- શિવમ જેમીન ઇન્ડસ્ટ્રીયલ ઝોનના માલિક આપશે પ્લોટ
- ભાયાસર-કાથરોટી નજીક ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં અપાશે પ્લોટ
- પુરસ્કારરૂપે અપાશે 251 વારના પ્લોટ આપવામાં આવશે
ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે ફાઇનલ મેચ રમાવાની છે. ત્યારે ભારતીય ટીમ માટે રાજકોટમાં ઇનામની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ટીમ વિજેતા બનશે તો ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ ઇનામમાં અપાશે. રાજકોટમાં ભારતીય ટીમ માટે ઇનામની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ભારતીય ટીમ વિજેતા બને તો તમામ 15 ખેલાડી અને કોચ સહિત 16 સભ્યને 10 લાખની કિંમતના 251 વારના ઇન્ડસ્ટ્રિયલ પ્લોટની ભેટ આપવામાં આવશે છે.
રાજકોટ તાલુકાના સરપંચ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ અને ગઢકા ગ્રામપંચાયતના પૂર્વ સરપંચ તેમજ જિલ્લા ભાજપ અગ્રણી કેયૂર ઢોલરિયા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ ટીમ ઇન્ડિયાના પ્લેયર્સ ભલે વિવિધ રાજ્યોમાંથી આવે છે, પણ બધાનું સરનામું વર્લ્ડ કપ જીતશે તો એક થશે.
આ અંગે કેયૂર ઢોલરિયાએ જણાવ્યું હતું કે હાલ ચાલી રહેલા વર્લ્ડ કપમાં ભારતીય ટીમે લીગ મેચ અને સેમિફાઇનલમાં સતત સારું પ્રદર્શન કરીને ટોચની ટીમોને હંફાવી છે. તા.19 નવેમ્બરના અમદાવાદ ખાતે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ સામે ફાઇનલમાં ટકરાવાની છે. ત્યારે લાખો ક્રિકેટપ્રેમીઓ ભારતીય ટીમનો જુસ્સો વધારવા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત રહેવાના છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ મેચમાં ઉપસ્થિત રહી ભારતીય ટીમનો જુસ્સો બુલંદ કરવાના છે.
તેમજ તેમણે જણાવ્યું કે, ફાઇનલ મેચમાં ભારતીય ટીમ વિજેતા બનશે જ એવા વિશ્વાસની સાથે વિશ્વવિજેતા ભારતીય ટીમના 15 અને કોચ સહિત 16 સભ્યને રાજકોટ ઈન્ડસ્ટ્રિયલ ઝોનના હબ ગણાતા લોઠડા ઈન્ડસ્ટ્રિયલ ઝોન વિસ્તારમાં ભાયાસર-કાથરોટા પાસે આધુનિક સુવિધા સાથે શિવમ જેમિન ઇન્ડસ્ટ્રિયલ ઝોનમાં 251 વારના પ્લોટ પુરસ્કાર રૂપે એનાયત કરવાનો નિર્ણય લીધો છે. ક્રિકેટ બોર્ડની મંજૂરી સહિતની તમામ જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ ભારતીય ટીમને આ ભેટ આપવામાં આવશે.


