- છેલ્લા થોડાં દિવસોથી એરપોર્ટ પર જોવા મળી રહી છે ભારે ભીડ
- ફ્લાઈટ માટે મુસાફરોએ 2 કલાક પહેલા પહોંચવુ પડશે
- તહેવાર, વર્લ્ડકપ ફાઈનલને લઈને મુસાફરોની સંખ્યામાં થશે વધારો
તહેવારોની સાથે સાથે લોકો ફરવા માટે પણ બહારગામ ફરવા માટે જતાં હોય છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર ભારે ભીડ જોવા મળી રહી છે. જેના માટે અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરોને ફ્લાઇટના સમય કરતાં વહેલા પહોંચવાની એડવાઇઝરી જાહેર કરાઇ છે.
નોંધનીય છેકે, હાલના સમયમાં અમદાવાદ એરપોર્ટ પર ભારે અવર-જવર જોવા મળી રહી છે. એક તરફ દિવાળીના કારણે લોકો ફરવા માટે બહારગામ તેમજ દેશ-વિદેશના પ્રવાસે જતાં હોય છે તો બીજી તરફ આગામી દિવોસમાં 19 નવેમ્બરે અમદાવાદ સ્ટેડિયમમાં વર્લ્ડકપ ફાઇનલ મેચને લઈ મુસાફરોનો સંખ્યા વધી શકે છે.
આ તમામ સ્થિતિને જોતાં અમદાવાદ એરપોર્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મુસાફરો સબંધિત એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. આ એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું છેકે, તહેવારો અને વર્લ્ડકપ ફાઇનલ મેચને લઈ એરપોર્ટમાં મુસાફરોનો ભારે ઘસારો જોવા મળી શકે છે. જેને લઈ મુસાફરો સિક્યુરિટી સહિતની ઔપચારિકતા સરળતાથી પૂર્ણ કરી શકે તે માટે ફ્લાઇટના સમયથી વહેલા આવવા અનુરોધ છે.
અમદાવાદ ઇન્ટરનેશન એરપોર્ટ ખાતે દરરોજ હજારોની સંખ્યામાં મુસાફરોની અવર-જવર હોય છે. તેમજ તહેવારોમાં એરપોર્ટ પરથી ડોમેસ્ટિક અને ઈન્ટર નેશનલ ફ્લાઈટમાં પણ ધસારો જોવા મળતો હોય છે. આ સાથે જ વર્લ્ડ કપની પણ ફાઇનલ મેચ અમદાવાદમાં રમાવા જઇ રહી છે તેના કારણે પણ VIP મોમેન્ટ જોવા મળી શકે છે. આ તમામ સ્થિતિમાં એરપોર્ટ દ્વારા મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે વહેલા આવવા જણાવ્યું છે.


