- નિયમ મૂજબ તાલુકાથી મંજૂર કરેલુ બજેટ રજૂ કર્યું
- જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સામે બળાપો
- સમયસર કોપી પણ ન મળી હોવાનો રોષ સભ્યો દ્વારા વ્યક્ત કરાયો હતો
જિલ્લા પંચાયતના બજેટ સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા લેબર બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જોકે જિલ્લા પંચાયતના સભ્યો નિયામક સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. જેમાં લેબર બજેટ અંગે સભ્યો સાથે કોઈ ચર્ચા ન કરાઈ હોવાનું તથા સમયસર કોપી પણ ન મળી હોવાનો રોષ સભ્યો દ્વારા વ્યક્ત કરાયો હતો.
ગાંધીનગર જિલ્લા પંચાયતના બજેટની સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા વર્ષ 2024-25 માટેનું લેબર બજેટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં રજૂ કર્યું હતું. જેમાં જિલ્લા ચારેય તાલુકામાં 19.24 કરોડના ખર્ચે નાના-મોટા 1657 જેટલા કામોનું આયોજન હાથ ધરવામાં આવશે. લેબર બજેટ રજૂ થતાં જ ભાજપ અને કોંગ્રેસ બંને સભ્યો દ્વારા સાથે વિરોધ નોંધવામાં આવ્યો હતો. જેમાં સમગ્ર બજેટ બાબતે જિલ્લા પંચાયતના સભ્યો સાથે કોઈ ચર્ચા કરવામાં આવી નથી કે બજેટ બતાવવામાં પણ આવ્યું નથી. જેના જવાબમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દ્વારા જણાવાયું હતું કે, મનરેગા અંતર્ગત તાલુકા વિકાસ અધિકારી, સરપંચ, તલાટી કમ મંત્રી દ્વારા મળીને ગ્રામ પંચાયતનું લેબર બજેટ તૈયાર કર્યું છે. ચારેય તાલુકા પાસેથી લેબર બજેટની દરખાસ્ત તૈયાર કરી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં મંજૂર કરીને જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યું છે. જેને પગલે ભાજપના સભ્યો દ્વારા રોષ વ્યક્ત કરાયો હતો કે, જો જિલ્લા પંચાયતનો કોઈ રોલ જ ન હોય તો સામાન્ય સભામાં કેમ રજૂ કરો છે. સભ્યોનો રોષ જોઈને પરિસ્થિતિ
પામી ગયેલા ડીડીઓ દ્વારા હવે પછીથી સભ્યો સાથે ચર્ચા અને જરૂરી પ્રક્રિયા બાદ જ લેબર બજેટ રજૂ કરવા માટે સૂચના આપી હતી. જેને પગલે ભાજપના સભ્ય કલ્પેશ પટેલે આગામી સભાઓમાં લેબર બજેટ અંતર્ગત થયેલા કામો સ્ક્રીન પર બતાવીને પ્રેઝન્ટેશન કરાવવા માટે પણ રજૂઆત કરી હતી. જેને પગલે કોંગ્રેસના સભ્ય રશ્મીજીએ કહ્યું હતું કે, કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાથી ભાજપના સભ્યો દ્વારા પ્રેઝન્ટેશન કરાવવા માટે કહેવાય છે. જોકે કલ્પેશ પટેલે ખુલાસો કર્યો હતો કે ભ્રષ્ટાચાર નહીં પરંતુ જિલ્લા વિસ્તારોમાં થયેલા કામોથી તમામ સભ્યો અવગત થાય તે માટે પ્રેઝન્ટેશન જરૂરી છે.


