- પશ્ચિમ બંગાળમાં માનવતાને શર્મશાર કરતી ઘટના
- રસ્તો ખરાબ હોવાનું કહી ન આવી એમ્બ્યુલન્સ
- ભાજપે સાધ્યું મમતા બેનર્જી સરકાર પર નિશાન
પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં માનવતા લજવતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહી એક ગામનો રસ્તો ખરાબ હોવાથી કોઈ વાહન કે એમ્બ્યુલન્સ ન મળતા મહિલા દર્દીના પરિવારના લોકો તેને ખાટલા પર રસ્સીથી બાંધીને હોસ્પિટલ લઈ જતાં જોવા મળી રહ્યા છે. પરંતુ આ મહિલાનું હોસ્પિટલ જતાં રસ્તામાં જ મોત થઈ ગયું.
આ હૃદયદ્રાવક દ્રશ્યો માલદાના બામનગોળા પોલીસ સ્ટેશન વિસ્તારના ગોવિંદપુર-મહેશપુર ગ્રામ પંચાયતના માલડાંગા ગામના છે. ઘટનાની જાણકારી મળતા જ વહીવટી તંત્રમાં હડકંપ મચી ગયો. ભાજપે આ ઘટનાને લઈને રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, ગામની 26 વર્ષીય મહિલા મમની રાય જે છેલ્લા કેટલાંક દિવસોથી બીમાર હતા. તેમની તબિયત વધુ બગાડતાં વિસ્તારના લોકોએ તેમને હોસ્પિટલ લઈ જવા માટેના પ્રયાસો કર્યા. તેમને ખાટલા પર સૂવાડીને હોસ્પિટલ લઈ જવા માટે પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ તેમને બચાવી ન શકાયા. આ ઘટનાથી રાજકીય વર્તુળોમાં હડકંપ મચી ગયો.
સૂત્રોનો દાવો છે કે જ્યારે મમનીની તબિયત બગાડવા લાગી ત્યારે તેના પરિવારે તેને હોસ્પિટલ લઈ જવા માટે ખાનગી વાહન અને એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો. પરંતુ, ગામનો રસ્તો અત્યંત ખરાબ હોવાનું બહાનું કરીને કોઈ જ દર્દીને હોસ્પિટલ લઈ જવા તૈયાર થયું નહિ. બાદમાં, ચિંતિત પરિવારે મમનીને હોસ્પિટલ લઈ જવા માટે ખાટલા પર દોરડું બાંધ્યું અને લાકડીના સહારે તેમને હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, હોસ્પિટલ પહોંચતા પહેલા જ રસ્તામાં જ તેમનું મોત થઈ ગયું.
આ ઘટનાને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ડૉ. સુકાંત મજમુદારે આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, આ પહેલી ઘટના નથી. રાજ્યના રસ્તાઓની હાલત ખરાબ છે. લોકો મરી રહ્યા છે અને તૃણમૂલ સરકાર દરેક મોરચે નિષ્ફળ ગઈ છે.


