- પોલીસકર્મીઓ સામેની હેલ્પ લાઈન શરૂ થઈ: સરકાર
- પોલીસ તોડકાંડ મુદે 14449 હેલ્પ લાઈન નંબર શરૂ
- હેલ્પ લાઇન નંબરની જાગૃતતા લાવવા માટે સરકારે કાર્ય શરૂ કર્યું
રાજ્યમાં પોલીસ સામે ફરિયાદોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેના મામલે હવે પોલીસકર્મીઓ સામેની હેલ્પ લાઈન શરૂ કરવામાં આવી છે. આ માટે રાજ્ય સરકાર તરફથી હાઇકોર્ટમાં જણાવ્યું કે, પોલીસ સામેની ફરિયાદ માટે 14449 હેલ્પ લાઈન નંબર કાર્યરત થયો છે. જેના દ્વારા પોલીસ અધિકારીઓ વિરુદ્ધ સીધી ફરિયાદ થઈ શકશે.
કેવી રીતે કામ કરશે આ નંબર?
આ અંગે આજે સરકાર તરફથી આજથી પોલીસ હેલ્પ લાઇન નંબર શરૂ થયો છે. અગાઉની સુનાવણીમાં પોલીસ સામે ફરિયાદ કરવા માટે સરકારે 14449 નંબર સરકારે જણાવ્યો હતો. જે હવે એક્ટિવેટ થઈ ચૂક્યો છે. પોલીસ સામે ફરિયાદ કરતા જ ડાયરેક્ટ DG કંટ્રોલરૂમમાં ફોન જશે. જેના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. જ્યાંથી જે-તે શહેરના પોલીસ કમિશનર અથવા જે-તે જિલ્લાના SPને ઇ-મેઇલ દ્વારા ફરિયાદ મોકલવામાં આવશે.
આ ઉપરાંત કોર્ટમાં સરકારે જણાવ્યું કે, તોડ કરનાર આરોપીઓ સામે પગલાંની વાત છે તો તેમના વિરુદ્ધ ચાર્જશીટ ફાઈલ થઈ ચૂકી છે અને શિસ્ત સંબંધી પગલાં લેવાયા છે. જ્યારે રાજ્યમાં ભ્રષ્ટાચાર નિવારણ માટે એન્ટી કરપ્શન બ્યુરોની હેલ્પલાઈન 1064 અને મહિલાઓની મદદ માટે વુમન હેલ્પલાઈન 1091 પણ જાણીતા છે.
શું બની હતી ઘટના
નોંધનીય છે કે, અમદાવાદમાં ઓગણજ પાસે પોલીસે એરપોર્ટથી પરત ફરી રહેલાં દંપતી સાથે કરેલા તોડકાંડના કેસમાં ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લઈને સુઓમોટો સંજ્ઞાન લીધું હતું, જેની સુનાવણી ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માયીની બેંચ સમક્ષ ચાલી રહી છે. એ મુદ્દે આજે હાઇકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટના ગત આદેશ મુજબ રાજ્ય સરકારે આજે હાઇકોર્ટમાં એફિડેવિટ પર પોલીસ સામે ફરિયાદ નોંધવા માટે હેલ્પલાઇન 14449 નંબર આપ્યો હતો.જે હવે શરૂ કરવામાં આવ્યો છે.


