- ખાંડ અને મિલ્ક પાવડરનો કરો યૂઝ
- ઘરે બનાવો મિલ્ક બરફી
- 2 વસ્તુથી ઝડપથી બનશે શુદ્ધ મિઠાઈ
આજે દેશભરમાં કાળી ચૌદશની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સમયે જો તમે હજુ પણ દિવાળીની તૈયારીઓ માટે તૈયાર નથી તો તમારે કેટલીક ખાસ તૈયારીઓ કરી લેવાની જરૂર છે. જો તમારે મિઠાઈ લાવવાની બાકી છે તો હવે માર્કેટમાંથી મિઠાઈ ખરીદવાનો મતલબ નથી. ભેળસેળ વાળી મિઠાઈ લાવવા કરતા તમે ઘરે જ સરળતાથી બરફી બનાવી લો તે સારું રહેશે. આ ઉપરાંત તે ટેસ્ટી અને હેલ્ધી પણ રહેશે. તો જાણો ફક્ત 2 વસ્તુની મદદથી કઈ રીતે ઘરે બનાવશો મિલ્ક બરફી.
સામગ્રી
- 1/2 કપ ખાંડ
- 1/2 કપ પાણી
- 11/5 કપ મિલ્ક પાવડર
- 2 ચમચી ઘી
રીત
1/2 કપ ખાંડ અને 1/2 કપ પાણીને મિક્સ કરો અને હાઈ ફ્લેમ પર એક તારની ચાસણી બનાવો. ચાસણી તૈયાર થાય ત્યારે ફ્લેમ ધીમી કરો. હવે તેમાં 11/5 કપ મિલ્ક પાવડર મિક્સ કરી લો. તેને સતત હલાવતા રહો. બધુ મિશ્રણ સારી રીતે મિક્સ કરી લો. મિશ્રણ થોડું ઘટ્ટ થવા દો. હવે તેમાં 2 ચમચી ઘી મિક્સ કરો. પેનમાં મિશ્રણ અલગ થવા લાગે ત્યાં સુધી તેને ચલાવો. હવે એક ટ્રે લો અને તેમાં બટર પેપર મૂકી તેને ગ્રીસ કરી લો. બટર પેપર વિના પણ ટ્રેને ગ્રીસ કરીને તેનો ઉપયોગ કરી શકો છો. મિશ્રણ થોડું વધુ ઘટ્ટ બને ત્યાં સુધી લગભગ તેને 2 મિનિટ સુધી હલાવો. હવે ગેસ બંધ કરો અને તેને હલાવતા રહો. જેથી મિશ્રણ ઠંડું થઈ જાય. તમારે જેટલું જાડું જોઈએ તે પ્રમાણે તેને પ્લેટમાં પાથરો. હવે તેને રૂમ ટેમ્પ્રેચર પર 10 મિનિટ રાખો અને પછી ફ્રીઝમાં મૂકી સેટ થવા દો. અડધો કલાક બાદ તેને કાઢો અને તેની પર વરખ લગાવો. તમે ઈચ્છો તો ઉપરથી ડ્રાયફ્રૂટ્સ પણ ભભરાવીને ચોંટાડી શકો છો. હવે તેને મનપસંદ શેપમાં કટ કરી લો. તૈયાર છે તમારી મિલ્ક બરફી.