- ભારતે રાંચી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 5 વિકેટથી હરાવીને સીરિઝમાં 3-1ની અજેય સરસાઈ મેળવી
- શુભમન ગિલે તેને રાહુલ દ્રવિડે આપેલા ગુરૂમંત્ર જણાવ્યો હતો
- આ મેચમાં વિજયના હીરો શુભમન ગિલ અને ધ્રુવ જુરેલ રહ્યાં
ભારતે રાંચી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 5 વિકેટથી હરાવીને સીરિઝમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. વિજયના હીરો શુભમન ગિલ અને ધ્રુવ જુરેલ હતા. જેણે બીજા દાવમાં યાદગાર પ્રદર્શન આપ્યું હતું. ગિલ અને ધ્રુવ જુરેલે 72 રનની અણનમ ભાગીદારી કરીને ભારતને રાંચી ટેસ્ટમાં વિજયની સીમા પાર કરવામાં મદદ કરી હતી. જેના આધારે ટીમ ઈન્ડિયાએ હવે પાંચ ટેસ્ટ મેચની સીરિઝમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે.
શુભમન ગિલે કરી પોસ્ટ
શુભમન ગિલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટના કેપ્શનમાં તેણે રાહુલ દ્રવિડે આપેલા ગુરૂમંત્ર જણાવ્યો હતો. ગિલે લખ્યું કે રાહુલ દ્રવિડે મને કહ્યું કે આ તું નહીં કરે તો કોણ કરશે? આજે નહીં કરે તો ક્યારે કરીશ?
બીજી ઇનિંગમાં ગિલ સુપરહિટ
શુભમન ગિલે પ્રથમ દાવમાં નિષ્ફળ રહ્યા બાદ આ સીરિઝની બીજી ઈનિંગમાં શાનદાર બેટિંગ કરી છે. તમને જણાવી દઈએ કે ગિલે છેલ્લી પાંચ પ્રથમ ઇનિંગ્સમાં 23, 34, 0 અને 38 રન બનાવ્યા છે. બીજી ઈનિંગમાં ગિલે 0, 104, 91, 52* રન બનાવ્યા છે. રાજકોટ ટેસ્ટની બીજી ઇનિંગમાં ગિલે 91 રન બનાવ્યા હતા. ગિલે રાંચી ટેસ્ટની બીજી ઇનિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને અણનમ 52 રન બનાવ્યા હતા. એક સમયે 3 નંબર પર બેટિંગ કરવા આવેલા ગિલની સામે ભારતની અડધી ટીમ 120 રને પેવેલિયનમાં પરત ફરી ગઈ હતી, પરંતુ તેણે વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલ સાથે મળીને ત્યાંથી ઈનિંગને સંભાળી અને તેને જીત સુધી લઈ ગઈ.
ગિલે વિશાખાપટ્ટનમમાં સદી ફટકારી હતી
વિશાખાપટ્ટનમની બીજી ઇનિંગમાં ગિલ મુશ્કેલ પરિસ્થિતિમાં બેટિંગ કરવા આવ્યો હતો અને ત્યાંથી તેણે સદી ફટકારી હતી. ગિલે વિશાખાપટ્ટનમની બીજી ઇનિંગમાં 104 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ત્યાર બાદ રાજકોટ ટેસ્ટની બીજી ઈનિંગમાં ગીલે ફરી એકવાર પોતાની બેટિંગથી સારૂ પ્રદર્શન કર્યું અને 91 રન બનાવ્યા. જો કે રાજકોટ ટેસ્ટમાં તે રનઆઉટ થયો હતો. જેના કારણે તે પોતાની સદી પૂરી કરી શક્યો નહોતો. હવે ફરી એકવાર રાંચી ટેસ્ટની બીજી ઇનિંગમાં ગિલે જોરદાર પ્રદર્શન કર્યું અને 52 રનની અણનમ ઇનિંગ રમીને ભારતને સીરિઝમાં 3-1ની અજેય સરસાઈ અપાવી.
આવી રહ્યાં મેચના હાલ
ચોથી ટેસ્ટની વાત કરીએ તો ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રૂટે આ સીરિઝની પ્રથમ સદી પ્રથમ દાવમાં ફટકારી હતી અને ઇંગ્લિશ ટીમને 353 રનના મોટા સ્કોર સુધી પહોંચાડી હતી. જવાબમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં ધ્રુવ જુરેલના 90 રન અને યશસ્વી જયસ્વાલના 73 રનની મદદથી 307 રન બનાવ્યા હતા. ત્યારબાદ બીજી ઇનિંગમાં 46 રનની લીડ મેળવવા છતાં ઇંગ્લિશ ટીમ બીજા દાવમાં 145 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.
તમને જણાવી દઈએ કે અશ્વિને બીજી ઈનિંગમાં 5 બેટ્સમેનોનો શિકાર કર્યો હતો. જ્યારે કુલદીપ યાદવે 4 વિકેટ ઝડપી હતી. રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ લીધી હતી. બીજી ઇનિંગમાં ભારતને 192 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેનો પીછો કરતા કેપ્ટન રોહિત શર્માએ 55 રનની કેપ્ટનશીપની ઇનિંગ રમી હતી. જ્યારે શુભમન ગિલ અને ધ્રુવ જુરેલે અનુક્રમે 52 અને 39 રનની અણનમ ઇનિંગ રમીને ભારતને જીત અપાવી હતી.


