અમેરિકાના રાષ્ટ્રપતિ પદે ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લેવાના છે. શપથ ગ્રહણ સમારોહ પહેલા તેઓ પોતાના એજન્ડાને લઇને સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. શાંતિની વાત કરનારા ટ્રમ્પે હમાસને વોર્નિંગ આપી છે કે જો શપથ ગ્રહણ પહેલા હમાસએ અમેરિકી બંધકોને ન છોડ્યા તો તેમના માટે મિડલ ઇસ્ટમાં નરકના તમામ દરવાજા ખોલી કાઢવામાં આવશે. તેમણે કહ્યું કે જો 20 જાન્યુઆરી પહેલા બંધકોને છોડવામાં નહીં આવે તો બધું બરબાદ થઈ જશે. “બધું ખરાબ થશે,” ટ્રમ્પે ફ્લોરિડાના માર-એ-લાગોમાં એક કોન્ફરન્સમાં આ વાત કહી હતી.
બંધકોને મુક્ત નહી કરે તો…
જો કે ટ્રમ્પે એ એમ નથી કહ્યું કે જો હમાસ તેમના શપથ સુધી બંધકોને મુક્ત નહીં કરે તો તેઓ કેવા પ્રકારની કાર્યવાહી કરશે. માર-એ-લાગો ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ટ્રમ્પે કહ્યું કે જો બંધકોને છોડવામાં નહીં આવે તો નરકના તમામ દરવાજા ખોલી દેવામાં આવશે. વધુમાં કહ્યું કે હું વાટાઘાટોની પ્રક્રિયામાં વિક્ષેપ પાડવા માંગતો નથી પરંતુ જો બંધકોને છોડવામાં નહીં આવે તો મધ્ય પૂર્વમાં નરકના તમામ દરવાજા ખોલી કાઢવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસે કેટલાક અમેરિકન નાગરિકો સહિત 100થી વધુ લોકોને બંધક બનાવ્યા હતા.
તેમણે વધુમાં જણાવ્યુ કે આ હમાસ માટે સારું નહીં હોય અને પ્રમાણિકપણે કહું તો કોઈના માટે સારું નહીં હોય. બધું બરબાદ થઈ જશે. મારે બીજું કંઈ કહેવાની જરૂર નથી, પણ બસ. તેઓએ બંધકોને ઘણા સમય પહેલા જ છોડી દેવો જોઈતા હતા.
ટ્રમ્પે શું કહ્યું?
તમને જણાવી દઈએ કે માર-એ-લાગો રિસોર્ટમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કેનેડાથી મેક્સિકો, ગ્રીનલેન્ડથી પનામા સુધીના તમામ મુદ્દાઓ પર પોતાની યોજનાઓ વિશે ખુલીને વાત કરી હતી. જ્યારે ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર પ્રતિબંધો લાદવાના તેમના આહ્વાનને પુનરાવર્તિત કરી. તેમજ ઇઝરાયેલી નાગરિકોને બંધક બનાવવાને લઇને હમાસને પણ કડક ચેતવણી આપી.
આ દરમિયાન ટ્રમ્પે પનામા નહેર અને ગ્રીનલેન્ડ પર સૈન્ય કાર્યવાહીનો ઇનકાર કર્યો હોવાની પણ વાત કરી હોવાનું સામે આવ્યું હતું. ટ્રમ્પે કહ્યું કે તેઓ ગ્રીનલેન્ડને બદલે ડેનમાર્ક પર ટેરિફ લાદવાનું વિચારશે. આ ઉપરાંત ટ્રમ્પે ગલ્ફ ઓફ મેક્સિકોનું નામ બદલીને ગલ્ફ ઓફ અમેરિકા કરવાની વાત પણ કરી હતી. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ગલ્ફ ઓફ અમેરિકા આટલું સુંદર નામ છે અને તે ખૂબ જ યોગ્ય છે. મેક્સિકો કાર્ટેલ દ્વારા ચલાવવામાં આવે છે. તે ખૂબ જ જોખમી સ્થળ બની ગયું છે. અમેરિકાએ મેક્સિકોમાં મોટું રોકાણ કર્યું છે અને હવે આપણે જવાબદારી લેવી પડશે.


