એકવાર રામકૃષ્ણ પરમહંસ પોતાના શિષ્યોની સાથે નૌકાવિહાર માટે નીકળ્યા. નૌકા હજુ થોડી જ આગળ વધી કે એક શિષ્યએ કહ્યું, `ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે, જ્યારે જ્યારે પૃથ્વી પર પાપનો ભાર અસહ્ય બની જાય છે ત્યારે ત્યારે હું ધર્મના ઉત્થાન તથા પાપના નાશ માટે અવતાર લઉં છું.’ આજે તો પૃથ્વી પાપની પરાકાષ્ઠા પર છે છતાં પણ ભગવાન અવતાર લેવાનું તો ઠીક, પરંતુ દર્શન પણ આપતા નથી.
હું તો ઈશ્વરને મનથી ભજું છું. અનેક પૂજા-પ્રાર્થના અને પ્રયત્નો કરવા છતાં પણ મને તેમનાં દર્શન ન થયાં. હું તો તેમને શોધી રહ્યો છું, પરંતુ ઈશ્વર હોય તો દર્શન આપે ને!
રામકૃષ્ણએ આ વાત સાંભળીને તરત જ બીજા શિષ્યોને કહ્યું, કે તેઓ પ્રશ્નકર્તાને નદીમાં ધકેલી દે.
ગુરુજીને આવો ઉપદેશ સાંભળીને શિષ્યગણ પહેલાં તો વિચારમાં પડી ગયો, પરંતુ તેમણે પોતાના ગુરુના આદેશનું પાલન કર્યું. પશ્ન કરનાર શિષ્ય તરવાનું જાણતો ન હતો. તે જીવ બચાવવા માટે નદીના પાણી પર હાથ-પગ મારવા લાગ્યો. ઘણા પ્રયત્નોને અંતે તે નૌકાની નજીક આવવામાં સફળ થયો. ત્યારે રામકૃષ્ણએ શિષ્યોને કહ્યું, કે તેઓ તેને નૌકા પર ચઢવામાં મદદ કરે. બીજા શિષ્યોએ પાણીમાંથી તેને નૌકા પર ખેંચી લીધો અને તેને જીવ બચી ગયો. તે શિષ્ય થોડો ક્રોધના કારણે અને થોડો થાક તથા ડરના કારણે બહુ જ હાંફી રહ્યો હતો.
જ્યારે તેનો શ્વાસ નીચે બેઠો અને ગુસ્સો શાંત થયો ત્યારે રામકૃષ્ણએ હસીને કહ્યું, `પુત્ર, ક્રોધ ન કરીશ. હું તો માત્ર તારા પ્રશ્નનો ઉત્તર જ આપી રહ્યો હતો. તને તરતાં આવડતું ન હતું છતાં પણ તેં પોતાનો જીવ બચાવવા અઢળક પ્રયત્નો કર્યા અને તેથી તું બચી શક્યો. શું તેં ક્યારેય ઈશ્વરને મેળવવા, તેમનાં દર્શન કરવા આ રીતે મનથી પ્રયત્ન કર્યો છે? પહેલાં યોગ્ય રીતે પ્રયત્ન કરો, પછી તેની સફળતા કે અસફળતાનો નિષ્કર્ષ કાઢો.’
હવે શિષ્યને પોતાનો ઉત્તર મળી ગયો હતો. તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ. શિષ્યને ખબર પડી ગઇ કે એણે પોતાના ગુરુ ઉપર ખોટી શંકા કરી છે. શિષ્યની ઈશ્વરની શોધ પૂર્ણ થઈ. તેણે પોતાના ગુરુ રામકૃષ્ણ પાસે માફી માગી અને એમના માર્ગદર્શન પ્રમાણે જ્ઞાન પ્રાપ્તીના પ્રયત્નોમાં લાગી ગયો.