ઇફકોની ચર્ચાસ્પદ બનેલી ચૂંટણીમાં રાજકોટ સહકારી નેતા જયેશ રાદડીયાનો તોતીંગ બહુમતીથી વિજય થયો છે. ભાજપના સત્તાવાર ઉમેદવાર બિપીન પટેલને પછડાટ મળી છે. ચૂંટણીના ત્રીજા ઉમેદવાર પંકજ પટેલ છેલ્લી ઘડીએ બિપીન પટેલની તરફેણમાં ખસી ગયા હોવાની ચર્ચા છતાં બંનેના સંયુકત મત પણ રાદડીયાના મતને આંબી શકયા ન હતા. ત્યારે રાદડીયા આટલુ જોર કેવી રીતે કરી શકયા તે વિશે સહકારી જગતમાં ચર્ચા શરૂ થઇ છે. દેશની ટોચની સહકારી સંસ્થા ઇફકોની ચર્ચાસ્પદ બનેલી ચૂંટણીના પરિણામો આવતા દિવસોમાં હવે અનેક પ્રત્યાઘાતો સર્જે તેવા ભણકારા વાગવા શરૂ થઇ ગયા છે, પાર્ટીના સત્તાવાર ઉમેદવારની હારને ‘ભાજપનો જ પરાજય’ ગણી શકાય તેમ છે ત્યારે હવે ખાસ કરીને સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ પ્રથા પર પૂર્ણવિરામ મુકાઇ જાય તેવી ચર્ચા પણ જોર પકડવા લાગી છે. રાદડીયા જેવા શક્તિશાળી નેતાનું સહકારી નેટવર્ક તોડવામા ભાજપની ટોચની નેતાગીરી સફળ રહી નથી. એ જોતા ખુદ ભાજપના કાર્યકર્તાઓ અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં લાકડિયા તાર જેવી એવી એક ચર્ચાએ વેગ પકડ્યુ છે કે, સહકારી ક્ષેત્રે તો મજબૂત નેતા જ સર્વોપરી છે. તેમા પાર્ટીનું રાજકારણ ન આવવુ જોઇએ.
ભાજપના મન્ડેટથી સતાવાર ઉમેદવાર અન્ય જાહેર થવા છતા તેની સામે ચૂંટણી લડવા અંગે જયેશ રાદડિયાએ કહ્યું કે, ‘મારા પિતાશ્રીએ 30 વર્ષથી વાવેતર કર્યું છે, જેથી અહીં લણવાનો અને લડવાનો અધિકાર મારો છે. આ ખેતરમાં મારૂ 30 વર્ષનું વાવેતર કરેલું છે અને સમયે આવે આપણા ખેતરમાં કોઇને આવવા દઇએ છીએ? કોઈને નથી આવવા દેતા. અહીં લડવાનો અધિકાર એ તો મારો અધિકાર હોય. જ્યા સુધી આ ખેતર વ્યવસ્થિત છે ત્યા સુધી હું જ લડવા આવવાનો છું. બીજા રાહ જોતા હોય અને ઉપાધી કરતા હોય તો એ પણ બંધ કરી દેજો.’

મારા પિતાએ અહીં 3૦ વર્ષથી વાવેતર કર્યુ છે, અહીં મારો અધિકાર છે
ભાજપના મન્ડેટથી સતાવાર ઉમેદવાર અન્ય જાહેર થવા છતા તેની સામે ચૂંટણી લડવા અંગે જયેશ રાદડિયાએ કહ્યું કે, ‘મારા પિતાશ્રીએ 30 વર્ષથી વાવેતર કર્યું છે, જેથી અહીં લણવાનો અને લડવાનો અધિકાર મારો છે. આ ખેતરમાં મારૂ 30 વર્ષનું વાવેતર કરેલું છે અને સમયે આવે આપણા ખેતરમાં કોઇને આવવા દઇએ છીએ? કોઈને નથી આવવા દેતા. અહીં લડવાનો અધિકાર એ તો મારો અધિકાર હોય. જ્યા સુધી આ ખેતર વ્યવસ્થિત છે ત્યા સુધી હું જ લડવા આવવાનો છું. બીજા રાહ જોતા હોય અને ઉપાધી કરતા હોય તો એ પણ બંધ કરી દેજો.’

ઇફકોની ચૂંટણી સંદર્ભે સી.આર.પાટિલની પ્રતિક્રિયા
પાર્ટીની નીતિ રહી છે, એક વ્યક્તિ એક હોદો
ઇફકોની ચૂંટણી બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે, કે કોઈ પાસે એકથી વધારે હોદ્દો ન હોવો જોઈએ. સહકારી ક્ષેત્રમાં લગભગ 350 વધુ ઈલેક્શનોમાંથી 349 ચૂંટણી આ મેન્ડેટ આધારે જીતી છે. કેટલાય લોકો સહકારના નામે ઈલુઈલુ કરતા હતાં. અલગ અલગ પાર્ટીના મેળાપ સાથે ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરતા હતાં જેના કારણે આટલી સીટો ક્યારે જીતતા ન હતાં. જો કે, અત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સહકારી સંસ્થાઓમાં કાર્યભાર સંભાળી સારી રીતે સેવા આપી રહ્યાં છે. જેના માટે જ અમે મેન્ડેટની પ્રક્રિચા સ્વાકારી છે.
૬ કરોડ ખેડૂતોની ઇફકો સંસ્થાનું વાર્ષિક ટર્ન ઓવર ૬૦ હજાર કરોડ
ઇફકો સમગ્ર વિશ્વમાં સૌથી મોટી સહકારી સંસ્થા છે. વર્ષ ૧૯૬૭માં ફકત ૫૭ સહકારી સમિતિઓની સાથે આ સમિતિમાં આજે 3૬ હજાર કરતા પણ વધારે ભારતીય સહકારી સમિતિઓ સામેલ છે. ખાતર બનાવીને વેચવાના મુખ્ય વ્યવસાયથી માંડી ગ્રામીણ દૂરસંચાર જેવા વિવિધ સેક્ટર્સ સુધી ફેલાયેલો છે. ઇકફો ભારતના ૬ કરોડ ખેડૂતોને સેવા પ્રદાન કરે છે.
રાદડિયા પાસે અગાઉથી જ ‘અડીખમ’ ૬૮ મત હતા, સંઘાણીના ૨૯ ઉમેરાયા એ અલગ
ભાજપે અન્યને મેન્ડેટ આપ્યુ ત્યારથી જ રાદડિયાએ તેમનુ સહકારી નેટવર્ક તૈયાર કરી લીધાની ચર્ચા
સુત્રોના કહેવા પ્રમાણે ચૂંટણીના 8-10 દિવસ પૂર્વે જ ઇફકોના જંગમાં આંતરીક વિવાદ સર્જાવાના સંકેતો ઉઠી ગયા હતા. રાદડીયાએ ફોર્મ ભર્યુ તે પૂર્વે જ બિપીન પટેલના નામનો મેન્ડેટ ભાજપે ઇસ્યુ કરી દીધો હોવાનું જાહેર થઇ જતા ચૂંટણી સરળ નહીં હોય તે સ્પષ્ટ બની ગયું હતું. આ સંજોગોમાં રાદડીયાનું ‘સહકારી નેટવર્ક’ તૈયાર જ હતું અને ત્રિપાંખીયો જંગ ખેલાવવાનું સ્પષ્ટ થઇ જતા તેઓએ એક જ ઝાટકે રણનીતિ અમલમાં મુકી દીધી હતી. રાદડીયાની નજીકના વર્તુળોનું માનવામાં આવે તો તેઓ પાસે 68 મત તો ટકોરાબંધ હતા અર્થાત વફાદાર મતદારો કોઇના પણ આદેશને માન્યા વિના રાદડીયાને જ મત આપે તેમ હતા. એવી ચર્ચા છે કે, રાદડીયાના 68 અને દિલીપ સંઘાણીના ર9 મત ઉમેરાઇ તે સાથે જ જીત સ્પષ્ટ થઇ જાય તેમ હતી એટલે તેઓએ પાર્ટી સત્તાવાર ઉમેદવારમાં બદલાવ કરે કે ન કરે લડી લેવાનું નકકી કરી લીધુ હતું અને તેનું પરિણામ પણ આવી ગયું છે. દિલીપ સંઘાણી ઉપરાંત મોહનભાઇ કુંડારીયા, જયરાજસિંહ જાડેજા, ગુજરાતના સહકારી નેતા અજય પટેલ જેવા આગેવાનોેએ પણ રસ લીધો હોવાનું કહેવાય છે. રાદડીયાને સૌરાષ્ટ્રના તમામ 94 મત મળ્યા ઉપરાંત વધારાના 19 મત મળ્યા હોવાની પણ છાપ છે અને આ મત ગુજરાત તરફના એક વગદાર સહકારી નેતાના જુથ તરફથી અપાયાનું મનાય છે.


