આવતીકાલથી એટલે કે 29 મે થી IPL 2025ના પ્લેઓફની મેચો શરૂ થવા જઈ રહી છે. ક્વોલિફાયર-1માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ પૂરા દમ સાથે મેદાનમાં ઉતરશે અને એક બીજાનો સામનો કરશે. જે પણ ટીમ આ મેચમાં સફળતા હાંસલ કરશે તે ટીમ સીધી ફાઇનલમાં રમવાની દાવેદાર બનશે. પરંતુ જો મેચ રદ કરવામાં આવે તો વિજેતા ટીમ એક ખાસ નિયમના આધારે નક્કી કરવામાં આવશે.
આ મેચ એક હાઇ-વોલ્ટેજ ડ્રામા
IPL 2025ની ક્વોલિફાયર-1 મેચ મોહાલીના મુલ્લાનપુર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાવા જઈ રહી છે. આ મેચ દર્શકો માટે એક હાઇ-વોલ્ટેજ ડ્રામા સમાન સાબિત થશે. ક્રિકેટ ચાહકો માટે આ બંને ટીમો ફાઇનલમાં પહોંચવા માટે પોતાનું પૂરું જોર લગાડશે. પરંતુ હવામાંન ને જોતાં એક પ્રશ્ન એ પણ થાય કે જો આ મેચમાં વરસાદ ત્રાટકે છે અથવા તો કોઈ કારણોસર મેચ રદ થાય છે, તો કઈ ટીમ ફાઇનલ માટે ક્વોલિફાય થશે.
જો ક્વોલિફાયર-૧ રદ થાય છે, તો ફાઇનલ કોણ રમશે?
IPL 2025માં ક્વોલિફાયર-1 મેચ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી અને આજ કારણથી જો આ મેચ વરસાદ, ખરાબ હવામાન અથવા અન્ય કોઈ કારણોસર રદ કરવામાં આવે છે, તો BCCIના નિયમ મુજબ લીગ સ્ટેજના પોઈન્ટ ટેબલમાં જે ટીમ ટોચ પર રહેલી હશે તેને ફાયદો થશે અને તેને ફાઇનલમાં ટિકિટ મળશે. પોઈન્ટ ટેબલ મુજબ પંજાબ લીગ સ્ટેજમાં પ્રથમ સ્થાને રહ્યું છે અને RCB બીજા સ્થાને રહ્યું છે. આનો અર્થ એ છે કે જો ક્વોલિફાયર-1 રદ થાય છે, તો પંજાબ ફાઇનલમાં પહોંચશે અને RCB ને ક્વોલિફાયર-2 રમવું પડશે.


