- આ વર્ષે 5 નવેમ્બરમાં યોજાશે અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી
- રિપબ્લિકન અને ડેમોક્રેટ્સનો 5 નવેમ્બરે યોજાનારી ચૂંટણી માટે પ્રચાર શરૂ
- ટ્રમ્પ પોતાના પ્રતિસ્પર્ધીઓ પર સતત કરી રહ્યા છે વાકપ્રહાર
અમેરિકામાં આ વર્ષે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીઓ થવાની છે જેને લઈને આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતીય મૂળના વિવેક રમાસ્વામી વચ્ચે પણ રાજકીય ઘમાસાણ તેજ થઈ ગયું છે. જ્યાં, એક તરફ ટ્રમ્પ પોતાના પ્રતિદ્વંદ્વીની જાહેરમાં ટીકા કરી રહ્યા છે તો રામાસ્વામીએ આ પગલાંને તેમના સલાહકારોનું દુર્ભાગ્યપૂર્ણ પગલું ગણાવ્યું છે. આ દરમિયાન પૂર્વ રાષ્ટ્રપરિના ટોચના સલાહકારે ઉપરાષ્ટ્રપતિ પદ માટે રામાસ્વામીના નામની સંભાવનાઓ પર પૂર્ણ વિરામ મૂકી દેતા નિવેદન આપ્યું છે.
જણાવી દઈએ કે, સોમવારે એટલે કે આજથી આયોવા કોકસ શરૂ થવા જઈ રહ્યું છે. પ્રક્રિયા ઔપચારિક રીતે અહીંથી શરૂ થાય છે, જેમાં રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ 5 નવેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે તેમના ઉમેદવારોની પસંદગી કરે છે.
ટ્રમ્પના ટોચના સલાહકાર જેસન મિલરે કહ્યું કે મતદારો 38 વર્ષીય બાયોટેક ઉદ્યોગસાહસિક રામાસ્વામીને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ધ્યાનમાં લેવાનો ઇનકાર કરી શકે છે. તેમણે કહ્યું કે આવું કહેવામાં કંઈ ખોટું નથી. એ વાત એકદમ સાચી છે કે જો ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનશે તો રામાસ્વામી ઉપરાષ્ટ્રપતિ નહીં બને.
હું ટ્રમ્પની વિરુદ્ધ નથી: રામાસ્વામી
આયોવા કોકસ પહેલા, ટ્રમ્પે રામાસ્વામી પર કપટી પ્રચાર યુક્તિઓનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો. તો, ભારતીય મૂળના નેતા રામાસ્વામીનું કહેવું છે કે તેઓ ટ્રમ્પની ટીકા નહીં કરે. તેણે કહ્યું, ‘હું ટ્રમ્પનો વિરોધી નથી. તેમનું નિવેદન તેમના સલાહકારોનું કમનસીબ પગલું છે. તેઓ એક મહાન રાષ્ટ્રપતિ રહ્યા છે.
રામાસ્વામીએ કહ્યું હતું કે ટ્રમ્પ તેમના કડક કાયદાકીય અવરોધો અને રાજકીય વિરોધને કારણે સામાન્ય ચૂંટણી જીતી શકશે નહીં. તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘હું મારા અભિયાન પ્રત્યે અન્ય કોઈના વલણ અંગે વાત ન કરી શકું. હું એટલું જ કહીશ કે આપણે આ રેસમાં પાછળ નથી. માત્ર થોડા ધીમી પ્રગતિ કરી રહ્યા છીએ.
રામાસ્વામીએ વધુમાં કહ્યું હતું કે, ‘ડોનાલ્ડ ટ્રમ્પ 21મી સદીના મહાન રાષ્ટ્રપતિ હતા અને હું આ આરોપના જવાબમાં તેમની ટીકા નથી કરવા માંગતો. હું આયોવામાં અહીં 390 થી વધુ કાર્યક્રમોમાં હજારો લોકોને મળી ચૂક્યો છું અને તેઓ ખૂબ જ ચિંતિત છે, અને હું પણ છું કે આ સિસ્ટમ ટ્રમ્પને ફરી ક્યારેય વ્હાઇટ હાઉસની આસપાસ પણ ફરકવા નહીં દે.’


