- વિયેતનામે ભારત-અમેરિકા સાથે દોસ્તી વધારી
- જાપાન સાથે પણ વિયેતનામે મિત્રતા વધારી
- જિનપિંગ વિયેતનામના પ્રવાસે જઈ પહોંચ્યા
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વિયેતનામના પ્રવાસે છે. આ મુલાકાત દરમિયાન શી જિનપિંગ કોમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરી ગુયેન ફૂ ટ્રોંગ, પ્રમુખ વો વેન થુઓંગ અને વડાપ્રધાન ફામ મિન્હ ચિન્હને મળશે. દક્ષિણ ચીન સાગરમાં ચીન પોતાના ઘમંડથી હટી રહ્યું નથી. ચીનના વર્ચસ્વને પડકારવા માટે વિયેતનામે જાપાન અને અમેરિકા જેવા દેશો સાથે મિત્રતા વધારવાનું શરૂ કર્યું છે.
ચીન વિરોધી ગણાતા ‘ક્વાડ’ના સંગઠનમાં જાપાન અને અમેરિકા પહેલેથી જ છે. આવી સ્થિતિમાં વિયેતનામ મોટા દેશો સાથે મિત્રતા ગાઢ કરીને ચીનને મજબૂત સંદેશ આપવા માંગે છે. વિયેતનામના આ પગલાથી ચીન ડરી ગયું છે. ડેમેજ કંટ્રોલ માટે ચીન વિયેતનામ સાથે પોતાના સંબંધો મજબૂત કરીને વિશ્વાસ મેળવવા માંગે છે. આ પ્રયાસના કારણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પોતાના પાડોશી દેશ વિયેતનામના પ્રવાસે છે. 2017 પછી જિનપિંગની આ પ્રથમ વિયેતનામ મુલાકાત હશે.
વિયેતનામના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ મુલાકાત દરમિયાન શી જિનપિંગ કમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ ન્ગ્યુએન ફૂ ટ્રોંગ, પ્રમુખ વો વેન થુઓંગ અને વડા પ્રધાન ફામ મિન્હ ચિન્હને મળશે. આ પશ્ચિમના દેશો સાથે વિયેતનામના વધતા સંબંધો અંગે બેઇજિંગની ચિંતાઓને પ્રતિબિંબિત કરે છે, આવું સિંગાપોરમાં ISEAS-યોસોફ ઇશાક ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરતા નગ્યુએન ખાક ગિઆંગે જણાવ્યું હતું. તેમને ચિંતા છે કે વિયેતનામ ચીન વિરોધી ગઠબંધનમાં સામેલ થઈ શકે છે.
દક્ષિણપૂર્વ એશિયામાં વિયેતનામની શક્તિ વધી રહી છે
દક્ષિણપૂર્વ એશિયામાં સુરક્ષા અને અર્થતંત્રમાં વિયેતનામની વ્યૂહાત્મક ભૂમિકા વધી રહી છે. વિયેતનામ વૈચારિક રીતે ચીનની નજીક છે. તેના પર ચીન સાથે મજબૂત સંબંધો ધરાવતી કમ્યુનિસ્ટ પાર્ટીનું શાસન છે, પરંતુ તાજેતરના મહિનાઓમાં વિયેતનામ પશ્ચિમી દેશો સાથે ગાઢ સંબંધોનો સંકેત આપે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને સપ્ટેમ્બરમાં વિયેતનામની મુલાકાત લીધી હતી અને આ વાતથી ચીનના પેટમાં ચૂંક ઉપડી છે. મહત્વનું છે કે વિયેતનામે ભારતને પણ પોતાનું મિત્ર બનાવ્યું છે અને ભારત પાસેથી બ્રહ્મોસ જેવી મિસાઈલો ખરીદવામાં પણ રસ દાખવ્યો હતો. મહત્વનું છે કે જે દરિયાઈ વિસ્તારમાં ચીન પોતાનો દાવો કરે છે ત્યાં વિયેતનામ અને ભારતની સામૂહિક ભાગીદારીથી અનેક ઓઈલ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. આ ઉપરાંત ભારતે પહેલીવાર પોતાની નૌસેનાનું એક જહાજ કોઈ દેશને ગિફ્ટ આપ્યું છે. આ યુદ્ધજહાજ INS કિરપાણ છે જે વિયેતનામને ગિફ્ટ કરવામાં આવ્યું છે.
વિયેતનામની જાપાન સાથે નિકટતા વધી
આ સિવાય જાપાન અને વિયેતનામે નવેમ્બરમાં ‘ફ્રી એન્ડ ઓપન ઈન્ડો-પેસિફિક’નો ઉલ્લેખ કરીને તેમના આર્થિક અને સુરક્ષા સંબંધોને મજબૂત બનાવ્યા હતા અને જાપાનને પણ ચીન અને અમેરિકાની સમાન રાજદ્વારી દરજ્જો આપવામાં આવ્યો હતો. જાપાન વિયેતનામ સાથે વધુને વધુ ગાઢ સંબંધો વિકસાવી રહ્યું છે અને તેનો ત્રીજો સૌથી મોટો વિદેશી રોકાણકાર છે. વિયેતનામ એવા કેટલાક દેશોમાં સામેલ છે કે જેઓ દક્ષિણ ચીન સાગરમાં ચીનના દાવાઓ અને હરકતોને લઈને ચીન સાથે વિવાદ ધરાવે છે.
દક્ષિણ ચીન સાગરનો દક્ષિણ ભાગ ચીનની મુખ્ય ભૂમિને સ્પર્શે છે, જ્યારે તેના દક્ષિણ-પૂર્વીય ભાગ પર તાઈવાન દાવો કરે છે. દક્ષિણ ચીન સાગરનો પૂર્વી કિનારો વિયેતનામ અને કંબોડિયાની સરહદને સ્પર્શે છે. પશ્ચિમમાં ફિલિપાઇન્સ છે, જ્યારે દક્ષિણ ચીન સમુદ્રના ઉત્તરીય વિસ્તારમાં ઇન્ડોનેશિયાના બાંકા અને બાંટુંગ ટાપુઓ છે. પરંતુ ચીન આ સમગ્ર સમુદ્ર પર પોતાનો દાવો કરી રહ્યું છે અને તેનાથી અનેક દેશો સાથે તેનો વિવાદ વધ્યો છે.


