– ઈજિપ્ત તથા લેબેનોન આ યુદ્ધમાં જોડાશે તો સ્થિતિ સમસ્યારૂપ બની શકે છે
– ચૂંટણીને ધ્યાનમાં રાખતા ઘરઆંગણે ભાવ જળવાઈ રહેવા વકી
Updated: Oct 12th, 2023
મુંબઈ : ઈઝરાયલ તથા હમાસ વચ્ચેનું યુદ્ધ વધુ વિસ્તરશે તો ક્રુડ તેલના ભાવમાં ઉછાળો આવવાની શકયતા છે. સપ્ટેમ્બરથી ક્રુડ તેલના વૈશ્વિક ભાવમાં વોલેટિલિટી જોવા મળી રહી છે, ત્યારે અન્ય દેશો જેમ કે ઈજિપ્ત તથા લેબેનોન આ યુદ્ધમાં જોડાશે તો સ્થિતિ સમશ્યારૂપ બની શકે છે.
યુદ્ધ વધુ વિસ્તરવાની સ્થિતિમાં ક્રુડ તેલના ભાવ પ્રતિ બેરલ ૯૫થી ૧૦૦ ડોલર સુધી જઈ શકે છે, એમ આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝના રિસર્ચ એનાલિસ્ટે જણાવ્યું હતું.
ઈઝરાયલને મદદરૂપ થવા અમેરિકાએ યુદ્ધ સામગ્રી રવાના કરી છે અને ઈરાન હમાસને મદદ કરી રહ્યું હોવાના અહેવાલ બાદ સંઘર્ષ અન્ય વિસ્તારો સુધી વિસ્તરશે તેવી ચિંતા ઊભી થઈ છે.
બીજી બાજુ એચડીએફસી બેન્કના એક ઈકોનોમિસ્ટે યુદ્ધ સીમિત રહેવાની ધારણાં મૂકી છે. ભાવમાં કોઈપણ વધારો સરકાર તથા ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ગ્રહણ કરી રહી છે. પ્રતિ બેરલ ૮૫થી ૯૫ ડોલરનો ભાવ ખાસ પડકારરૂપ નહીં બને એવો તેમણે મત વ્યકત કર્યો હતો.
ભારતમાં વર્તમાન તથા આગામી વર્ષ ચૂંટણીનું હોવાથી ઘરઆંગણે ક્રુડ તેલના ભાવમાં સરકાર ખાસ ઉછાળો નહીં આવવા દે તેવી પણ અપેક્ષા વ્યકત કરવામાં આવી રહી છે.
દરમિયાન મૂડી’સના એક રિપોર્ટ પ્રમાણે, ક્રુડ તેલ પ્રતિ બેરલ ૧૦૦ ડોલર પહોંચશે તો પણ ભારત સામે કોઈ મોટું જોખમ નહીં ઊભું થાય . રિફાઈનિંગને જ્યાંસુધી સુરક્ષિત રખાશે ત્યાં સુધી ક્રુડ તેલના ઊંચા ભાવની કંપનીઓ પર ખાસ અસર જોવા નહીં મળે.