ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ સહિતના વાહનોને હોસ્પિટલ પહોંચવું મુશ્કેલ થશે : સંભવીત અઢી વર્ષ સુધી ચાલનાર કામથી વાહન ચાલકોના ખિસ્સાને ભાર પડશે
ગઇકાલે ટ્રાયલના નામે બેરીકેડ મુકી રસ્તો બંધ કરાતા વાહનોનો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો
જામનગર રોડ પર આવેલા જર્જરીત સાંઢીયા પુલને તોડી તેની જગ્યાએ નવા પુલનું નિર્માણ કરવામાં આવશે. ત્યારે ગઇકાલે પુલને તોડવા માટેની ટ્રાયલ યોજાઇ હતી. જે અંતર્ગત બે કલાક માટે બેરીકેડ મુકી પુલ બંધ કરવામાં આવતા આશરે ત્રણ લાખથી વધુ વાહન ચાલકો અટવાઇ પડયા હતા અને ટ્રાફિક જામમાં ફસાઇ ગયા હતા. આગામી દિવસોમાં સાંઢીયાપુલ ફરી બંધ કરી તેને પાડવાની કામગીરી કરવામાં આવશે તેના માટે તંત્ર દ્વારા સીટીમાં આવવા ડાયવર્ઝન કાઢવામાં આવ્યો છે. આ ડાયવર્ઝનથી ત્રણ લાખથી વધુ વાહન ચાલકોને દૈનિક ત્રણ થી ચાર કિ.મી.નો લાંબો આંટો મારવો પડશે. એમ્બ્યુલન્સ સહિતની ઇમરજન્સી સેવાઓ માટે તાત્કાલીક હોસ્પિટલે પહોંચવું મુશ્કેલ થઇ રહેશે.
સુત્રોમાંથી મળતી વિગત મુજબ સાંઢીયા પુલની કામગીરી સંભવીત અઢી વર્ષ સુધી ચાલશે આ પુલ ઉપર દૈનિક ત્રણથી ચાર લાખ વાહન ચાલકો અવર-જવર કરી રહ્યા છે. જેના માટે તંત્ર દ્વારા ભોમેશ્વર તરફથી ટુ વ્હીલર ચાલકો માટે ડાયવર્ઝન કાઢવામાં આવ્યો છે. તેમજ ફોર વ્હીલર અને થ્રી વ્હીલર માટે પોપટપરા, રેલનગર તરફથી રસ્તો કરી દેવામાં આવ્યો છે. આ રસ્તાઓ ત્રણથી ચાર કિ.મી. સુધી લાંબા હોવાથી વાહન ચાલકોને ત્રણ-ચાર કિ.મી.નો લાંબો રન કાપવો પડશે તેનાથી વાહન ચાલકોના ખિસ્સા ઉપર બોજ વધવાની સંભાવના જોવા મળી રહી છે. આ બોજ આશરે અઢી વર્ષ સુધી વાહન ચાલકોને સહન કરવો પડશે.
તાજેતરમાં પુલ બંધ કરવામાં આવતા ભોમેશ્વર તરફ ડાયવર્ઝન કાઢવામાં આવ્યો હતો. તે તરફ રસ્તો એકદમ સાંકળો છે અને નાની-મોટી માર્કેટો પણ આવેલી છે તેમજ ત્યાં રેલવે ફાટક પણ હોવાથી ગઇકાલે રસ્તો બંધ કરવામાં આવતા તમામ ટ્રાફિક તે રસ્તા ઉપર થયો હતો અને વાહન ચાલકો કલાકો સુધી તેમાં ફસાઇ ગયા હતા. આ દરમિયાન એક એમ્બયુલન્સ પણ આ ટ્રાફિકમાં ફસાઇ ગઇ હતી. મનપા દ્વારા ટ્રાયલના નામે લોકોને પારાવાર પીડા આપવામાં આવી હોવાનું પણ ગુસ્સે ભરાયેલા લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.
સાત વિસ્તારના લોકોને મુશ્કેલી પડશે
સાંઢીયાપુલ પર જામનગરથી મોટા પ્રમાણમાં વાહન ચાલકો આવતા હોય છે તેમજ જામનગર રોડ પર આવેલા ભોમેશ્વર, પુનિતનગર, બજરંગવાડી, રાજીવનગર, શીતલપાર્ક, મોચીનગર, રેલનગર, ગાંધી સોસાયટી સહિતના વિસ્તારોના વાહન ચાલકો સીટીમાં આવવા માટે સાંઢીયાપુલનો ઉપયોગ કરે છે પરંતુ આગામી દિવસોમાં સાંઢીયાપુલનું કામ શરૂ થતાં ઉપરોકત વિસ્તારના વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડશે.
પોલીસ કમિશનરના જાહેરનામાની જોવાતી રાહ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાંઢીયાપુલ પર બેરીકેડ મુકી પુલ પર વાહનનોની અવર-જવર બંધ કરવામાં આવી હતી અને તેને ટ્રાયલનું નામ આપી દેવામાં આવ્યું હતું. જો કે સુત્રોના જણાવ્યા મુજબ પોલીસ કમિશનર દ્વારા હજુ જાહેરનામુ પ્રસિધ્ધ નહી કરાતા મહાનગરપાલિકાએ બેરીકેડ હટાવી લીધા હતા. પુલ બંધ કરવા માટે પોલીસ કમિશનરના જાહેરનામાની રાહ જોવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.


