણે કહ્યું કે બાઈડેન અમેરિકન ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી ખરાબ રાષ્ટ્રપતિ છે. આખી દુનિયા અમેરિકા પર હસી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે હવે સમય આવી ગયો છે કે આપણા દેશના લોકો સાથે આવે. ભલે તે ડેમોક્રેટ હોય કે રિપબ્લિકન. વિશ્વ માટે દરેકે એક થવું પડશે. ટ્રમ્પે કહ્યું કે જો તમામ વિચારધારાના લોકો સાથે આવે તો તે ખૂબ સારું રહેશે. મને લાગે છે કે તે ખૂબ જ ટૂંક સમયમાં થવાનું છે.
ચિંતા ન કરો, હું દુનિયામાં બધુ જ ઠીક કરી દઇશ: ટ્રમ્પ
ઈઝરાયલ-હમાસ યુદ્ધ પર બોલતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો હું અમેરિકાનો વર્તમાન રાષ્ટ્રપતિ હોત તો ઈઝરાયેલ પર હુમલોનો સવાલ જ ઊભો ન થતો. તેમણે કહ્યું કે જો તેઓ ચૂંટણી જીત્યા બાદ ફરી રાષ્ટ્રપતિ બને છે તો તેઓ આ સમસ્યાનો બહુ જલ્દી ઉકેલ લાવશે. તેણે એમ પણ કહ્યું કે જો હું રાષ્ટ્રપતિ હોત તો રશિયાને યુક્રેન પર હુમલો કરવાની હિંમત ન થઈ હોત. તેમણે કહ્યું કે યુક્રેનની હાલત ખૂબ જ ખરાબ છે. અમે ટૂંક સમયમાં જ દુનિયામાં બધુ ઠીક કરી દઇશું.
શું છે આયોવા કોકસ?
અમેરિકામાં બે મુખ્ય રાજકીય પક્ષો ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન છે. રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા દેશના દરેક રાજ્યમાં પક્ષના ઉમેદવારોને પસંદ કરવા માટે બંને પક્ષો આંતર-પક્ષીય મતદાન કરે છે, જેને કોકસ કહેવાય છે. તમામ રાજ્યોમાં મતદાન થયા બાદ મતદાનમાં વિજેતા ઉમેદવારને બંને પક્ષોના રાષ્ટ્રીય અધિવેશનમાં પક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવે છે.


