- ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાનને લઈને મોટું નિવેદન આપ્યું
- ટ્રમ્પે 2018માં ઈરાન સાથે થયેલ પરમાણુ કરાર તોડ્યો હતો
- ટ્રમ્પે દાવો કર્યો કે, ઈરાન પાસે હવે 300 બિલિયન ડોલર છે
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાનને લઈને મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે કહ્યું કે, ઈરાન સાથે તેમની કોઈ દુશ્મની નથી, પરંતુ તેઓ તેને પરમાણુ દેશ બનવા દેશે નહીં. રવિવારે ફોક્સ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું હતું કે, જો ઈરાન પરમાણુ હથિયાર બનાવવામાં સફળ થશે તો ઈઝરાયેલનો નાશ થઈ જશે.
ઈરાન પર નરમ વરણને લઈ ટ્રમ્પે બાઈડેનની કરી ટીકા
ટ્રમ્પ અને અન્ય રિપબ્લિકન નેતાઓએ ઈરાન પરના તેમના નરમ વલણ માટે બાઈડેનની ટીકા કરી છે અને કહ્યું કે, આ કારણથી ઈરાનને અમેરિકાના આર્થિક પ્રતિબંધોમાંથી બચવાનો મોકો મળી રહ્યો છે. સાથે જ રિપબ્લિકન્સ એવી પણ દલીલ કરે છે કે, આ ઉદારતાએ તેહરાનને હમાસને હથિયાર પૂરા પાડવા સક્ષમ બનાવ્યું, જેના કારણે 7 ઓક્ટોબરના રોજ ઇઝરાયલ પર હુમલો સરળ બનાવ્યો.
ટ્રમ્પે તોડ્યો હતો પરમાણુ કરાર
ટ્રમ્પે 2018માં ઈરાન સાથે થયેલ 2015ના JCPOA પરમાણુ કરારમાંથી અમેરિકાને પાછું ખેંચી લીધું હતું. તે સમયે ટ્રમ્પે આ સમજૂતીને ‘ખરાબ ડીલ’ ગણાવી હતી, જે ઈરાનના બેલેસ્ટિક મિસાઈલ કાર્યક્રમ અને મધ્ય પૂર્વમાં ઘાતક ગતિવિધિઓને રોકવામાં નિષ્ફળ રહી હતી. આ ડીલ તોડ્યા બાદ ટ્રમ્પે ઈરાન પર ઓઈલ એક્સપોર્ટ અને ઈન્ટરનેશનલ બેન્કિંગ જેવા ઘણા નવા પ્રતિબંધો લગાવ્યા હતા.
ચાર વર્ષ પહેલા ઈરાન આર્થિક રીતે નબળુ હતું
ટ્રમ્પે પોતાના કાર્યકાળને યાદ કરતા દાવો કર્યો હતો કે, ચાર વર્ષ પહેલા ઈરાન આર્થિક રીતે નબળું હતું અને તેની પાસે આતંકવાદી સંગઠનોને ટેકો આપવા અથવા ઈઝરાયલ પર હુમલો કરવા માટે પૈસાનો અભાવ હતો. તેમણે આરોપ લગાવ્યો કે, ઈરાન પાસે હવે 300 બિલિયન ડોલર છે. નોંધનીય છે કે, આ આંકડો વર્તમાન આંકડા કરતા ઘણો વધારે છે. જો કે, એ વાત સાચી છે કે ઈરાને છેલ્લા કેટલાક વર્ષોમાં તેની તેલની નિકાસ વધારી છે.
ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન ઈરાને કેટલું તેલ વેચ્યું?
ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન ઈરાન લગભગ 3 લાખ બેરલ તેલનું વેચાણ કરી રહ્યું હતું, જે તેની આવશ્યક ચીજવસ્તુઓની આયાત કરવા માટે ખૂબ ઓછું હતું. જો બાઈડેને સત્તા સંભાળ્યા બાદ ઈરાને તેની તેલની નિકાસમાં સતત વધારો કર્યો છે. ઈરાન ઈન્ટરનેશનલના અહેવાલ મુજબ હવે ઈરાન દરરોજ 1.5 મિલિયન બેરલ તેલની નિકાસ કરી રહ્યું છે. જેના કારણે તે વાર્ષિક લગભગ 30 બિલિયન ડોલર કમાય છે. આ આંકડો ટ્રમ્પના 300 બિલિયન ડોલરના આંકડાથી ઘણો દૂર છે.
ચીન ઈરાન પાસેથી તેલનો સૌથી મોટો ખરીદનાર
ચીન વર્ષોથી ઈરાની તેલનો સૌથી મોટો ખરીદનાર છે. ટ્રમ્પ અને બાઈડેન બન્ને વહીવટી તંત્રના પ્રતિબંધો ચીનને ઈરાન પાસેથી તેલ ખરીદવાથી રોકવામાં નિષ્ફળ રહ્યા છે. ગયા વર્ષે બાઈડેન વહીવટી તંત્રએ ઇરાક અને દક્ષિણ કોરિયામાં સ્થિર કરાયેલી ઈરાનની $16 બિલિયનની સંપત્તિને અનફ્રીઝ કરવાનો પણ નિર્ણય લીધો હતો.
ઈરાન તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો
ટ્રમ્પે ઈરાન તરફ પણ મિત્રતાનો હાથ લંબાવતા કહ્યું કે, “હું ઈરાન સાથે દુશ્મની કરવા માંગતો નથી, હું તેમની સાથે રહેવા માંગુ છું, પરંતુ તેમની પાસે પરમાણુ હથિયાર ન હોઈ શકે.” ટ્રમ્પે જૂનમાં પણ કહ્યું હતું કે, તેઓ ઈરાન સાથે દુશ્મની નથી ઈચ્છતા.
અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણી પર ઈરાનની ખાસ નજર
કથિત રીતે ઈરાનની સરકાર અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી પર ખાસ કરીને ટ્રમ્પની સંભવિત જીત પર ચાંપતી નજર રાખી રહી છે. ઈરાની નિરીક્ષકો સામાન્ય રીતે માને છે કે, હેરિસ પ્રશાસન તેહરાન માટે વધુ ફાયદાકારક રહેશે. કારણ કે તે પ્રતિબંધોને કડક રીતે લાગુ કરશે નહીં.


