મનુષ્યાણાં સહસ્ત્રેષુ કશ્ચિદ્તતિ સિદ્ધયે
યતતામપિ સિદ્ધાનાં કશ્ચિન્માં વેત્તિતત્વત: I 7/3 II
અર્થ : હજારો મનુષ્યોમાંથી કોઇક જ મને પામવાનો યત્ન કરે છે. મારા માટે યત્ન કરવાવાળા સિદ્ધોમાંથી માંડ એકાદ મને સત્ય સ્વરૂપમાં ઓળખી શકે છે.
ભગવાન અહીંયાં કહે છે કે જગતમાંના લાખો લોકોમાંથી કોઇક જ તેમને ઓળખવાનો પ્રયત્ન કરે છે. બહુ જ સાચી વાત કહી છે. સમગ્ર જીવોને સાંસારિક સુખોનું એવું ઘેલું લાગેલું છે કે કોઈને ભગવાનને ઓળખવા માટે જાણે કે ફુરસદ જ નથી. કમસે કમ આપણી સાંસારિક જવાબદારીઓ પૂરી થયા પછી પણ આપણે ઈશ્વરને ઓળખવા માટે પ્રયત્નો શરૂ કરી દેવા જોઈએ. આપણે તો એક કામ પૂરું થયું કે તરત બીજા કામની વિચારણામાં લાગી જતા હોઇએ છીએ. એ વાત તો ખૂબ સ્પષ્ટ છે કે સંસારનાં કામોનો તો કદી પાર આવતો જ નથી. જો આપણે પ્રભુનો સાક્ષાત્કાર કરવા માગતા હોઇએ તો આપણે આપણી જાતને પેલાં સાંસારિક કામોમાંથી મુક્ત કરવી જ જોઇએ. વળી ભગવાન આગળ કહે છે જે કે વ્યક્તિઓ મને ઓળખવાનો પ્રયત્ન કરે છે તેમાંથી કોઇ એકાદ જ તેમને ઓળખવામાં કે પામવામાં સફળ થાય છે. આવું શાથી બનતું હશે? આનું કારણ પણ સ્પષ્ટ જ છે કે જે પ્રયત્ન કરવામાં આવે છે તે નિષ્ઠાપૂર્વકનો નથી હોતો. ઘણી વાર તો તે માત્ર દેખાવ પૂરતો જ હોય છે. આ શ્લોક મારફતે ભગવાને ઈરાદાપૂર્વક રીતે સઘળા મનુષ્યોને ધ્યાને રાખીને સ્પષ્ટ અંગુલિનિર્દેશ કરીને આપણી સાંસારિક તન્મયતા તરફ ધ્યાન દોર્યું છે અને તે જવાબદારીઓમાંથી શક્ય તેટલા મુક્ત થઈ પ્રભુને ઓળખવા માટે ખરા દિલથી પ્રયત્નો કરવાની વાત મૂકી છે.
ભૂમિ: અપ: અનલ વાયુ: ખં મનોબુદ્ધિરેવ ચ II
અહંકાર: ઇતિ ઇયમ મે ભિન્ના પ્રકૃતિ: અષ્ટધા I 7/4 II
અર્થ : પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર આ પ્રમાણે આઠ ભાગ પાડેલી મારી પ્રકૃતિ છે.
આપણે પ્રકૃતિ શબ્દનો સામાન્ય અર્થ એવો કરતા હોઇએ છીએ કે પ્રકૃતિ એટલે કુદરત. નદી, નાળાં, સરોવર, ડુંગર, જંગલ, વૃક્ષ, પશુ, પક્ષી, પ્રાણી, મનુષ્ય વગેરેનો સમાવેશ પ્રકૃતિમાં થાય છે. ભગવાને પ્રકૃતિ માટે `મારી પ્રકૃતિ’ એવો શબ્દ વાપર્યો છે એટલે કે એ કહે છે કે આ સમગ્ર પ્રકૃતિ મારી છે જેના જુદા જુદા આઠ ભાગ પાડેલા છે. તેમાં બહારથી નરી આંખે જોઈ શકાતાં કુદરતી તત્ત્વો જેવાં કે, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ ઉપરાંત જે નથી દેખી શકાતાં તેવાં અન્ય ત્રણ મહત્ત્વનાં તત્ત્વો મન, બુદ્ધિ અને અહંકાર પણ પ્રકૃતિમાં સમાવિષ્ટ થઈ જાય છે. આ શ્લોકમાં પ્રભુએ તેમની પ્રકૃતિમાં કયાં આઠ તત્ત્વો છે તેનો માત્ર ઉલ્લેખ કરેલો છે. તે અંગે વધારે કંઈ વાત કરી નથી, પણ એમ લાગે છે કે તેમણે આપણે જે જોઈ શકતા નથી તેવાં મન, અહંકાર અને બુદ્ધિ જેવાં તત્ત્વો વડે આપણને સાત્ત્વિક વિચારો કરવા, સાત્ત્વિક કાર્યો કરવા સૂચવેલું છે. સાથે સાથે આ તત્ત્વો ઘણાં જ મહત્ત્વનાં હોવાથી તેમનો સદુપયોગ કરવા માટેનો છૂપો અંગુલિનિર્દેશ પણ કરેલો છે તેમ જ માનવું રહ્યું.